Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

શિક્ષિકા બંસીબેન મોઢાની સુરીલી પહેલ

સરકારી શાળાની ટીચરે પુત્રી સ્‍વરાને સરકારી સ્‍કૂલમાં પ્રવેશ અપાવ્‍યો

રાજકોટઘતા. ૨૪ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવના ત્રિદિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે રૂટ નં. ૧ થી ૭માં શહેરની વિવિધ શાળાઓ જેવી કે શાળા નં. ૬૭, ૯૭, ૩૨, ૧૫, ૧૯, ૫૭, ૨૮, ૧૧, ૮૫, ૮૪, ૮૮, ૯૩, ૫૯, ૭૪, ૫૬, ૬૯, ૬૫, ૨૦બી, ૫૧, ૬૨, ૮૩, ૮૨, ૮૮એ, ૮૧, ૭૬, ૨૯ અને ૨૩ એમ કુલ૨૭ શાળાઓમાં આનંદ ઉલ્લાસ અને ઉત્‍સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ધો. ૧, ના ૪૮૯ કુમાર અને ૫૧૨ કન્‍યાઓ મળી કુલ ૧૦૦૧ બાળકોને શાળા પ્રવેશ કરાવવામાં આવ્‍યો. આંગણવાડીમાં ૪૩૩ કુમાર અને ૪૫૦ કન્‍યાઓ મળી કુલ ૮૮૩ બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્‍યો.

આ તકે બાળકોનો ઉત્‍સાહ વધારવા અને પ્રોત્‍સાહિત કરવા માટે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન  અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટસિંહ પરમાર ના વડપણ હેઠળ આ કાર્યક્રમોમાં મેયર પ્રદિપભાઈ ડવ, ડેપ્‍યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્‍ટેંડિંગ ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્‍ય  ગોવિંદભાઈ પટેલ, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા અધ્‍યક્ષ ઉદયભાઈ કાનગડ, શહેર મહામંત્રીઓ કિશોરભાઈ પરમાર, નરેન્‍દ્રસિંહ ઠાકુર તથા જીતુભાઈ કોઠારી, સુરેન્‍દ્રનગર પ્રભારી  નિતિનભાઈ ભારદ્વાજ, ભાવનગર પ્રભારી કશ્‍યપભાઈ શુક્‍લ, શાસક પક્ષ નેતા  વિનુભાઈ ઘવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, શહેર ભાજપના તમામ હોદ્દેદારો, જિલ્લા કલેક્‍ટર અરૂણ મહેશ બાબુ (IAS), મ્‍યુ. કમિશનર  અમિત અરોરા (IAS), ગુજરાત ઇકોલોજી કમિશનના મેમ્‍બર સેક્રેટરી  મહેશ સિંધ (IFS), સૌરાષ્ટ્ર યુનિ. કુલપતિ ડો. ગીરીશ ભિમાણી, શિક્ષણ શાષા ભવન અધ્‍યક્ષ ડો. ભરત રામાનુજ, રા.મ્‍યુ.કો. ના આસિ. કમિશનરઓ અને અન્‍ય અધિકારીઓ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન સંગીતાબેન છાયા તથા શિક્ષણ સમિતિના તમામ સદસ્‍યોની પ્રવેશોત્‍સવની શાળાઓમાં પ્રેરણાદાયક ઉપસ્‍થિતિ રહી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, વાઈસ ચેરમેન સંગીતાબેન છાયા તથા શિક્ષણ સમિતિના તમામ સદસ્‍યોના જણાવ્‍યા મુજબ આ વર્ષના પ્રવેશોત્‍સવ દરમિયાન શહેરના વાલીઓમા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ પ્રત્‍યે વિશ્વાસ વધ્‍યો છે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અભ્‍યાસ કરાવવા માટે આકર્ષિત થયા છે. ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષિકા બહેન  બંસીબેન મોઢાને પોતાની દીકરીને શાળા નં. ૫૭માં ધો. ૧ માં પ્રવેશ અપાવી ઉત્તમ પહેલ કરવા બદલ તમામ અધિકારીઓ તથા પદાધિકારીઓએ બિરદાવ્‍યા.

સમગ્ર ત્રિ-દિવસીય કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ દરમિયાન શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ ખાતે  દિપકભાઈ સાગઠીયા (મો. ૯૯૭૪૬૯૫૨૭૧)  શૈલેષભાઈ ભટ્ટ (મો. ૯૩૭૫૯૪૮૪૯૯ ) અને  મનીષાબેન ચાવડા જવાબદારી સંભાળી રહ્યા છે.

બંસીબેનની વાત દરેક વાલી વાંચે..

આમ તો હું એના ફોટા નથી મૂકતી ક્‍યારેય.. first day of school તો એનો ત્‍યારે હતો જયારે એ ૩ મહિનાની હતી અને પ્રથમ વાર મારી સાથે આવી હતી. પણ આજે એનો ફોટો મૂકું છું કારણકે એને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે.

એ આ દુનિયામાં આવી એને પ્રથમ વાર હાથમાં લીધી ત્‍યારે જ નક્કી હતું કે આ મારી સરકારી શાળામાં ભણશે..

આ પાંચ વર્ષમાં મારો બાલિશ નિર્ણય બદલી જશે, મજાકમાં કહેલી વાતો છુ થઈ જશે અને બીજા મા બાપની જેમ જ હું પાંચ વર્ષે એના એડમિશન માટે દોડધામ કરતી હોઈશ એવી તમામ અફવાઓ વચ્‍ચે આજે મેં મારી સ્‍વરાને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્‍યો..

એ સરકારી શાળામાં જ ભણશે. અને મને ખબર છે ૧૦ વર્ષ પછી ઘણા પૂછશે કે શું ઉકાળી લીધું સરકારી શાળામાં બેસાડીને? પણ મે કાઈ ઉકાળવા કે ૯૯% percentile લાવવા મારી દીકરીને ભણવા નથી બેસાડી.. એ johny johny ન ગાય તો વાંધો નહિ, વડલા પર હીંચકા ખાતા શીખી જાય એટલે બસ.. restaurant ના અઠવાડિયા જૂના ગ્રેવી વાળા શાક અને પિત્‍ઝા બર્ગર જાપટે એના કરતાં એ ભલે મધ્‍યાહન ભોજનના ચણા ખાઈ એમાં મને કંઈ વાંધો નથી..ભલે એ મેનર્સના નામે ચોકોસ અને ચિંગ ચુંગ ચાંગ ચમચા વડે ખાતા ન શીખે.. એ કેરી ઘોળીને ખાઈ અને કપડાં બગાડે તો કઈ વાંધો નહિ. મમ્‍મા ડેડા ભલે ન બોલે.. મા કરતી ગળે વળગી પડે એટલે દુનિયા આવી જશે એમાં. ફ્રેન્‍ચ નહિ આવડે એનો વસવસો નથી જ. પણ સરકારી શાળામાં પાકો કરેલો એનો કક્કો જિંદગીભર ન ભૂલે એટલે ઘણું છે. એ માણસ બને એવું સ્‍કૂલમાં શીખવજો એ ડોક્‍ટર એન્‍જિનિયર કે કલેકટર બને એવી કોઈ શરતે મારે એનો શાળામાં પ્રવેશ નથી કરાવવો. જિંદગીમાં અત્‍યારથી કોઈ શરત મારે એની સામે નથી મૂકવી .એમની bag એના મમ્‍મી પપ્‍પાને બદલે એ જાતે ઉપાડે તો મને દયા નહિ આવે ગર્વ થશે. એ mango ને apple ને ઇંગ્‍લિશમાં ન ઓળખે તો વાંધો નહિ.. એને પાલક તાંજલીયો ને મેથીની ભાજીમાં ફરક કરતાં આવડે એ મારા માટે વધુ જરૂરી છે. એ આગળ જતાં ખૂબ હોશિયાર ન બને તો એના માટે સરકારી શાળાનો દોષ નહિ હોય.. કારણકે કોઇ પણ સ્‍કુલમાં ભણે બાળક એની ક્ષમતાથી વધારે મેળવી નથી જ શકવાના.. વડલા અને પીપળાની જેમ સરકારી શાળાના બાળકોના મૂળિયાં દૂર દૂર સુધી ફેલાયેલા હોય છે.. એ કુમળા છોડ જેવા નથી હોતા જંગલના વૃક્ષો જેવા તોતિંગ અને સમસ્‍યાનો સામનો કરનાર હોય છે. મારી ઢીંગલીને પણ હું એ જ કહીશ કે કશું સાબિત કરવાની જરૂર નથી, બસ તારી ક્ષમતા મુજબ આગળ વધતી રહે મારી ઢીંગલી એવા આશીર્વાદ..ᅠ

એક કરિયાણાનો વેપારી પોતાની દુકાને ખાંડ મળતી હોય ત્‍યારે પોતાના સંતાનોને બીજાની દુકાને ખાંડ લેવા મોકલે તો આપણને ખબર પડી જાય કે અહી ખાંડ સારી નથી મળતી.બસ એમ જ મારી જ શાળા હોય ત્‍યારે હું મારી દીકરીને બીજી શાળામાં શિક્ષણ લેવા મોકલું તો મારા પર ભરોસો કોણ કરશે? મારી પાસે જે શ્રદ્ધાથી વાલી પોતાના બાળકોને ભણવા મોકલે છે એ જ વિશ્વાસથી મારે મારી દીકરીને મોકલવી છે સરકારી શાળામાં... મને વિશ્વાસ છે મારી સરકારી શાળાના શિક્ષકો પર. કારણકે છેલ્લો બાળક શાળામાંથી ઘરે ન જાય ત્‍યાં સુધી શિક્ષકો ઘરે નથી જતા.. આનાથી વિશેષ સલામતી લોકો કઈ શાળામાં શોધતા હશે? જયાં વાલીઓ પાઠ્‍યપુસ્‍તકો માટે ધક્કા ખાતા હોય ત્‍યારે સત્ર શરૂ પણ ન થયું હોય અને નવો નક્કોર પાઠ્‍યપુસ્‍તકોનો સેટ બાળકના હાથમાં આવી જાય એનાથી વધારે facility લોકો કઈ શાળામાં જોતા હશે? ભણેલા હોવા છતાં મારા મા બાપ મારી શાળાએ ક્‍યારેય આવ્‍યા હોય એવું મને યાદ નથી. છતાં જો આટલું ભણી શકાતું હોય તો ક્‍લાસમાં દરેક ક્ષણ તમારું બાળક શું કરી રહ્યું છે એ જોઈ જોઈને કયો આનંદ મળતો હશે? એને મુક્‍ત મને ભણવા દો ને.. જિંદગીમાં ક્‍યાં સુધી તમે એના પર સવાર રહેશો? A.c. વાળી શાળામાં બાળકોને બેસાડીને થોડીક ગરમી, થોડીક ઠંડી પણ સહન ન કરી શકે એવો નમાલો સમાજ જ ઊભો કરવો છે? વાત રહી સંસ્‍કારની તો મેં કોન્‍વેન્‍ટ સ્‍કૂલમાં એક સ્‍પર્ધામાં ગઈ ત્‍યારે બાથરૂમના દરવાજા પર સંસ્‍કારી બાળકોના લખેલા લખાણ વાંચ્‍યા હતા .. એટલે સરકારી શાળાને એની સાથે કોઈ લેવા દેવા નથી એની નોંધ લેવી

આવા પ્રશ્નો કે વાતો એ લોકો માટે જે લોકો..

હું જયારે યુનિફોર્મ લેવા માટે ગઈ અને મેં એક જગ્‍યા એ પૂછ્‍યું કે સરકારી શાળાનો ગણવેશ મળશે?.. ત્‍યારે મારી સામે એલિયન હોય એમ જોઈ રહ્યા હતા

CBSE માં તો એડમિશન લેશો કે international school માં? ત્‍યારે સરકારી શાળામાં એવો જવાબ સાંભળીને જેની વાચા હરાઈ ગઈ હતી..

સંસ્‍કાર ખરાબ થઈ જશે એવી વ્‍યાકરણની ભૂલો વાળી સલાહ મને જે લોકો આપતા હતા એ લોકો માટે..

૯૯% જ અંતિમ લક્ષ્ય છે એવું માનતા parents માટે..ᅠ

જો તમારું બાળક ખાનગી શાળામાં અભ્‍યાસ કરવા જાય ત્‍યારે કોઈ પ્રશ્નો નથી થતા તો સરકારી શાળામાં અભ્‍યાસ કરવા જઈ રહેલા બાળક માટે આટલા પ્રશ્નાર્થ ચિન્‍હ કેમ????

મારે માટે તો આ જ સૂત્ર છે મારી જિંદગીનું ‘મારી શાળા, સરકારી શાળા, શ્રેષ્ઠ શાળા...‘

હું ખુશ છું આજે મારી સ્‍વરાને શાળા નંબર ૫૭ માં પ્રવેશ અપાવ્‍યો.. પ્રથમ દિવસે જ કમિશનર એને પ્રવેશ અપાવે અને એની સાથે વાત કરીને ઢીંગલી આવે એનાથી વિશેષ શું હોય? બસ આમ જ જિંદગી માણતી રહે ઢીંગલી

(બંસીબેનના ફેસબુક એકાઉન્‍ટમાંથી સાભાર)

(3:58 pm IST)