Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

‘તને મંગળ ગ્રહ નડે છે, તું માંગલીક છો, સાથે રહીશ તો મારો દીકરો મરી જશે' કહી પરિણીતાને સાસરીયાનો ત્રાસ

રાજકોટના પોલીસમેનની પુત્રીની પડધરીના કનકપુર ખોખરીના પતિ, પોલીસમેન સસરા અને સાસુ સામે મહિલા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ર૪: જામનગર રોડ પર પોલીસ હેડ કવાર્ટરમાં માવતર ધરાવતી પોલીસમેનની પુત્રીને ‘તને મંગળ ગ્રહ નડે છે, તું માંગલીક છો, તું સાથે રહીશ તો મારો દીકરો મરી જશે' તેમજ માવતરેથી સોનાની મોજડી અને ગાડી લઇ આવવા કહી પડધરીના કનકપુર ખોખરી હાલ રાજકોટ પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા પતિ પોલીસમેન સસરા અને સાસુ સામે ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ જામનગર રોડ પર પોલીસ હેડ કવાર્ટર બ્‍લોક નં. ૧ માં રહેતા રાજવીબા હરજીતસિંહ જાડેજા (ઉ.વ. ર૧) એ મહિલા પોલીસ મથકમાં મૂળ પડધરીના કનકપુર ખોખરી હાલ રાજકોટ પોલીસ હેડ કવાર્ટરમાં રહેતા પતિ હરિજીતસિંહ સહદેવસિંહ જાડેજા, સસરા સહદેવસિંહ જાડેજા, સાસુ કિર્તીબા સહદેવસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. રાજવીબાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતાના બે વર્ષ પહેલા પડધરીના કનકપુર ખોખરી ગામના હરીજીતસિંહ જાડેજા સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓએ પોતાને ત્રણ મહિના સુધી સારી રીતે રાખ્‍યા બાદ ઘરકામ બાબતે પતિ, સાસુ અને સસરા મેણાટોણા મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમજ સાસુ સામે કંઇપણ વાત કરે ત્‍યારે સાસુ મોબાઇલમાં રેકોર્ડીંગ કરી પતિને સંભળાવતા પતિ પોતાની સાથે ઝઘડો કરતો હતો તેમજ સાસુ કહેતા કે, ‘તને મંગળ ગ્રહ નડે છે, તું માંગલીક છો, તું સાથે રહીશ તો મારો દીકરો મરી જશે' તેમ મેણાટોણા મારતા હતા, પતિ કયારેક બહારગામ જાય ત્‍યારે પોતે ફોન કરતા પતિ ફોન પણ ઉપાડતો નહીં અને પતિ અને સસરા કહેતા કે ‘તારા બાપના ઘરેથી સોનાની મોજડી અને ગાડી લઇ આવ' કહી શારીરિક માનસીક ત્રાસ આપતા હતા. આ ત્રાસથી કંટાળી પોતે માવતરના ઘરે આવ્‍યા બાદ મહિલા પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે ગઇકાલે પોતાની ફરિયાદ દાખલ કરતા પી.એસ.આઇ. એચ. પી. ગઢવીએ તપાસ હાથ ધરી છે.

 

(4:09 pm IST)