Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રાજકોટ જિલ્લામાં રસીકરણને અગ્રતાઃ દેવ ચૌધરી

જિલ્લા પંચાયતના દ્વારે વિકાસના તોરણ સાથે નવી આશાના ફુલડા બાંધતા નવા ડી.ડી.ઓ. : સરકારી યોજનાઓનો મહતમ લાભ લોકો સુધી પહોંચાડવાની નેમઃ વિધિવત કાર્યભાર સંભાળ્યો

રાજકોટ જીલ્લા પંચાયતમાં નવા જીલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ આજે સવારે ચાર્જ સંભાળેલ તે પ્રસંગની તસ્વીર. તેમના અંગત મદદનીશ સી.સી.ભટ્ટ અને વિવિધ શાખાના અધિકારીઓએ આવકાર્યા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૮)

રાજકોટ, તા., ૨૪: જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસીયાના અનુગામી બનેલા શ્રી દેવ ચૌધરી (આઇએએસ) એ આજે વિધિવત કાર્યભાર સંભાળી જીલ્લામાં રસીકરણને વેગ આપવાનો નિર્ધાર વ્યકત કરેલ. તેમણે સરકારની વિકાસ યોજનાઓનો લાભ મહતમ લોકો સુધી પહોંચાડવા પર ભાર મુકયો હતો. તેમણે આજે પ્રમુખ ભુપત બોદરની શુભેચ્છા મુલાકાત લઇ ચર્ચા કરી હતી.

નવા જીલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવેલ કે કોરોના સામેની લડતમાં રસી મજબુત હથીયાર છે. રસી મુકાવવા પાત્ર તમામ લોકો રસી મુકાવે તેવા પ્રયાસો રહેશે. અમુક તાલુકાઓમાં રસીકરણ અપેક્ષા કરતા ધીમુ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ માલુમ પડેલ છે. તેના કારણોનો અભ્યાસ કરીને તમામ જીલ્લાઓમાં રસીકરણ અભિયાન સારી રીતે ચલાવવાની બાબતને અગ્રતા અપાશે. સરકારની વિવિધ યોજનાઓની સમીક્ષા કરી તેને છેવાડાના લોકો સુધી લાભ પહોંચાડવા પ્રયાસ કરાશે. ચોમાસાને અનુલક્ષીને જરૂરી વ્યવસ્થા માટે તંત્રને કાર્યરત રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૩૧ વર્ષીય તરવરીયા યુવા સનદી અધિકારી શ્રી દેવ ચૌધરી મૂળ રાજસ્થાનના બારમેરના વતન અને ર૦૧૬ની બેચના આઇ.એ.એસ.કેડરના અધિકારી છે. તાલીમી સમયગાળો જુનાગઢમાં પુર્ણ કર્યા બાદ અમદાવાદ જીલ્લાના દસકોઇમાં મદદનીશ કલેકટર તરીકે અને ગાંધીનગરમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામ્ય)ના ખાસ કમિશનર તરીકે ફરજ બજાવયા બાદ રાજકોટ ડી.ડી.ઓ. તરીકે બદલી થઇને આવ્યા છે. તેમના પર શુભેચ્છા વર્ષા (મો. ૯૯૭૮૪ ૦૬ર૪પ) થઇ રહી છે.

(4:19 pm IST)