Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રૈયા રોડ પરના નહેરૂનગરના શાહિદને ૧૪ શંકાસ્પદ વાહનો સાથે ક્રાઇમ બ્રાંચે પકડ્યો

શિતલ પાર્ક પાસેના ડેલામાંથી વાહનો કબ્જેઃ ભંગારનો ધંધાર્થી કહે છે ભાંગવા માટે આવ્યા'તાઃ અગાઉ ૬૫ વાહનો ભાંગ્યા તેની આરસી બૂક મળીઃ પોલીસ વાહન માલિકોને બોલાવશે

રાજકોટ તા. ૨૪: મોચીબજાર શિતલ પાર્ક પાસે ભંગારના ડેલામાં શંકાસ્પદ વાહનો હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે તપાસ કરતાં અલગ અલગ ૧૪ ટુવ્હીલર રૂ. ૭૦ હજારના મળી આવતાં કબ્જે લીધા હતાં. આ પૈકી અમુક વાહનોની આરસી બૂક છે અને અમુકના બેંક લેટર છે. ભંગારમાં ભાંગવા માટે આવ્યાનું ડેલાના સંચાલક રૈયા રોડ નહેરૂનગર-૫માં રહેતાં શાહિદ કાદરભાઇ ચુડેસરા (ઘાંચી) (ઉ.વ.૨૨)એ પોલીસને જણાવ્યું હતું.

જો કે આ વાહનો માલિકોની મંજુરીથી ભાંગવા માટે આવ્યા કે અન્ય કોઇ રીતે એ સ્પષ્ટ થતું ન હોઇ હાલ શંકાસ્પદ ગણી કબ્જે કર્યા છે. અન્ય ૬૫ વાહનોની આરસી બૂક પણ શાહિદ પાસેથી મળી છે. આ વાહનો તેણે અગાઉ ભાંગી નાંખ્યા છે. એસીપી ડી. વી. બસીયા અને પીઆઇ વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશ ચાવડા, શકિતસિંહ ગોહિલ, સ્નેહભાઇ ભાદરકા સહિતે આ કામગીરી કરી છે.

પોલીસના કહેવા મુજબ શાહિદે આ વાહનો સ્ક્રેપ તરીકે ભાંગવા માટે ખરીદ કર્યા હોય તો પણ તેની પાસે આરટીઓ કચેરી તરફથી વાહનના રજીસ્ટ્રેશન કેન્સલ કરાવ્યા છે તે મુજબનો લેટર હોવો જોઇએ. આવા લેટર પણ તેની પાસે નથી. જેથી વાહન માલિકોને બોલાવી વધુ તપાસ કરવામાં આવશે.

(11:48 am IST)