Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

બાલાજી હોલ પાછળ આર.જી.બંગ્લોઝના પાર્કિંગમાં પાંચ વાહનો સળગાવનાર અમીત તળાવીયાની ધરપકડ

પત્ની સાથે છૂટાછેડા થયા બાદ દીકરીને મળવાના ટેન્શનમાં ગોંડલના પૂર્વ બનેવી અમીતે વાહનો સળગાવ્યાનુ ખુલ્યુ

રાજકોટ તા. ર૪ : દોઢ સોફુટ રોડ પર બાલાજી હોલની પાછળ આવેલા આર. જી.બંગ્લોઝમાં રહેતા છાત્રના પાર્કિંગમાં ઘૂસી ગોંડલ રહેતા તેના પૂર્વ બનેવીએ બે સ્કુટર, એકબાઇક અને બે સાઇકલ સળગાવવાના બનાવમાં તાલુકા પોલીસે પૂર્વ બનેવીની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ આર.જી. બંગ્લોઝમાંં રહેતા ઉત્તમ વિરજીભાઇ પરસાણા (ઉ.ર૩) ને તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ગોંડલ જવાર સોસાયટીમાં રહેતા પૂર્વ બનેવી અમીત મનસુખભાઇ તળાવીયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવાયું છે કે, પોતે માતા-પિતા અને બહેન સહિતના પરિવાર સાથે રહે છે. પોતે મારવાડી યુનિવર્સિટીમા એમ.બી.એ. બીજા વર્ષમાંં અભ્યાસ કરે છે. પોતાના બહેન નેહાબેનના ર૦૧૯માં અમિત મનસુખભાઇ તળાવીયા સાથે છૂટાછેડા થયા હતા ગત તા.ર૯/૧૧/ર૦ ના રોજ પૂર્વ બનેવી અમીત તળાવીયા (રહે. ગોંડલ) પોતાના ઘરે પોતાના પરિવારજનોને પૂછયા વગર આવેલ અને ભાણેજ 'પ્રિસાને મળવુ છે.' કહેતા પોતાના પરિવારજનોએ  કહેલ કે તમે અમારી મંજુરી વગર આવ્યા છો છતા તેણે જણાવેલ કે  જેથી મળવાની આજીજી કરતા પોતે તથા પરિવારજનઓએ તેને મળવા દીધેલ બાદ ગઇ તા.ર૦/૭/ર૧ ના રોજ પોતાના બહેને જણાવેલ કે અમીતનો ફોન આવેલ પરંતુ પોતે ઉપાડેલ નથી તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ તા.ર૧ ના રોજ રાત્રે પોતે પોતાના ઘરે બીજા માળે અને ત્રીજા માળે પરિવારજનો સૂતા હતા તેવામાં અચાનક ઘરના પાર્કિંગમા આગ લાગેલ હોવાનું જણાતા પોતે તુરત જ નીચે જઇને જોવા પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી હતી તેવી તાકીદે ફાયર બ્રિગેડને જાણ કરી હતી બનાવ બનતા પરિવારના સભ્યો અને સોસાયટીના લોકો પણ એકઠા થઇ ગયા હતા. અને પોતે આ બુઝાવતા હતા તેવામાં પૂર્વ બનેવી અમીત તળાવીયા પોતાની પાસે આવીને કહેલ કે 'મેંજ આગ લગાડી છે તારે થાય તે કરી લેજે' કહી પોતાની સાથે બોલાચાલી કરી ચાલ્યો ગયો હતો બાદ ફાયરબ્રિગેડ સ્ટાફે આવીને આગ બુઝાવી હતી બાદ પોતે પાર્કિંગમાં જોતા પોતાનું બાઇક નં. જીજે ૩ એલ એફ પપ૯૯ તથા એકટીવા નં. જી.જે.૩ જેપી ૪૯૪૦ અને જીજે૩ એલઇ-૭૯૬૧ તેમજ એક નાની અને મોટી બે સાઇકલ સંપૂર્ણ બળી ગયા હતા આ બનાવ અંગે પોતે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ. પી. એમ.રાઠવાએ ગોંડલ જવાર સોસાયટીમાં રહેતા પૂર્વ બનેવી અમીત મનસુખભાઇ તળાવીયા (ઉ.૪૩) ની ધરપકડ કરી હતી.  પોલીસની પુછપરછમાં છૂટાછેડા બાદ દીકરીને મળવાના ટેન્શનમાં આગ લગાડી હોવાનું ખુલ્યું છે.

(3:04 pm IST)