Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રિક્ષા હટાવવા મામલે ભરત સવસેતા, બનેવી તથા બનેવીના પિતા પર તલવાર - પાઇપના ઘા

મવડીના સ્વામિનારાયણ પાર્કનો બનાવ : ધવલ કુકાવા સહિત સામે ફરિયાદ

રાજકોટ તા. ૨૪ : મવડીના સ્વામીનારાયણ પાર્કમાં રીક્ષા હટાવવા પ્રશ્ને આહિર યુવાન તેના પિતા અને બનેવી પર ચાર શખ્સોએ તલવાર, પાઇપ અને લાકડીથી હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મવડી બાપા સીતારામ ચોક પાસે માટેલ સોસાયટી શેરી નં. ૪માં રહેતા ભરતભાઇ દાનાભાઇ સવસેતા (ઉ.૩૩)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણ દિવસ પહેલા પોતે ઘરે હતા ત્યારે પોતાના બનેવી વીરમભાઇ બચુભાઇ ખાંડેખા જે સ્વામીનારાયણ પાર્ક શેરી નં. ૪માં રહેતા હોઇ તેનો ફોન આવેલ અને વાત કરેલ કે પોતાની આગળની શેરીમાં રહેતા ધવલ મનસુખ કોળી સાથે રીક્ષા હટાવવા બાબતે બોલાચાલી થયેલ છે અને ઝઘડો કરે છે તેમ વાત કરતા પોતે બનેવીના ઘરે ગયેલ ત્યારે ત્યાં ધવલે બનેવીના ઘરની આગળ રીક્ષા પાર્ક કરી હતી અને તે બાબતે ધવલ તેના પિતા મનસુખ તેની બહેન અને તેના મામા ગાળો બોલી ઝઘડો કરતા હોઇ જેથી પોતે અને બનેવી વીરમભાઇએ તેને ઝઘડો નહી કરવા અને ગાળો બોલવાની ના પાડતા ધવલે એકદમ ઉશ્કેરાઇ જઇ 'રીક્ષા તો અહીં જ રહેશે' તેમ કહી પાઇપ વડે બનેવી વિરમભાઇને મારવા જતા પોતે પાઇપ પકડી લીધો હતો. ઝપાઝપીમાં ધવલના મામાએ તલવારથી હુમલો કરી પોતાને માથાના ભાગે કપાળના ભાગે ઇજા કરતા પોતે પડી ગયેલ અને ધવલના પિતા મનસુખે બનેવી વિરમભાઇના પિતાને લાકડાનો ધોકો મારતા તેને પણ કપાળના ભાગે ઇજા થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ચારેય શખ્સો ભાગી ગયા હતા. બાદ પોતાને તથા બનેવી અને બનેવીના પિતાને સારવાર માટે મધુરમ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ વી.એન.મોરવાડીયા સહિતે સ્થળ પર પહોંચી ભરતભાઇ સવસેટાની ફરિયાદ પરથી ધવલ કુકાવા તેના પિતા મનસુખ તથા તેની બહેન અને મામા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:19 pm IST)