Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મંદી કે તંત્રની નિરસતા ?

મ.ન.પા.ના 1 અને 3 BHKના ૨૪૯૭ આવાસો સામે માત્ર ૧૫૯૦ ફોર્મ આવ્યા : મુદ્દત પૂર્ણ

ત્રણ - ત્રણ વખત મુદ્દત વધારવામાં આવી છતાં ફોર્મ પરત ઓછા આવ્યાઃ તંત્ર હજુ એક વખત તક આપશે કે અન્ય વિકલ્પ અપનાવશે ?

રાજકોટ તા. ૨૪ : એક સમયે મ.ન.પા.ની આવાસ યોજનાના ફોર્મ મેળવવા લોકોમાં પડાપડી થતી હતી પરંતુ છેલ્લા ૧ થી ૧ાા વર્ષથી એટલે કે કોરોના કાળમાં મ.ન.પા.ની આવાસ યોજનામાં ફોર્મ ભરવામાં લોકોનો પ્રતિસાદ જોઇએ તેવો નથી મળતો કેમકે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧ અને ૩ બીએચકે ફલેટના ફોર્મ માટે ત્રણ - ત્રણ વખત મુદ્દત વધારવામાં આવી છતાં જોઇએ તેટલા પ્રમાણમાં ફોર્મનો ઉપાડ થયો નથી. તેની પાછળનું કારણ બજારમાં મંદી, લોકો પાસે કમાણીના સાધનોનો અભાવ, મોંઘવારી વગેરે પરિણામો છે કે પછી તંત્રવાહકો લોકોને આવાસ યોજનાના સુવિધાજનક ફલેટ અપાવવામાં નિરસ રહ્યા છે. તેવા કારણો ચર્ચામાં છે. ત્યારે હવે તંત્ર વધુ એક વખત મુદ્દત વધારશે કે પછી અન્ય કોઇ વિકલ્પો જેવા કે ફોર્મ ભરવા માટે કેમ્પ યોજવા અથવા વેઇટીંગ લીસ્ટ બનાવવું વગેરે બાબતોની વિચારણા કરશે તે જોવાનું રહ્યું.

મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૮ સ્થળોએ EWS-1 અને ૧૬૪૮ અને EWS-2ના ૧૬૭૬ તથા MIGના ૮૪૭ મળી કુલ ૪૧૭૧ આવાસોના બાંધકામની કામગીરી ચાલુ છે. જેમાં ૧ - ૩ બીએચકે આવાસોનું ફોર્મ વિતરણ તથા ભરીને પરત આપવા માટેની મુદ્દતના ગઇકાલે તા. ૨૩ના છેલ્લા દિવસ સુધીમાં EWS-1 / 1 BHKના ૧૬૫૦ ફોર્મ ઉપડયા હતા તેની સામે ૧૪૫૦ ફોર્મ પરત આવ્યા હતા. જ્યારે MIG એટલે કે ૨૪ લાખની કિંમતના 3 BHKના ૩૫૦ ફોર્મ લાભાર્થીઓ લઇ ગયા હતા અને માત્ર ૧૫૦ ફોર્મ ભરીને પરત આવ્યા છે.

આમ 1 અને 3 BHKના બનનાર આવાસોની સંખ્યા કરતા ઓછા ફોર્મ આવતા તંત્ર દ્વારા હજુ ચોથી મુદ્દત વધારાશે કે અન્ય વિકલ્પ વિચારવામાં આવશે કે કેમ? તે જોવાનું રહ્યું.

(3:36 pm IST)