Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

સ્માર્ટ સીટીમાં રાજકોટ ૪૬માં ક્રમે કેમ ધકેલાઇ ગ્યું?: તાકિદની બેઠક યોજતા અમિત અરોરા

ચાર્જ સંભાળતાની સાથે જ સ્માર્ટ સીટીમાં ફરી રાજકોટને અગ્રતા અપાવવા નવનિયુકત મ્યુ. કમિશ્નરે કવાયત શરૂ કરી : તમામ અધિકારીઓ સાથે બેઠકોનો દોર શરૂ કર્યોઃ નવા બ્રીજ બજેટના કામો લોકપ્રશ્નો વગેરેની સમીક્ષા કરી

રાજકોટ તા. ર૪ : મ.ન.પા.ના નવનિયુકત કમિશ્નર અમિત અરોરાએ ચાર્જ સંભાળ્યા બાદ તુરતજ રાજકોટ સ્માર્ટ સીટીના ક્રમાંકમાં ૧૬માં નંબરેથી સીધુજ ૪૬માં ક્રમ સુધી પાછળ ધકેલાઇ ગયું છે તેને ફરી અગ્રતા ક્રમ અપાવવાનો પડકાર ઝીલી  આ બાબતે તાકીદે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમા઼ શ્રી અરોરાએ સૌપ્રથમ સ્માર્ટ સીટીના કયા-કયા કામો શરૂ થયા છે.તેની પ્રગતિ કયાં પહોંચી ? ક્રમમાં પાછળ ધકેલાવાના કારણે કયા-કયા છે ? તેનો ઉકેલ શુ છે વગેરે બાબતોની  સમીક્ષા કરી હતી.

આ તકે મ્યુ.કમિશ્નર શ્રી અરોરાએ સૌ અધિકારીઓનો પરિચય મેળવ્યો હતો. વિશેષમાં મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ એમ જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને નજર સમક્ષ રાખી રાજકોટમાં ૧૦૦ ટકા કોવિડ વેકસીનેશનની કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તે બાબતને પ્રાથમિકતા આપવામાં આવશે.

        તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોઈ તેનો સીધો સંપર્ક નાગરિકો સાથે રહે છે. લોકોને મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ સારીરીતે પ્રાપ્ત થાય તે ખુબ જ જરૂરી છે. મનપાની સેવાઓ સંબંધી લોકપ્રશ્નોેના અને લોકસુખાકારીની બાબતો અંગે ચૂંટાયેલી પાંખ સાથે સંકલન કરી તેઓના ફીડબેક સાથે કામગીરી પર ભાર મુકાશે. સ્વાભાવિકરીતે જ નાગરિકો ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ સમક્ષ પોતાની રજૂઆત કરતા હોય છે ત્યારે પદાધિકારીશ્રીઓ અને નગરસેવકશ્રીઓ સાથે સંકલન અને તેઓના ફીડબેક સાથે વહીવટી તંત્ર પોતાની કામગીરી નિભાવે તે પ્રકારે આગળ ધપીશું. સ્માર્ટ સિટી રાજકોટમાં હાલ વિવિધ ક્ષેત્રોનાં પ્રોજેકટ્સ ચાલી રહયા છે. હાલ પ્રગતિમાં રહેલા તમામ મોટા પ્રોજેકટ્સ સમયબધ્ધરીતે પૂર્ણ થાય અને નાગરિકોને વધુ ને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થાય એ માટે કાળજી લેવાશે, તેમ પણ મ્યુનિ. કમિશનરશ્રીએ કહ્યું હતું.

(4:15 pm IST)