Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથામાં ચિક્કાર મેદની વચ્‍ચે ‘શ્રી રામજન્‍મ'ની ભાવભેર-રંગેચંગે ઉજવણી

શ્રી રામકથામાં શ્રી રામજન્‍મ જન્‍મ બાદ રામલલ્લાને ભાવપૂર્વક પારણે ઝુલાવતા અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા તસ્‍વીરમાં નજરે પડે છે. શ્રી રામકથાના મુખ્‍યવકતા પૂજય શ્રી ભુપેન્‍દ્રભાઇ પંડયાએ હોંશભેર શ્રી રામલલ્લાને લાડ લડાવ્‍યા હતા. અલગ-અલગ વેશભુષા સાથે શ્રી રામભકિતમાં તરબોળ થતા અને રાસની રમઝટ બોલાવતા ભાવિકો નજરે પડે છે. પ્રસાદઘર ખાતે પણ ભાવિકોનો દરીયો જોવા મળી રહ્યો છે.

-અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાએ શ્રી રામલલ્લાને પારણે ઝુલાવ્‍યા

- અલૌકીક અને પવિત્ર વાતાવરણમાં ભાવિકો શ્રી રામભકિતમાં તરબોળ બનીને નાચ્‍યા અને રાસ ગરબાની રમઝટ બોલી

- હજજારો જ્ઞાતિજનોએ ભાવપૂર્વક પ્રસાદ લીધોઃ શ્રી રામકથાના ડોમ અને પ્રસાદ ઘરમાં પગ મૂકવાની જગ્‍યા ન હતી છતાં પણ રાજકોટ લોહાણા મહાજન દ્વારા શિસ્‍તબધ્‍ધ અને કાબિલેદાદ વ્‍યવસ્‍થા કરવામાં આવી : હર્ષોલ્લાસના ઘોડાપૂર

- કથા વિરામના અંતે દરરોજ રાત્રે યોજાતા સાંસ્‍કૃતિક કાર્યક્રમોએ પણ જમાવટ કરીઃ આજે રાત્રે નિધિબેન ધોળકીયાનો કાર્યક્રમ

 

રાજકોટ તા. ર૩ :.. વિશ્વનું સૌથી મોટુ લોહાણા મહાજન રાજકોટ લોહાણા મહાજન દ્વારા આયોજીત શ્રી રામકથાના બીજા દિવસે ભાવિકોની ચિક્કાર મેદની વચ્‍ચે શ્રી રામજન્‍મની ભાવભેર અને રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. અલૌકિક અને પવિત્ર વાતાવરણમાં શ્રી રામજન્‍મ દરમ્‍યાન ભાવિકો શ્રી રામભકિતમાં રીતસર તરબોળ બની ગયા હતાં. અને મનમૂકીને શ્રી રામલલ્લાના જન્‍મને વધાવ્‍યો હતો. ટ્રેડીશનલ ડ્રેસમાં રહેલ બહેનોએ ડાયસ ઉપર વ્‍યાસપીઠ ફરતે તથા ડાયસની સામે ભાવિકોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી દીધી હતી. શ્રી રામ લલ્લાના  જન્‍મને અકિલાના મોભી અને જ્ઞાતિ શ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પારણું ઝૂલાવીને ભાવપૂર્વક વધાવ્‍યો હતો. મુખ્‍ય વકતા પૂજય શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાએ પણ વ્‍યાસપીઠ ઉપરથી ડાયસ ઉપર આવીને શ્રી રામભકતોને ઉત્‍સાહપૂર્વક પ્રસાદની લ્‍હાણી કરી હતી. ચારે બાજુ હર્ષોલ્લાસના ઘોડાપુર ઉમટયા હતાં.

શ્રી રામજન્‍મના દિવસે ભાવિકોનો દરીયો જોવા મળી રહ્યો હતો અને શ્રી રામકથાના ડોમમાં અને પ્રસાદ ઘરમાં કયાંય પગ મુકવાની જગ્‍યા ન હતી. છતાં પણ રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ અને તેની સમગ્ર ટીમે શિસ્‍તબધ્‍ધ અને કાબિલેદાદ વ્‍યવસ્‍થા કરી હતી કે જેથી એક પણ જાતની અવ્‍યવસ્‍થા ન સર્જાઇ અને તમામ રામભકતોએ ખૂબ જ પવિત્ર વાતાવરણમાં કથા શ્રવણનો બહોળો લાભ લીધો હતો.

દરરોજ રાત્રે કથા વિરામ અને પ્રસાદ બાદ દિવસના અંતે વિવિધ ક્ષેત્રોના નિષ્‍ણાંતો-કલાકારો દ્વારા અલગ-અલગ સાંસ્‍કૃતિક કાર્યક્રમોએ પણ શ્રી રામભકતોમાં ગજબનું આકર્ષણ જગાવ્‍યું છે. પ્રથમ દિવસે પ્રો. ભદ્રાયુભાઇ વચ્‍છરાજાની તથા ગઇકાલે બીજે દિવસે સુપ્રસિધ્‍ધ સંગીતકાર ડો. ઉત્‍પલભાઇ જીવરાજાની તથા હેમંતભાઇ જોષીએ પોતાની આગવી શૈલીમાં લોકોને રીતસર સંગીતમય બનાવી દીધા હતાં. બંને તજજ્ઞો દ્વારા ‘વર્લ્‍ડ ફાસ્‍ટેસ્‍ટ હનુમાન ચાલીસા' પણ લાઇવ કરવામાં આવે છે. આજે રાત્રે સુપ્રસિધ્‍ધ સંગીતકાર નિધિબેન ધોળકીયાનો કાર્યક્રમ રાખેલ હોવાનું જાણવા મળે છે.

(3:49 pm IST)