Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

રાજકોટ પંથકના પાટીદારોના યુવક-યુવતીઓના લગ્ન સબંધ ન થતા હેમુ ગઢવી હોલમાં પ્રથમ વખત ચિંતન શિબિરઃ પ હજાર યુવકોની સામે માત્ર પ૦૦ યુવતિઓના બાયોડેટા આવ્‍યા

લગ્ન સબંધી સમસ્‍યાના ઉકેલ માટે ૧૦ સમાજશાષાીઓની ટીમ બનાવીઃ ચિંતન શિબીરમાં લોકોએ તારણો રજૂ કર્યા

 રાજકોટના હેમુ ગઢવી હોલમાં પાટીદારોના યુવક-યુવતીઓના સગપણ થતા ન હોવા બાબતે પ્રથમ વખત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. લગ્ન સબંધી વિવાદોના ઉકેલ માટે ૧૦ સમાજ શાષાીઓની ટીમ બનાવી વડીલો પાસે પ્રશ્નોતરી કરી તારણો રજૂ કરવામાં આવ્‍યા હતાં શિબિર દરમિયાન પસંદગી મેળો યોજવામાં આવતા પાંચ હજાર યુવકોની સામે માત્ર પાંચસો યુવતીઓના બાયોડેટા આવ્‍યા હતાં.

: સમાજની સમસ્યાઓ ઉકેલવા પાટીદારોની પહેલીવાર ચિંતન શિબિર યોજાઈ છે. જેમાં પાટીદારોના દીકરા-દીકરીઓના સગપણ ન થતા હોવાનું ચિંતન કરાયું છે. રાજકોટમાં પાટીદાર સમાજે દીકરા- દીકરીના સગપણ માટે નડતી મુશ્કેલીઓ, છુટાછેડાનું વધતું પ્રમાણ, આર્થિક સદ્ધરતા છતાં આપઘાતના વધતા જતા બનાવો જેવી સમસ્યાઓના નિરાકરણ માટે હેમુ ગઢવી હોલમાં શનિવારે પાટીદાર સમાજે ચિંતન શિબિર યોજી હતી. દેશમાં આ પહેલો પ્રયોગ છે.

પાટીદાર સમાજની સમસ્યાઓ ઉકેલવા પાટીદારોની ચિંતન શિબિરમાં અનેક યુવક-યુવતીઓ અને તેમના માતા-પિતા હાજર રહ્યા હતા. લગ્ન અંગેના વિવાદો ઉકેલવા 10 સમાજશાસ્ત્રીઓની ટીમ પણ બનાવવામાં આવી હતી. આ ચિંતન શિબિર બાદ જાણવા મળી રહ્યું છે કે સમાજમાં જૂના રિવાજોને સ્થાને આધુનિક વિચારસરણીને સ્થાન મળશે. 1500 થી વધુ લોકોને ચિંતન માટે પ્રશ્નોતરી પૂછવામાં આવી હતી. ત્યારબાદ ચિંતન શિબિરમાં સમાજના લોકોએ તારણો રજૂ કર્યા. 

ચિંતન શિબિરમાં દીકરા-દીકરીઓની અભ્યાસ વધતા ડિમાન્ડ વધી હોવાનું સામે આવ્યું છે. પાટીદાર યુવાનો-યુવતીઓ સુંદરતા વધુ પસંદ કરતાં હોવાનો ખુલાસો થયો છે. જેમાં 465 સગાઈ ઓનલાઇન થઈ હોવાનું ખૂલ્યું છે. આના ઉપરથી કહી શકાય કે પાટીદાર સમાજના દીકરા-દીકરીઓની પસંદગી બદલાઈ છે. આ સિવાય શિક્ષણ, દેખાવ, ઊંચાઈ બાબતે કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. બીજી બાજુ જમીન, ઉદ્યોગ, નોકરીની માંગ પણ વધી છે. સંયુક્ત પરિવારમાં દીકરીઓ પસંદ કરતી નથી. એકલા અને શહેરમાં રહેતા યુવાનો કે યુવતીઓ પર વધુ પસંદગી થતી હોવાનું સામે આવ્યું છે. 

આ સિવાય શિબિરમાં શનિવારે પસંદગી મેળો યોજવામાં આવ્યો હતો. જો કે 5 હજાર યુવકોની સામે માત્ર 500 યુવતીઓના બાયોડેટા આવ્યા હતા. લગ્ન માટે કુંડળી-ગ્રહો મેળવવાની પરંપરાને તિલાંજલિ આપવા માટે શિક્ષણ અને વ્યસનમુક્તિ જેવા ગુણોને મેળવવાની હાકલ પણ કરવામાં આવી છે.

(7:02 pm IST)