Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

વ્યાજખોરો સામે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની લાલ આંખઃ એક સાથે પાંચને પાસા

ગાંધીગ્રામના વિક્રમ, કોટડા નવાગામના પરેશ, લોધીકા દેવગામના ઉમેશ, મવડીના વિક્રમ અને સંદિપસિંહને અલગ અલગ જેલમાં ધકેલાયાઃ યુનિવર્સિટી પોલીસે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૨૪: વ્યાજખોરીના ગુનામાં સામેલ એક સાથે પાંચ શખ્સોને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે પાસા તળે જુદી જુદી જેલમાં ધકેલી દીધા છે. વોરન્ટની બજવણી યુનિવર્સિટી પોલીસે કરી હતી.

જે પાંચ શખ્સોને પાસા તળે જેલોમાં ધકેલાયા છે તેમાં વિક્રમ જીલુભાઇ ખુમાણ (ઉ.૪૧-રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ, ગાંધીગ્રામ શેરી-૧, સરવૈયા નિવાસ પાસે સૂર્યપુજા), પરેશ ભુપતભાઇ દેથરીયા (ઉ.૩૦-રહે. સી-ટાઇપ એ-૨૦૨ સરકારી વસાહત વસ્ત્રાપુર મેમનગર અમદાવાદ, મુળ નવાગામ (રામપરા) કોટડા સાંગાણી), ઉમેશ રમેશભાઇ પાંભર (ઉ.૨૭-રહે. પ્રણામી પાર્ક-૪, મવડી પ્લોટ, મુળ દેવગામ લોધીકા), વિક્રકમ ભુદરજીભાઇ ભાગીયા (ઉ.૩૪-રહે. મવડી રોડ, સિતારામ ચોક શિવમ્ પાર્ક-૨-૩ વચ્ચે મકાન નં. ૧૮૦) તથા સંદિપ ઉર્ફ સંદિપસિંહ બાબુભાઇ જેઠવા (ઉ.૩૦-રહે. મવડી ચોકડી રાધે હોટેલ પાસે, ક્રિષ્ના પાર્ક-૮ ઓમ મકાન)નો સમાવેશ થાય છે.

વિક્રમને ભુજ જેલ, પરેશને પોરબંદર, ઉમેશને અમદાવાદ, વિક્રમ વડોદરા અને સંદિપસિંહને સુરત જેલહવાલે કરાયા છે. આ શખ્સો પાસે નાણા ધીરતાર તરીકેનું લાયસન્સ ન હોવા છતાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપતાં હતાં. વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાના ઉદ્દેશ સાથે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે સુચના આપી હોઇ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાએ આવા શખ્સોની દરખાસ્ત તૈયાર કરવા જણાવ્યું હતું.

તે અંતર્ગત યુનિવર્સિટી પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, એએસઆઇ બળભદ્રસિંહ ચુડાસમા, હેડકોન્સ. ગિરીરાજસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિંયાત્રા, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ, કોન્સ. લક્ષમણભાઇ, જયંતિગીરી, બળુભા, બ્રિજરાજસિંહ, પીસીબીના રાજુભાઇ દહેકવાલ, શૈલેષ રાવલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી, મનિષાબેન સહિતે વોરન્ટ બજવણી કરી હતી. દરખાસ્ત ગિરીરાજસિંહ અને લક્ષમણભાઇએ તૈયાર કરી હતી.

(11:47 am IST)