Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ગામની દીકરીઓ પણ ઉચ્‍ચ શિક્ષણ મેળવી ગામ અને સમાજનું નામ રોશન કરે : અરૂણ મહેશ બાબુ

પડધરી તાલુકાના મોટી ચણોલ ગામે પ્રાથમિક શાળામાં ૧૧ ભુલકાઓને શાળા પ્રવેશ કરાવતા કલેકટર

રાજકોટ તા. ૨૪ : રાજયવ્‍યાપી કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમના બીજા દિવસે કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મોટી ચણોલ ગામે આંગણવાડી તેમજ પહેલા ધોરણમાં ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્‍યો હતો.
શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ પ્રસંગે અરુણ મહેશ બાબુએ ઉદબોધન કરતાં જણાવ્‍યું હતું કે ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઉજવાતા શાળા પ્રવેશોત્‍સવમાં જવાનો મને લાભ મળ્‍યો છે તે બદલ મને ખુબ ગૌરવની લાગણી થાય છે. ગ્રામ્‍ય વિસ્‍તારની દીકરીઓ ભણી-ગણીને આગળ વધે અને ગામ તેમજ સમાજનું નામ રોશન કરે તે બાબત પર ખાસ ભાર મૂકતા જણાવ્‍યું હતું કે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્‍ય માટે રાજય સરકાર તેમજ કેન્‍દ્ર સરકાર દ્વારા કન્‍યા કેળવણી સહિતની વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે, જેનો લાભ સૌ વિદ્યાર્થિનીઓએ લેવો જ જોઈએ.
કલેકટરશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ' અંતર્ગત આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થતાં આ ઊજવવામાં આવી રહ્યો છે ત્‍યારે છેવાડાના વિસ્‍તારોમાં પણ કેન્‍દ્ર તેમજ રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિશેષ કામગીરી કરાઇ રહી છે કલેકટરશ્રીએ શાળામાં પ્રવેશ મેળવતા તમામ બાળકોને અભિનંદન પાઠવી ખૂબ આગળ વધે, તેવી શુભકામના પાઠવી હતી.
શાળામાં રંગબેરંગી કપડામાં સજ્જ નાના બાળકો તેમના વાલીઓ સાથે પ્રથમ દિવસે કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા ત્‍યારે શાળાનું સંકુલ બાળકોના કલરવથી ગુંજી ઉઠ્‍યું હતું.
પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં છ કુમાર અને પાંચ કન્‍યાઓનો તેમજ આંગણવાડીમાં ત્રણ કુમાર અને બે કન્‍યાનો મળી કુલ ૧૬ બાળકોએ આજે શાળામાં પ્રથમ દિવસે ક્‍લાસરૂમની ઉત્‍સાહભેર મુલાકાત લીધી હતી.
નામાંકન થયેલા બાળકોને સ્‍કુલ બેગ, રમકડા, બુક સહિતની ભેટ મહાનુભાવોના હસ્‍તે આપવામાં આવતા બાળકો ખુશખુશાલ થઇ ગયા હતા .
આ તકે પ્રાંત અધિકારી વીરેન્‍દ્ર દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્‍ય  ગિરિરાજસિંહ જાડેજા, સરપંચ દશરથસિંહ જાડેજા, શાળાના આચાર્ય નયનાબેન જાખરીયા તેમજ મોટી સંખ્‍યામાં ગ્રામજનો અને વડીલો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:08 pm IST)