Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

રાજપૂત સમાજ દ્વારા ટુંક સમયમાં મંદિર નિર્માણ પ્રારંભ

ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક પ્રવૃત્તિનું કેન્દ્ર બનશે : વજુભાઇ વાળા મુખ્ય માર્ગદર્શક : ભવાની માતાજીનું ભવ્ય મંદિર બનાવવા લીંબડી પાસે જગ્યાની પસંદગી : જિલ્લા પ્રમુખોની બેઠક બોલાવાશે

રાજકોટ તા. ૨૪ : રાજપૂત સમાજ દ્વારા લીંબડીની દર્શન હોટલ નજીક શ્રી ભવાની માતાજીના ભવ્ય મંદિર નિર્માણનો ટુંક સમયમાં પ્રારંભ થનાર છે. ગઇકાલે આ બાબતે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઇ બારડ અને પૂર્વ ડે.મેયર માવજીભાઇ ડોડીયા વચ્ચેની બેઠકમાં વિગતવાર ચર્ચા થઇ હતી. હાલ વજુભાઇએ આંખનું ઓપરેશન કરાવ્યું છે. સ્વસ્થ થયા બાદ સામાજિક ક્ષેત્રે સક્રિય થશે.

કારડિયા રાજપૂત સમાજના અગ્રણી પૂર્વ મંત્રી જશાભાઇ બારડે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, કારડિયા, નાડોદા, ગુર્જર, સોરઠિયા વગેરે તમામ પાંખો સંયુકત રીતે શ્રી ભવાની માતાજીનું ભવ્ય મંદિર બનાવવા માંગે છે. લીંબડી પાસે ૨૦ એકર જગ્યા નક્કી થઇ ગઇ છે. વજુભાઇ વાળાના માર્ગદર્શન હેઠળ ટુંક સમયમાં ભવ્ય મંદિર નિર્માણ પ્રારંભ થશે. પ્રાથમિક તૈયારી માટે સમાજના જિલ્લા પ્રમુખોની બેઠક બોલાવવામાં આવશે. ૬ કરોડના નિર્માણ ખર્ચનો અંદાજ છે. રાજ્યમાં મુખ્યત્વે કારડિયા સહિત રાજપૂત સમાજની કુલ ૩૦ લાખ જેટલી વસ્તી છે. મંદિર સંકુલ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે.

(8:34 pm IST)