Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

તંત્ર આકરા પાણીએ....

ફાયર NOC રીન્‍યુ કરાવવા ૪૨૫ હાઇરાઇઝડ બિલ્‍ડીંગોને અંતિમ નોટીસ

ત્રણ - ત્રણ વખત નોટીસ આપી : ૭ દિવસમાં ફાયર ઓનઓસી રીન્‍યુ નહિ કરાવે તો બિલ્‍ડીંગોના નળ, ડ્રેનેજ તથા વિજ જોડાણ કટ કરાશે

રાજકોટ તા. ૨૨ : હોસ્‍પિટલોમાં આગ લાગવાના બનાવોને ટાંકીને હોસ્‍પિટલો, સ્‍કુલો અને હાઇરાઇઝડ બિલ્‍ડીંગોમાં ફાયર સેફટીના સાધનો બાબતોની ટીપ્‍પણી હાઇકોર્ટ - સુપ્રીમ કોર્ટ દ્વારા એકથી વધુ વખત કરવામાં આવી છે. તાજેતરમાં આ બાબતની ટીપ્‍પણી થતાં રાજકોટની ફાયરબ્રિગેડ તંત્ર હરકતમાં આવ્‍યું છે અને તાબડતોબ ૪૨૫ હાઇરાઇઝડ બિલ્‍ડીંગને ફાયર એનઓસી રીન્‍યુ કરાવવા ચોથી વખત એટલે કે છેલ્લી નોટીસ આપવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો નોટીસ આપ્‍યાના સાત દિવસમાં ફાયર ઓનઓસી રીન્‍યુ નહિ કરવામાં આવે તો નળ જોડાણ, ડ્રેનેજ જોડાણ તથા વીજ જોડાણ સહિતના કનેકશનો કટ કરવામાં આવશે.
મનપાના સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરમાં ૭૫૭ જેટલી હાઇરાઇઝડ બિલ્‍ડીંગો (સાત માળથી વધુ ઉંચાઇ)વાળા માટે ટાઉન પ્‍લાનીંગ વિભાગે મંજુરી આપી છે. તંત્ર દ્વારા ૭૫૭ પૈકી ૪૨૫ હાઇરાઇઝડ બિલ્‍ડીંગ ધારકોને ફાયર એનઓસી રીન્‍યુ કરાવવા ત્રણ વખત નોટીસ આપવામાં આવી છે. આમ છતાં હજુ એકપણ બિલ્‍ડીંગ ધારકે ફાયર એનઓસી રીન્‍યુ ન કરાવતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વધુમાં સૂત્રોના જણાવ્‍યા મુજબ શહેરના ૮ ફાયર સ્‍ટેશનોના અધિકારીઓની મીટીંગ બોલાવામાં આવી હતી. આ મીટીંગમાં  જે તે ફાયર સ્‍ટેશનના વિસ્‍તારમાં આવતા બિલ્‍ડીંગોનું વિસ્‍તાર વાઇઝ લીસ્‍ટ બનાવી ચોથી વખત નોટીસ આપવા તાકીદ કરવામાં આવશે અને સાત દિવસમાં ફાયર એનઓસી રીન્‍યુ ન કરાવે તો તે બિલ્‍ડીંગ ધારકોના નળ, ડ્રેનેજ અને વીજ જોડાણો કટ સુધીની કાર્યવાહી હાથ ધરાશે.

 

(3:03 pm IST)