Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

શિષ્યમાંથી ભોગ અને મોહ મીટાવીને ગુરૂ ભકિત માર્ગ ચીંધે છે : દેવકૃષ્ણદાસજી સ્વામી

રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

રાજકોટ ગુરૂકુળ ખાતે આજે શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી અને અન્ય સંતોની હાજરીમાં ગુરૂપૂજન સાથે ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવાયેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ,તા. ૨૪: 'માનવીના મનના રાગ દ્વેષાદિ બુરાઇ રૂપી ઝેરને દૂર કરવાનું કાર્ય કરે છે ગુરૂ' એમ આજે ગુરૂપૂર્ણિમા પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનના ગુરૂવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું હતું. વધુમાં તેઓશ્રીએ કહ્યું હતું કે ગુરૂ સ્વયં તો જકત વિરકત હોય છે પરંતુ શિષ્યના ભીતરમાં ભોગ અને મોહને મીટાવીને ભગવાન પ્રત્યે પ્રેમ અને સમર્પણનો ભકિતમાર્ગ ચીંધે છે.

આજે ગુરૂપૂર્ણિમાના દિવસ સવારે ૬:૦૦ કલાકે ભગવાન શ્રી સ્વામિનારાયણનું વિશેષ પૂજન કર્યા બાદ પંચામૃતથી ગુરૂવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ અભિષેક કરેલ. તરવડા ગુરૂકુલના મહંત સ્વામી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ સત્સંગનો લાભ આપેલ

ગુરૂપૂર્ણિમાના પ્રારંભે ભગવાન શ્રી સ્વામિનારાયણની ચરણ પાદુકાનું જનમંગલ સ્તોત્રના મંત્રો દવારા ગુરૂવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ તુલસીદલ, અક્ષત,ચંદન,ફળ,પુષ્પ,વસ્ત્ર વગેરેથી પૂજન કરેલ. આ પછી રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલના સંસ્થાપક સદગુરૂ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીનું પૂજન ગુરૂકુલના વરિષ્ઠ સંતશ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામીએ કરેલ

સુરત ગુરૂકુલ તેમજ જુનાગઢ તથા હૈદરાબાદ ગુરૂકુલથી પધારેલ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી , પુરાણીશ્રી જ્ઞાનસ્વરૂપદાસજી તથા શ્રીદેવપ્રસાદદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરેલ. હરિભકત સમાજ વતી ગુરૂકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધર્મનંદન ડાયમંડવાળા શ્રી લાલજીભાઇ પટેલે પુષ્પમાળાથી સંતોનું પૂજન કરેલ.

આ પ્રસંગે નવસારી ધર્મજીવન સંત પાઠશાળાથી શ્રી ભકિતવલ્લભદાસજી સ્વામી, સુરતથી શ્રી પ્રભુસ્વામી' બેગલોરથી શ્રીકૃષ્ણ ચરણદાસજી સ્વામી, મોરબીથી શ્રી જ્ઞાનસ્વામી જામનગરથી શ્રી ગોવિદ સ્વામી, પારડીથી શ્રી કેશવપ્રિયદાસજી તથા સર્વમંગલદાસજી સ્વામી વગેરે સંતો પધારેલ

શાસ્ત્રી શ્રી હરિપ્રિયદાસજી સ્વામીએ ઓનલાઇન ગુરૂપૂર્ણિમા મહોત્સવ માણી રહેલા ગુરૂકુલ પરિવારના ભકતો વતી વરિષ્ઠ સંતોના હસ્તે ગુરૂવર્યનું પૂજન અર્ચન કરાવેલ અંતમાં વિદ્યાર્થીઓએ સંવાદ તથા ગુરૂભકિત કીર્તનાદિકનું ગાન કરી ધન્યતા અનુભવેલ.

(1:14 pm IST)