Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

૬.૬૦ લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજાનો આદેશ

રાજકોટ તા. ર૪ :.. ચેક રીર્ટન કેસમાં રાજકોટના ચાની હોટલ ધરાવતા રાજૂભાઇ ગગજીભાઇ ઓળકીયાને ૧ વર્ષની સજાનો હુકમ રાજકોટ નેગોશીયેબલ કોર્ટે ફરમાવેલ છે.
આ કેસની ટૂંકમાં હકિકત એવી છે કે આ કામના ફરીયાદી રવિભાઇ કિશોરભાઇ પાલા, સોની બજાર રાજકોટ ખાતે સોના ચાંદીના ઘરેણા બનાવી વેપાર-ધંધો કરે છે. અને આ કામના આરોપી રાજુભાઇ ગગજીભાઇ ઓળકીયા બંને વચ્‍ચે ઓળખ અને મિત્રતાના સબંધ હોય અવાર નવાર સોના - ચાંદીના દાગીના ફરીયાદી પાસે ઘડાવતા તથા ખરીદ કરતા હતાં. અને અગાઉ પણ આરોપીએ ફરીયાદી પાસે તેમના કુટુંબીજનોના દાગીના ઘડાવેલ અને ખરીદ કરેલ.
ત્‍યારબાદ તા. ૧૩-ર-ર૦૧૯ ના રોજ આરોપીએ તેમના પિતાશ્રી ગગજીભાઇની હાજરીમાં ફરીયાદીને સોનાના દાગીના ઘડવાનો ઓર્ડર આપેલ અને તે મુજબ ફરીયાદીએ ઓર્ડર મુજબના સોનાના દાગીના ઘડી આપેલ અને તેના ચુકવણા પેટે આરોપીએ રકમ રૂા. ૬,૬૬,૧ર૪-પ૦ પુરા ચુકવવાના થતા હતાં. ઉપરોકત રકમના ચુકવણા પેટે આ કામના આરોપી રાજૂભાઇ ગગજીભાઇ ઓળકીયાએ બે અલગ-અલગ ચેકો આપેલ જે ફરીયાદીએ વટાવવા નાખતા રીટર્ન થયેલા હતાં.
ઉપરોકત કેસ ચાલી જતા ફરીયાદીના વકીલશ્રીની રજૂઆતો, ધારદાર દલીલો તથા વિવિધ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્‍યાને લઇ રાજકોટ નેગોશીયેબલ કોર્ટના જજશ્રી જી. ડી. પડીયા દ્વારા આરોપીને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા તથા ૩૦ દિવસ સુધીમાં ચેક મુજબની રકમ ચૂકવવામાં ન આવે તો વધુ ૧ માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.
આ કામમાં ફરીયાદી વતી રાજકોટના જાણીતા વકીલ પરેશ એન. કુકડીયા, અનિમેષ એન. ચૌહાણ, સુહેલ એ. પઠાણ, જયદીપ એમ. કુકડીયા, પાર્થ બી. કોટક તથા સહાયક તરીકે વિશાલ જોગરાણા રોકાયેલા હતાં.

 

(11:53 am IST)