Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

હોસ્પિટલના અમુક વોર્ડમાં એકાદ મહિનાથી મચ્છરોનો ત્રાસઃ ત્રણ રેસિડેન્ટ ડોકટર સારવારમાં

ખુદ સિવિલ હોસ્પિટલના તબિબો તાવના ભરડામાં

ચારેક તબિબોને ડેંગ્યુ-મેલેરિયાની અસરઃ બીજા દર્દીઓના વોર્ડમાં જ આ તબિબોને સારવાર માટે દાખલ કરાય છેઃ અલગ વોર્ડની વ્યવસ્થા પણ નહિઃ હોસ્ટેલ-વોર્ડ-મેડિકલ કોલેજના બગીચાઓમાં માં ફોગીંગ કરાવવું પણ જરૂરીઃ ડીન-સુપ્રિન્ટેડન્ટ આ તરફ પણ ધ્યાન આપે તેવી તબિબોની લાગણી અમુક તબિબોએ બિમારી વચ્ચે હાથમાં વિગો-સોય સાથે પરિક્ષા આપવી પડી જે તબિબોએ સારવાર લીધી છે અને લઇ રહ્યા છે તેમાં પાંચ સેકન્ડ યરના તબિબ, એક એઇમ્સના વિદ્યાર્થી, એક ઇન્ટર્ન તબિબ, એક ઇએનટી વિભાગના તબિબો મચ્છરજન્ય તાવની અસરમાં આવી ગયા છે

રાજકોટ તા. ૨૩: શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરી ગયો છે અને ડેંગ્યુ, મેલેરીયાના દર્દીઓ વધી ગયા છે. ઘરે ઘરે માંદગીના ખાટલા છે અને સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે ત્યારે ખુદ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં રેસિડેન્ટ તબિબો પણ મચ્છરજન્ય રોગચાળાની ઝપટમાં આવી ગયાનું જાણવા મળ્યું છે. હાલમાં ત્રણ રેસિડેન્ટ તબિબો ડેંગ્યુ-મેલેરિયાની અસર હેઠળ સારવાર માટે દાખલ છે. તબિબો માટે અલગ વોર્ડની સુવિધા ન હોવાથી તેમને પણ બીજા દર્દીઓની જોડે રૂટીન વોર્ડમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. મેડિસીન વિભાગના ત્રણ વોર્ડ તેમજ ઓપીડીમાં મચ્છરોનો ત્રાસ અનહદ રીતે વધ્યાની તબિબોમાં ફરિયાદો ઉઠી છે. અહિ ફોગીંગ કરાવવાની માંગણીઓ પણ ઉઠી રહી છે.

જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ત્રણ રેસિડેન્ટ તબિબો તાવમાં સપડાતાં હાલ સારવાર માટે દાખલ કરવા પડ્યા છે. આ ત્રણેય મચ્છરજન્ય તાવના ભરડામાં આવ્યાનું જાણવા મળ્યું છે. અન્ય તબિબો કે જે હાલ ત્રીજા વર્ષની પરિક્ષા આપી રહ્યા છે તેમાંથી પણ અમુકને  રોગચાળાએ ઝપટમાં લીધા હોઇ હાથમાં વીગો-સોય સાથે પરિક્ષા આપવા જવું પડ્યું હતું. ડેંગ્યુ મેલેરિયા અને અન્ય મચ્છરજન્ય તાવના ભરડામાં સિવિલ હોસ્પિટલના તબિબો આવી ગયા હોઇ ફફડાટ ફેલાયો છે. એકાદ મહિનાથી ઓપીડી અને મેડિસીન વિભાગના વોર્ડ નં. ૭, ૧૦, ૧૧માં મચ્છરોનો ત્રાસ વધ્યાની ફરિયાદો ખુદ તબિબોમાં ઉઠવા પામી છે.

બિમાર તબિબો માટે અલગ વોર્ડની વ્યવસ્થા ન હોઇ બીજા દર્દીઓની સાથે જ તેમને દાખલ કરવામાં આવી રહ્યા છે. મેડિકલ કોલેજ તેમજ સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ ડેંગ્યુ મેલેરિયાના મચ્છરો વચ્ચે ફરજ બજાવી રહ્યો છે. તબિબોની હોસ્ટેલમાં પણ મચ્છરોનો ત્રાસ વધી ગયાની ફરિયાદો રેસિડેન્ટ તબિબોમાં ઉઠવા પામી છે.

એકાદ મહિનાથી તબિબો આ ત્રાસ સહન કરી રહ્યા છે. ખુદ તબિબો અને નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓની હાલત ખરાબ છે ત્યાં દાખલ દર્દીઓ અને તેમની દેખરેખ માટે સાથે રહેતાં પરિવારજનોની હાલત શું હશે એ વિચારવા જેવું છે. મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા નિયમીત ફોગીંગ સહિતની વ્યવસ્થા કરાવવા માંગણી ઉઠી રહી છે. તબિબી અધિક્ષકશ્રી અને ડીનશ્રી તબિબોના પ્રશ્નો તરફ પણ નજર કરે અને મચ્છરોના ત્રાસમાંથી મુકત કરાવે તેવી લાગણી અને માંગણી તબિબો અને અન્ય સ્ટાફ વ્યકત કરી કરી રહ્યો છે. 

(3:32 pm IST)