Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીએ ભવ્‍ય ભારત નિર્માણનું સ્‍વપ્‍ન સેવ્‍યું હતું: મહેશ કસવાલા

ડો. શ્‍યામાપ્રસાદજી બલિદાન દિવસ નિમિતે ભાજપ દ્વારા વકતવ્‍ય કાર્યક્રમ

રાજકોટ તા. ર૪: જનસંઘના સ્‍થાપક પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક રાષ્‍ટ્રને સમર્પિત એવા પ્રખર રાષ્‍ટ્રભકત ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસ અંતર્ગત શહેર ભાજપ દ્વારા હેમુ ગઢવી મીની થિયેટર ખાતે ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીના જીવનકવન ઉપર વકતવ્‍યનો કાર્યક્રમ યોજાયેલ. જેમાં પ્રદેશ ભાજપ અગ્રણી મહેશભાઇ કસવાલા દ્વારા વકતવ્‍ય અપાયું હતું.

આ તકે મહેશભાઇ કસવાલા, કમલેશ મિરાણી, મેયર ડો. પ્રદીપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, કશ્‍યપ શુકલ, રક્ષાબેન બોળીયા, ડો. જૈમનભાઇ ઉપાધ્‍યાય, મહેન્‍દ્ર પાડલીયા, ડો. અતુલ પંડયા સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા.

સ્‍વાગત પ્રવચન કરતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કર્યા બાદ આગામી કાર્યક્રમોની માહિતી આપેલ હતી.

આ તકે મહેશભાઇ કસવાલાનું બુક અને ખેસથી સ્‍વાગત શહેર ભાજપ મહામંત્રી નરેન્‍દ્રસિંહ ઠાકુર દ્વારા કરવામાં આવેલ.

ત્‍યારબાદ મહેશભાઇ કસવાલાએ ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીના જીવન-કવન પર વિસ્‍તૃત વકતવ્‍ય આપતા જણાવેલ કે સ્‍વભાવથી શિક્ષણ ક્ષેત્રના માનવી એવા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજી માત્ર ૩૩ વર્ષની ઉંમરે જ કોલકતા વિશ્‍વ વિદ્યાલયના ઉપકુલપતિ બન્‍યા હતા અને નિર્ભયતા, રચનાત્‍મક અભિગમ અને યોગ્‍ય આયોજનથી શિક્ષણ ક્ષેત્રે નવા પ્રયોગો કર્યા હતા તેમજ આપણા ગૌરવમય અતીતને અનુરૂપ ભવ્‍ય ભારતનું નિર્માણ એ તેમનું સપનું હતું. ત્‍યારબાદ હિન્‍દુ મહાસભાનું માધ્‍યમ અપનાવ્‍યું અને તેના અખિલ ભારતીય અધ્‍યક્ષ પદ સુધી પહોંચ્‍યા અને હિન્‍દુઓની સલામતી માટે નહેરૂ મંત્રીમંડળમાંથી તેઓએ રાજીનામું આપેલ. આરએસએસના દ્વિતિય સરસંઘસંચાલક શ્રી ગુરૂજી (માધવરાવ સદાશીવરાવ ગોલવલકર) સાથેની તેમની મુલાકાત ફળદાયી રહી. હિન્‍દુ રાષ્‍ટ્રનો મુદ્દો ડો. મુખરજીએ સ્‍વીકાર્યો. આ રીતે ૧૯પ૧માં ભારતીય જનસંઘની રચના થઇ. કાશ્‍મીરમાં કલમ-૩૭૦ રદ થાય એ તેમનું સપનું હતું, એ માટે જ તેઓએ બલિદાન આપ્‍યું હતું. અને તેમનું આ સપનું દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની દ્રઢ ઇચ્‍છાશકિતના પરિણામે ૭૦ વર્ષે સાકાર થયું અને સમગ્ર દેશ આ ઐતિહાસિક પળનો સાક્ષી બન્‍યો.

આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડએ તેમજ વ્‍યવસ્‍થા જીતુ કોઠારીએ સંભાળેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા અનિલભાઇ પારેખ, હરેશ જોષી, રમેશભાઇ જોટાંગીયા, જયંતભાઇ ઠાકર, પી. નલારીયન એ જહેમત ઉઠાવી હતી.

(3:09 pm IST)