Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

૭ લાખ ૬૦ હજારના ચેક રિર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા.ર૪ : રાજકોટ શહેરના ચાંદીકામનો ધંધો કરનાર આરોપી પ્રાગજી મેટાળીયાએ તે જ ધંધા સાથે સંકળાયેલ ફરીયાદી દિનેશ મેરામ ગાબુ પાસેથી લીધેલ રકમ રૂા.૭,૬૦,૦૦૦ પરત ચુકવવા આરોપીએ ઇસ્‍યુ કરી આપેલ ચેક રીટર્ન થતા કેસ ચાલી જતાં કેસ સાબિત માની રાજકોટ એડી ચીફ જયુડી મેજી.એમ.આર. લાલવાણીએ આરોપીને એક વર્ષની સજા તથા રૂા.૭,૬૦,૦૦૦ ફરિયાદીને વળતર પેટે એક માસમાં ચુકવવા અને તેમા કસુર કર્યે વધુ છ માસની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.
આ કેસની હકિકત જોઇએ તો, આજી ડેમ ચોકડી પાસે, સુંદરમ પાર્ક-૧માં રહેતા ફરીયાદી દિનેશ મેરામભાઇ ગાબુ ચાંદીના ધંધા સાથે સંકળાયેલ હોય દરમિયાન રાજકોટ તાલુકા જીલ્લાના ગઢકા ગામે રહેતા આરોપી પ્રાગજી સગરામ મેટાળીયા પણ ચાંદીના ધંધા સાથે સંકળાયેલ હોય ફરીયાદી પાસેથી આરોપીએ રુા.૭,૬૦,૦૦૦ મીત્રતાના સબંધના દાવે ધંધા માટે લઇ તે સબંધે પ્રોમીસરી નોટ પણ કરી આપી બાદ રકમ રૂા.૭,૬૦,૦૦૦ પરત કરવા ચેક ઇસ્‍યુ કરી આપી ચેક પાસથઇ જવા આપેલ વચન, વિશ્વાસ અને ખાત્રી મુજબ ન વર્તી ચેક રિટર્ન થતાં આરોપી વિરૂધ્‍ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ.
રેકર્ડ પરના રજુ મૌખિક તથા દસ્‍તાવેજી પુરાવાઓને સમગ્રપણે ધ્‍યાને લેતા આરોપીએ લીધેલ બચાવ શંકાસ્‍પદ જણાય છે, ફરીયાદપક્ષના પુરાવાનું ખંડનો કરતા ખંડનાત્‍મક પુરાવો આરોપી રેકર્ડ પર લાવવામાં સફળ થયેલ નથી. ત્‍યારે ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને તકસીરવાન ઠેરવી આરોપીને એક વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ એક માસમાં ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને તેમા કસુર કર્યે વધુ છ માસની સજા ફરમાવતો સમાચીન્‍હરૂપ ચુકાદો ફરમાવવામાં આવેલ.
ઉપરોકત કામમાં ફરીયાદી દિનેશભાઇ ગાબુ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

 

(10:57 am IST)