Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

૨૦૦ એકર જમીન -૧૨૦૦ કરોડનો ખર્ચ : સુપર એઇમ્સનું નિર્માણમાં કાર્ય જેટ ગતિમાં

ઓપીડી બિલ્ડીંગનું સ્ટ્રકચર -બાઉન્ડ્રી વોલ તૈયાર : એઇમ્સને જોડતા કુલ ૫ મહત્વના રસ્તાની કામગીરી ધમધોકાર : કલેકટર રેમ્યા મોહન દ્વારા વિદાય પહેલા છેલ્લી સાઇટ વિઝીટ : સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ દર્દીઓને ઉચ્ચકોટીની સારવાર મળશે : ભવિષ્યમાં મોરબી તરફથી ડાયરેકટ એઇમ્સ સાથે રોડ કનેકટીવીટી થશે. ૬૬ કેવીનું સ્પે. સબસ્ટેશન : બસ-ફાયર-પોલીસ-પાણી પુરવઠા લાઇન અને સ્ટેશનો હાલ બની રહ્યા છે. ૬૦૦ થી વધુ મજૂરો કામે લગાડાયા : ડિસેમ્બર -૨૦૨૧માં OPD અને જૂન -૨૦૨૨માં ઇન્ડોર પેશન્ટની સારવાર. નાઇટ શેલ્ટર પૂર્ણતાને આરે આયુષ બ્લોકની કામગીરી ચાલુ ડાયરેકટર ડો. (કર્નલ) સી.ડી.એસ કટોચે દ્વારા અપાતી વિગતો

રાજકોટ તા. ૨૪  : રાજકોટ ખાતે સમગ્ર ગુજરાતની પ્રથમ એઇમ્સના નિર્માણની પ્રક્રિયા હાલ જોરશોરથી ચાલી રહી છે. પરાપીપળીયા ગામ પાસે ૨૦૧ એકરમાં ૭૫૦ બેડની મલ્ટી તેમજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એકેડેમિકની સુવિધા સાથે નિર્માણાધીન એઇમ્સ ખાતે વિવિધ બિલ્ડીંગ સ્ટ્રકચર અને લેવલીંગ પ્રક્રિયા ઉતરોતર પ્રગતિ કરી રહી છે, ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ખાતમુહૂર્ત થયેલ તેમજ મુખ્યમંત્રીશ્રીના ડ્રીમ પ્રોજેકટ સમાન એઇમ્સની કલેકટરશ્રી રેમ્યા મોહને તેમના કલેકટરના કાર્યકાળના છેલ્લા દિવસે સાઈટ વિઝીટ કરી કામગીરીની સમીક્ષા કરી  હતી.

કલેકટરશ્રીએ આ તકે કામગીરીથી સંતોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે એઇમ્સ નિર્માણમાં શરૂઆતથી જ જિલ્લા વહીવટી તંત્ર અને રૂડા દ્વારા જરૂરી તમામ સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે. એઇમ્સ સાથે રોડ કનેકિટવિટી, જમીન અધિગ્રહણ, પબ્લિક એમેનીટીઝ વગેરે માટે જરૂરી કાર્ય ત્વરિત રીતે પૂર્ણ કરાયા છે. તેમણે આનંદ સાથે જણાવ્યું હતું કે, એઇમ્સના પ્રારંભ સાથે સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ દર્દીઓને ઉચ્ચ કોટિની સારવારનો લાભ મળશે.

એઈમ્સના ડાયરેકટરશ્રી ડો. (કર્નલ) સી.ડી.એસ. કટોચે જણાવ્યું હતું કે ડિસેમ્બર-૨૦૨૧માં ઓ.પી.ડી. અને જૂન -૨૦૨૨ આસપાસ અમે ઈન્ડોર પેશન્ટની સારવાર કરી શકીએ તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટકચર પૂર્ણ થાય તે તરફ હાલ અમારું ફોકસ છે. હાલ નાઈટ શેલ્ટર પૂર્ણતાને આરે છે જેમાં ઓ.પી.ડી. શરુ કરાશે. સાથો-સાથ આયુષ બ્લોકની કામગીરી ચાલી રહી છે જયાં ઈ.એન.ટી., મેડિસિન, ગાયનેક, સર્જરી સહિતના વિભાગની ૩૦ થી ૫૦ જેટલા બેડની હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ એકેડમિક, હોસ્ટેલ્સ, હાઉસિંગ બ્લોકના નિર્માણ હાથ ધરાશે. જે માટે જરૂરી ડોકટર્સ, મેડિકલ ટીમ, અને અન્ય સ્ટાફની ભરતી તેમજ ઇકવીપમેન્ટ ખરીદી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી વીરેન્દ્ર દેસાઈએ વહીવટી તંત્રની ભૂમિકા વિષે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, એઇમ્સ માટે જરૂરી જમીન અધિગ્રહણ પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. રૂડા, કોર્પોરેશન તેમજ આર. એન્ડ. બી. ના સહયોગથી એઇમ્સના બંને ગેઈટ તરફ ૯૦ મીટરનો 'સી'રોડ, એઇમ્સને કનેકિટવિટી માટે માધાપરથી મોરબી રોડથી એઇમ્સ તરફ તરફ ૧૦ મીટરના રોડના નિર્માણની પ્રક્રિયા હાલ ચાલુ છે. એઇમ્સને ઘંટેશ્વર તરફ જોડતા જામનગર રોડ તરફ ૯૦ મીટરના અડધા રોડની કામગીરી ચાલુ છે તેમજ એઇમ્સના પાછળના ભાગે પરાપીપળીયા સાથે જોડતા ૧૦ મીટરના રોડની કામગીરી પણ હાલ કાર્યરત છે. ભવિષ્યમાં મોરબી તરફથી ડાયરેકટ એઇમ્સ સાથે રોડ કનેકિટવિટી હાથ ધરાશે તેમજ ખંઢેરી રેલવે સ્ટેશને પબ્લિક સુવિધામાં ઉમેરો કરવાની કામગીરી ચાલી રહી છે.

પબ્લિક એમિનિટીઝ તેમજ અન્ય સુવિધાઓ વિષે વાત કરતા શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે, એઇમ્સ ખાતે  ૬૬ કે.વી. નું સબ સ્ટેશન કાર્યરત કરાઇ રહયું છે કે જયાંથી ડાયરેકટ વીજ લાઈન પુરી પડાશે તેમજ બસ સ્ટેશન, ફાયર સ્ટેશન , પોલીસ સ્ટેશન, પાણી પુરવઠા દ્વારા પાઈપલાઈન સહિતની કામગીરી માટે માટે તંત્ર હાલ કાર્યરત છે.એઇમ્સ ખાતે એચ.એસ.એસ.સી. દ્વારા કન્સ્ટ્રકશનની કામગીરી કરવામાં આવી રહી છે. એચ.એસ.સી.સી. ના પ્રોજેકટ ઇન્ચાર્જ શ્રી શ્યામસુંદરે મહાનુભાવોને પ્રેઝન્ટેશન આપતા જણાવ્યું હતું કે, ૬૦૦ જેટલા કારીગરો અને મજૂરો દ્વારા કન્સ્ટ્રકશનની કામગીરી ચાલી રહી છે. હાલ બોયઝ હોસ્ટેલનું સ્ટ્રકચર પૂર્ણતાને આરે છે, ગર્લ્સ હોસ્ટેલ, ડાઇનિંગ, ગેસ્ટ હાઉસ, એકેડમિક બ્લોકસ, નર્સિંગ, પી.જી. હોસ્ટેલ, હાઉસિંગના ફાઉન્ડેશન તેમજ સ્ટ્રકચરની કામગીરી ચાલી રહી છે.

કલેકટરશ્રી રેમ્યા મોહને એઇમ્સ સાઈટ ખાતે વૃક્ષારોપણ કરી ગ્રીન એઇમ્સનો પાયો નાખ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ સાથે ઝીરો લિકવીડ વેસ્ટ, વોટર હાવર્િેસ્ટંગ તેમજ બાયોમેડિકલ વેસ્ટ અલાયદા બ્લોક સાથે એઇમ્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોવાનું ડેપ્યુટી ડાયરેકરશ્રી શ્રમદીપ સિંહાએ જણાવ્યું છે.

આ પ્રસંગે અધિક નિવાસી કલેકટરશ્રી પરિમલ પંડ્યા, એચ.એસ.સી.સી. પ્રોજેકટના મેનેજરશ્રી લવ ચાંગલા પણ ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીર : સંદિપ બગથરિયા)

(11:51 am IST)