Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

પત્‍નિને કુટણખાનામાં ધકેલવાના ગુનામાં પકડાયેલ પતિની જામીન અરજી નામંજુર

રાજકોટ તા. ર૪: પોતાની પત્‍નીને વેશ્‍યાવૃતિમાં ધકેલનાર પતિની જામીન અરજી રદ કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ અંગેની ટુંક હકીકત એવી છે કે એક પરીણીતસ્ત્રીએ પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં પોતાની આપવીતી જણાવી એવી ફરીયાદ આપેલ કે પોતાનો પતિ વિશાલ કે જે તે વખતે ટ્રાન્‍સપોર્ટમાં ડ્રાઇવીંગ કરતો અને તેનાથી પોતાને ૭ વર્ષનું બાળક પણ છે ત્‍યારબાદ પતિએ ભોગ બનનાર પરીણીતાને સ્‍પાના પાર્લરમાં નોકરી કરવાનું જણાવેલ અને ત્‍યાં મોટા વધુ ગ્રાહકો આવશે અને વધુ કમાણી થાશે એમ કહી સ્‍પા પાર્લરમાં મોકલવાનું શરૂ કરેલ જેનો સંચાલક કિશન કરણ બહાદુર ઠાકુર હતો જે આલાપ ગ્રીન સીટી રૈયા રોડ રાજકોટ ખાતે રહેતો હતો તેણે પણ ફરીયાદી અને ભોગ બનનારને દેહ વેપલામાં ધકેલવામાં પુરેપુરો ભાગ ભજવેલ હતો. વિશાલ તથા કિશને એ રીતે કુટણખાનુ ચલાવી અને ભોગ બનનાર પરીણીતાને દેહ વેપલો કરાવી એ રીતે વેશ્‍યાવૃતિની આવક ઉપર જલસા કરવાનું ચાલુ રાખેલ.

આ અંગે પોલીસે અનૈતિક વેપાર અધીનિયમની કલમ-૪, પ અન્‍વયેને ગુન્‍હો નોંધેલો અને બન્‍ને આરોપીઓની ધરપકડ કરેલ જેમાં તાજેતરમાં પતિ વિશાલ ગુણવંતની અરજીની સુનાવણી એડીશ્‍નોલ સેશન્‍સ જજ શ્રી બી. બી. જાદવ કોર્ટમાં સુનાવણી થઇ જતા તે વખતે સરકાર પક્ષેથી એ.પી.પી. શ્રી મહેશભાઇ જોષીએ એવી દલીલો કરેલ કે આરોપી વિશાલ માંડલીયા સામે પ્રથમ દર્શનીય કેસ છે. ગુન્‍હો જે રીતે બનેલો છે તે રીતે પણ તેની ગંભીરતા વધી જાય છે. આવા સંજોગોમાં આરોપીને જામીન પર છોડી શકાય નહીં જેથી જામીન અરજી રદ કરવી જોઇએ. જે તમામ બાબતોને અને તપાસના કાગળોને ધ્‍યાને લઇ સેશન્‍સ અદાલતે આરોપીની જામીન અરજી નકારી કાઢેલ છે. જે કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી મહેશભાઇ જોષી હાજર રહેલ હતા. 

(4:31 pm IST)