Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

સાંજે રાજકોટમાં 'અંતરના ઝરૂખેથી' પુસ્તક વિતરણ સમારંભ

રાજકારણમાં શું કરવુ અને શું ન કરવુ જોઇએ તે પુસ્તક દ્વારા શીખવવા પ્રયાસ : નરોત્તમભાઇ પટેલ

યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે પુસ્તક લખાયુ : પુસ્તકના લેખક પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલનો મો. ૯૯૭૮૪ ૦૫૩૨૩

ગુજરાતના જાહેર જીવનના મોભી પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલ પોતાના પુસ્તક 'અંતરના ઝરૂખેથી'ના વિતરણ સમારંભ નિમિત્તે આજે રાજકોટ આવ્યા છે. આજે સર્કિટ હાઉસ ખાતે અકિલા સાથેની વાતચીત વખતે ભાજપના પ્રવકતા રાજુ ધ્રુવ, પુસ્તકના સંપાદક પત્રકાર હેમેન ભટ્ટ, નિવૃત્ત સંયુકત સચિવ જશવંત આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ તા. ૨૪ : ગુજરાત ભાજપના પાયાના પથ્થર સુરત નિવાસી ભૂતપૂર્વ પાણી પુરવઠા મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલએ પોતાના બાળપણથી માંડી જાહેર જીવન સુધીની ગાથા વર્ણવતા પુસ્તક 'અંતરના ઝરૂખેથી' પ્રસિધ્ધ કર્યુ છે. જેનું વિમોચન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થયેલ. આજે સાંજે ૫ વાગ્યે પારસ હોલમાં તેનો વિતરણ સમારોહ યોજાયેલ છે. પુસ્તકનું સંપાદન જાણીતા પત્રકાર હેમેન ભટ્ટે કર્યું છે. લેખક નરોત્તમભાઇનો પરિચય નિવૃત્ત સંયુકત સચિવ અને નરોત્તમભાઇના મંત્રીકાળ વખતના અંગત સચિવ જશવંત આચાર્યએ કર્યું છે.

નરોત્તમભાઇ પટેલએ જણાવેલ કે, કોરોના કાળમાં સમય પસાર કરવા ખૂબ વાંચન કરેલ. વાંચન કરતા - કરતા લખવાનો વિચાર આવ્યો. મનમાં રહેલી ઘણી વાતો કહેવા માટે પુસ્તક લખ્યું. રાજકારણમાં શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ તે નવી પેઢીને સમજાવવા - શીખવવા પુસ્તક લખ્યું છે.

શ્રી નરોત્તમભાઇ પટેલએ જણાવેલ કે, હું રાજકીય નેતા બન્યો, પરંતુ હું જે પરિવારમાં જન્મ્યો છું, તે પરિવાર જે ગામમાં રહે છે, તે ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામના ગ્રામજનોને કે કોઇ નજીકના સંબંધીઓને પણ રાજકારણ અને રાજનીતિ સાથે સ્નાનસૂતક જેવો પણ સંબંધ ન હતો! ગામમાં કે આજુબાજુ પણ રાજકારણનો સ્પર્શ ન હતો. આ સંજોગોમાં મારા અંગત જીવનને રાજકારણ અને રાષ્ટ્રભકિતમાં કેવી રીતે સંચાર થયો, તે મને મારા શુભચિંતકોને જણાવવાની ઇચ્છા થઇ, એટલે જ આ પુસ્તિકા દ્વારા રાજકારણમાં પ્રવેશવા ઇચ્છતા યુવાનોને પ્રેરણા મળે, પથદર્શન મળે, માર્ગદર્શન મળે તેવો ઉમદા હેતુ મારો રહ્યો છે. આમ તો, મારા જીવનનો કોઈ ઘનિષ્ઠ ઈતિહાસ નથી. પરંતુ મારા જેવા અનેક ગામડામાં રહેતા અને શહેરી વિસ્તારમાં રાજકીય ક્ષેત્રે કારકીર્દિ બનાવવા ઈચ્છતા કાર્યકરોને કદાચ મારા જીવનના પ્રસંગોમાંથી પ્રેરણા મળશે, તો હું મારા જીવનને ધન્ય ગણીશ.તદ્દન ગામડામાં રહીને આગળ વધનારાને કેવી મુશ્કેલી પડે છે અને પડશે, તેના કાંઈક અંશો મારા જીવનના કોઈ ભાગમાંથી ઉપયોગમાં આવે તો પણ મારી જીવનયાત્રાને અને મને તૈયાર કરનારા નેતાઓને સંતોષ થશે.

કોઈ વાચક યુવાન મારા જીવનના ઉપયોગી પ્રસંગોને તેમના જીવનમાં ઉપયોગ કરીને આગળ વધશે તો પણ હું ધન્ય બનીશ.

 

(3:38 pm IST)