Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

કવિ કલાપી ટાઉનશીપમાં આવાસ વિભાગના દરોડાઃ પાંચ ફલેટ સીલ

ચેકીંગ દરમિયાન વિવિધ ફલેટમાં મુળ લાભાર્થીના સ્‍થાને અન્‍ય વ્‍યકિત રહેતા હોય તંત્ર દ્વારા નોટીસ આપી કાર્યવાહી

રાજકોટ તા. ર૪ :.. મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોમાં રાજય અને કેન્‍દ્ર સરકારના સહયોગથી આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવે છે. જેમાં ગરીબો અને મધ્‍યમ વર્ગના લોકોને ઘરના ઘરનું સ્‍વપ્‍ન પુરૂ થાય છે. ડ્રો સીસ્‍ટમ દ્વારા આવાસોની ફાળવણી કરવામાં આવે છે. શહેરના પોશ સહિતના વિવિધ વિસ્‍તારોમાં કોર્પોરેશન દ્વારા ૧ થી ૩ બીએચકેના ફલેટ બનાવવામાં આવે છે. અમુક જગ્‍યાએ સાથે કોમર્શીયલ બાંધકામમાં દુકાનો પણ નિર્માણ કરવામાં આવે છે. સામાન્‍ય રીતે ફાળવણી કરાયેલ ફલેટ ૭ વર્ષ સુધી ભાડે આપવા કે વેચાણ નથી કરી શકાતા. તેમ છતા મનપાની આવાસ યોજનાઓમાં ઘણા લાભાર્થીઓ દ્વારા ફલેટ ભાડે દેવાની ફરીયાદો પણ તંત્રને મળતી હોય છે ત્‍યારે મહાનગરપાલીકા તંત્ર દ્વારા ભાડે ફલેટ આપતા લોકોને ત્‍યાં ચેકીંગ હાથ  ધરવામાં આવેલ. મનપાના આવાસ યોજનાના અધિકારીઓ દ્વારા મુખ્‍યમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરના બાબરીયા કોલોની વિસ્‍તારમાં નિર્માણ થયેલા કવિ કલાપી ટાઉનશીપમાં ચેકીંગ ઝૂંબેશ કરવામાં આવી હતી. આ ચેકીંગ દરમ્‍યાન પાંચ મૂળ લાભાર્થીના સ્‍થાને અન્‍ય વ્‍યકિતઓ રહેતા આ ફલેટ તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્‍યા હતાં.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકા દ્વારા મુખ્‍યમંત્રી આવાસ યોજના અંતર્ગત કવિ કલાપી ટાઉનશીપ બનાવવામાં આવેલ છે, જેમાં ભાડુઆત અંગેનું ચેકીંગ કરવામાં આવતા એ-૧૦૧, એ.-૩૦ર, એ.-૩૦૩, એ.-૭૦૪, અને એ-૭૦૭, નંબરના આવાસોમાં મૂળ લાભાર્થીના સ્‍થાને અન્‍ય વ્‍યકિતઓ રહેતા માલુમ પડેલ  હોવાથી નોટીસો આપવામાં આવેલ હતી.
જેથી મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાની સુચના અન્‍વયે નાયબ કમિ. એ. કે. સિંહના માર્ગદર્શન હેઠળ આજે તા. ર૪ ના રોજ આવાસોમાં આવાસ યોજનાની ટીમ દ્વારા વિજીલન્‍સ ટીમ સાથે રાખીને સીલ મારવામાં આવેલ છે.

 

(4:07 pm IST)