Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ટ્રાફિક પોલીસની ડ્રાઇવ : ૨૪ કલાકમાં કાળા કાચવાળા ૨૧૪ વાહન અને માન્ય નંબર પ્લેટ ન હોય તેવા ૪૦૧ વાહનો પકડ્યા

લોકડાઉન હળવું થયું છે અને બજારોમાં લોકોની હલચલ વધી છે ત્યારે ગુનાખોરી અટકાવવા : મોળાકત-જયાપાર્વતિ વ્રત અંતર્ગત કાલે કંપની માન્ય ન હોય તેવા સાયલેન્સર ફીટ કરેલા બાઇક તથા ધૂમ સ્ટાઇલ બાઇકચાલકો સામે ખાસ ડ્રાઇવઃ પ્રજાહિતમાં ગમે ત્યારે વાહન ચેકીંગ ડ્રાઇવ યોજાશેઃ એસીપી વી. આર. મલ્હોત્રા

રાજકોટ તા. ૨૩: શહેર ટ્રાફિક બ્રાંચ દ્વારા છેલ્લા ચોવીસ કલાકમાં આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હોય તેવા વાહન ચાલકો તથા વાહનોમાં કાળા કાચ હોય તેની સામે કાર્યવાહી કરી દંડ ફટકારવાની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે અંતર્ગત કાળા કાચવાળા ૨૧૪ વાહનો પકડી લઇ રૂ. ૯૫૫૦૦નો દંડ વસુલાયો છે. તેમજ  સરકાર માન્ય એચ.એસ.આર.પી. નંબર પ્લેટ ન હોય તેવા ૪૦૧ વાહનો પકડી દંડ વસુલાયો છે. લોકડાઉન પછી હવે નિયંત્રણો હળવા થયા છે ત્યારે ચેઇનની ચિલઝડપ, લૂંટફાટ, ચોરી, અકસ્માત સહિતના બનાવોનું પ્રમાણ વધે નહિ તે માટે શહેર ટ્રાફિક બ્રાંચ સતત અચાનક પ્રજાહિતમાં આવી ડ્રાઇવ યોજતી રહેશે તેમ એસીપી ટ્રાફિક વી. આર. મલ્હોત્રાએ જણાવ્યું છે.

તેમણે કહ્યું હતું કે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સારૂ જુદાજુદા જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવેલ અને જુદાજુદા તબકકાના લોકડાઉન પછી અનલોકની પ્રક્રીયા શરૂ થયેલ અને કોરોનાની બીજી લહેર પુર્ણ થતા વિવિધ પ્રકારની છુટછાટ આપવામાં આવેલ છે અને કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવેલ છે જેના કારણે બજારમાં સામાન્ય પ્રજાજનોની હલચલ અને વાહનોની અવરજવર વધવા પામેલ છે અને કોરોનાના કપરા કાળમાંથી સામાન્ય જનજીવન ધબકતુ થઇ રહ્યુ છે. જેથી પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની સુચના મુજબ અને જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં ચેઇનની ચિલઝડપ, લૂંટફાટ, ચોરી અને અકસ્માત જેવા બનાવો બનવાની શકયતા અટકાવવા માટે તથા ગુન્હાઓમાં નંબર પ્લેટ વગર, કાળા કાચ વાળા વાહનનો ઉપયોગ થતો હોય છે તે અટકાવવા માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

તે અંતર્ગત છેલ્લા ચોવીસ કલાકમાં શહેર ટ્રાફિક બ્રાંચની ટીમોએ શહેરભરમાં ડ્રાઇવ યોજી કાળા કાચના એમ.વી. એકટ ક. ૧૭૨ મુજબ ૨૧૪ કેસ કરી રૂ.૯૫,૫૦૦નો દંડ વસુલ્યો છે. તેમજ સરકાર માન્ય એચ.એસ.આર.પી. નંબર પ્લેટ ન હોય તેવા ૪૦૧ વાહનોના એમ.વી એકટ ૬.૪૧(૬), ૧૩૯, ૧૯૨ સી- એમ.વી.  એકટ ક. ૫૦, ૫૧ મુજબના કેસો કરી રૂ. ૧,૫૬,૯૦૦ દંડ વસુલવામાં આવેલ છે. તેમજ ૪૧ વાહન ચાલકોના આર.ટી.પી. મુજબ કેસો કરી ઇ મેમો મોકલવા તજવીજ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ૧૪ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.

 ભવિષ્યમાં કાયદો અને વ્યવસથાની પરિસ્થીતી જાળવવા માટે ટ્રાફિક શાખા દ્વારા આવા પ્રકારની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત મોળાકત તેમજ જયાપાવર્તીના વ્રત દરમિયાન યુવતિઓના જાગરણને ધ્યાને રાખી આવતીકાલ તા.૨૫મીએ કંપની ફીટીંગ વાળા તેમજ સરકાર માન્ય હોય તે સિવાયના સાયલેન્સર ફીટ કરેલ વાહનો તેમજ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતાં વાહનચાલકો વિરૂધ્ધ ડ્રાઇવ ગોઠવવામાં આવનાર છે.  આગામી દિવસોમાં પ્રજાહિતમાં અવાર નવાર આવી ડ્રાઇવ ગોઠવવામાં આવશે. તેમજ ગેરકાયદેસરના કૃત્યમાં વાહન પકડાશે તો વાહન માલીક વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ વધુમાં એસીપી વી. આર. મલ્હોત્રાએ જણાવ્યું છે. 

(3:03 pm IST)