Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ગઇકાલ સવારે ૯ વાગ્યાથી મેઘરાજાની અવિરત સવારીઃ ચોમેર પાણી.....પાણી.....

રાજકોટમાં ૨૬ કલાકમાં દે ધનાધન ૭ ઇંચ

મધરાતે ૩ આસપાસ અને વ્હેલી સવારે વરસાદનું જોર વધુ જોવા મળ્યું: મોસમનો કુલ ૩૭ ઇંચ

રાજકોટઃ તા.૨૪, સમગ્ર રાજયભરમાં વરસાદી સીસ્ટમ્સ સક્રિય છે. ચોમેર બેસુમાર વરસી રહયો છે. મોટાભાગના સેન્ટરોમાં પાંચ ઇંચથી વધુ ખાબકયો છે. નદી,નાળા, ડેમો, છલકાઇ ગયા છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ગઇકાલથી મેઘરાજા દે ધનાધન વરસ્યા હતા. ગઇકાલ સવારે ૯ વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ હતો. જે આજે સવારે ૧૦ વાગ્યા બાદ જોર ધીમુ પડયું છે. આ લખાય છે ત્યારે બપોરે ૧:૩૦ થી ફરી વરસાદ શરૂ થયો છે. ૨૪ કલાકમાં ૬ ઇંચ ખાબકી ગયો છે. રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

રાજકોટ શહેરમાં ગઇકાલ સવારથી જ વાદળો છવાયા હતા. સવારના ૯ વાગ્યાની આસપાસ ધીમીધારે ચાલુ થઇ ગયો હતો. ધીમે ધીમે વરસાદની ગતિ જોવા મળી હતી. બપોર સુધી હળવાથી મધ્યમ ઝાપટાઓનો દોર ચાલુ જ રહયો હતો. થોડીવાર વરસાદની ગતિ વધી જાય તો ઘડીકમાં ઘટી જાય.

બપોરે બે વાગ્યે મેઘરાજાએ થોડીવાર વિરામ લીધો હતો. બાદમાં ત્રણેક વાગ્યાની આસપાસ એકદમ ચાલુ થઇ ગયો હતો. ત્યારબાદ ફરી જોર ધીમુ થઇ ગયું હતુ. મોડી સાંજ સુધી એકરસ બની વરસવાનું ચાલુ જ રહયુ હતુ. રાત સુધી હળવો ચાલુ જ હતો.

મોડીરાતે ત્રણેક વાગ્યાની આસપાસ સાંબેલાધાર વરસવાનું શરૂ કરી દીધુ હતુ. એકાદ કલાક ભારે જોર રહયું હતુ. ત્યારબાદ વ્હેલી સવારે ૬ વાગ્યાની આસપાસ પણ જોરદાર ઝાપટુ વરસી ગયું હતુ.

મ્યુનિસીપલ કોર્પોરેશનના ફલડ કંટ્રોલ રૂમમાં ગઇકાલથી આજે સવાર સુધીમાં ૬ ઇંચ જયારે હવામાન ખાતામાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન ખાતામાં મોસમનો ૩૭ ઇંચ જયારે ફલડ કંટ્રોલરૂમમાં મોસમનો ૩૫ ઇંચ નોંધાયો છે.

રાજકોટ શહેરમાં અવિરત વરસી રહેલા વરસાદના પગલે ચોમેર પાણી ભરાયા છે. ખાસ કરીને નિચાણવાળા વિસ્તારોમાં અસર વધુ જોવા મળી હતી. આ લખાય છે બપોરે ૨ વાગ્યે પણ વરસાદ ચાલુ છે.

(3:48 pm IST)