Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

સર્વેશ્‍વર ચોકના સની પાજી દા ઢાબાની પંજાબી રેડ ગ્રેવી - મંચુરિયન ડ્રાયમાં સિન્‍થેટીક કલરની ભેળસેળ ખુલ્લીઃ નમુનો નાપાસ

કુવાડવા રોડ પર ૪૦ ખાણીપીણીના ધંધાર્થીને ત્‍યાં ચેકીંગઃ ૬ વેપારીઓને નોટીસઃ CRAZY CLEAR LEMON તથા પંચદાળના નમુના લેવાયા

રાજકોટ તા. ર૩: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના સર્વેશ્‍વર ચોકમાં આવેલ સની પાજી દા ઢાબા માંથી લેવાયેલ પ્રીપેર્ડ ખાદ્યચીજ પંજાબી રેડ ગ્રેવી તથા મંચુરિયન ડ્રાયના બે નમૂના પૃથકકરણ બાદ ફૂડ એનાલિસ્‍ટશ્રી દ્વારા લેબોરેટરી રિપોર્ટમાં સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ છે. જયારે કુવાડવા રોડ પર ૪૦ વેપારીને ત્‍યાં ચેકીંગ હાથ ધરી ૬ ને નોટીસ આપવામાં આવી છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ફુડ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

મનપાની ફુડ શાખા દ્વારા શહેરના સર્વેશ્‍વર ચોકમાં આવેલ (૧) સની પાજી દા ઢાબા-ફૂડ પાર્સલ-શિવમ કોમ્‍પ્‍લેક્ષ, શોપ નં. ૧૧ર, સર્વેશ્‍વર ચોક, ડો. યાજ્ઞિક રોડ માંથી અમનદીપસિંહ કુલવંતસિંહ પાસેથી લેવાયેલ ખાદ્યચીજ-પંજાબી રેડ ગ્રેવી તથા મંચુરીયન ડ્રાય પ્રિપેડ લુઝનો નમુનો તપાસ બાદ રિપોર્ટમાં સિન્‍થેટીક ફુડ કલર સનસેટ યલ્લો FCF અને કર્મોઝીનની હાજરી મળી આવતા બન્‍ને નમુના સબસ્‍ટાન્‍ડર્ડ જાહેર થયેલ છે.

૬ વેપારીઓને નોટીસ

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે પારેવડી ચોકથી કુવાડવા રોડ-વિસતારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૪૦ ખાણી પીણીના વેપારીને ત્‍યાં ચકાસણી કરવામાં આવેલ. જેમાં ૦૬ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડા પીણાં, દૂધ, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલ વિગેરેના કુલ ૧૪ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ-ર૦૦૬ હેઠળ (૧) CRAZY CLEAR LEMON (200ml પેકડ બોટલ)નો ગુરૂનાનક એજન્‍સી-ચુનારાવાડ શેરી નં. ૬, દૂધસાગર રોડમાંથી તથા (ર) પંચદાળ (પ્રિપેર્ડ-લુઝ)નો પર્વ રેસ્‍ટોરન્‍ટ-ઇશ્‍વર પાર્ક, શેરી નં. ર કોર્નર, રોલેક્ષ રોડ, સાંઇ બાબા સર્કલ પાસે, કોઠારીયા, પરથી નમુનો લેવામાં આવ્‍યો છે.

(3:51 pm IST)