Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

મ્યુ. કોર્પોરેશનના જન્મ મરણ વિભાગમાં કોરોનાકાળમાં થઇ 'ગોલમાલ': પૈસા લઇ બાળકનું નામ સુધારી દેવાયું!

કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતાં ઓપરેટરને છુટો કરી દેવાયોઃ અધિકારીઓએ તપાસ આદરી

રાજકોટ તા. ૨૪: મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં કોરોનાકાળમાં ન થવાનું થઇ ગયું હોવાનું ભોપાળુ છતુ થયું છે. નિયમ મુજબ જન્મના દાખલામાં એક વખત બાળકનું નામ નોંધી દેવામાં આવ્યું હોય પછી એ કોઇ કાળે આ કચેરીમાંથી સુધારી શકાય નહિ. આમ છતાં આ વિભાગના એક કોમ્પ્યુટર ઓપરેટરે અમુક રકમ લઇ નામ સુધારી દીધાનું સામે આવતાં આ અંગે અધિકારી દ્વારા તપાસ શરૂ થઇ છે. ભોપાળુ છતુ થઇ જતાં કોમ્પ્યુટર ઓપરેટરને છુટો કરી દેવામાં આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ મ્યુ. કોર્પોરેશનના જન્મ મરણ વિભાગમાં કોન્ટ્રાકટ બેઝ પર કોમ્પ્યુટર ઓપરેટર તરીે કામ કરતાં દિવ્યેશ નામના એક યુવાને કોરોના કાળ વખતે એક જન્મના સર્ટીફિકેટમાં બાળકનું નામ સુધારી આપ્યાની માહિતી વિભાગના અધિકારીને મળતાં તપાસ કરતાં આ વાત સાચી હોવાનું ખુલતાં કાર્યવાહી કરવા હાલ પોલીસને એક અરજી આપી છે.

નિયમ મુજબ એક વખત જન્મના સર્ટીફિકેટમાં બાળક કે બાળકીનું નામ નોંધાઇ જાય પછી તેમાં સુધારો થઇ શકતો નથી. આમ છતાં જન્મ મરણ વિભાગના કોમ્પ્યુટર ઓપરેટરે બે હજારથી પચ્ચીસસો જેવી રકમ લઇ નામ સુધારી આપ્યું હોવાનું કહેવાય છે. આ મામલે હાલ અરજી કરવામાં આવી છે. 

(2:54 pm IST)