Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ચિલઝડપ કરાયેલો ચેઇન રાખી લોન આપી દેનાર મુથુટ ફીનકોપ ફાયનાન્સ કંપનીના મેનેજરની પણ ધરપકડ

કોઇપણ પેઢી આ રીતે પુરાવા વગર દાગીના પર લોન આપશે તો પોલીસ કાર્યવાહી કરશે

રાજકોટઃ શહેરના રૂડા બીલ્ડીંગ પાસે પરમ દિવસે નાયબ મામલતદારના ગળામાંથી ૫૦ હજારના સોનાના ચેઇનની ચિલઝડપ થઇ હતી. આ ગુનામાં પ્ર.નગર પોલીસે ગણતરીની કલાકોમાં ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં રીઢા ચીલઝડપકાર પ્રિતેશ રાજુભાઇ આચાર્ય અને એક સગીરને પકડી લીધા હતાં. બંનેની પુછતાછ થતાં તેણે ચિલઝડપ કરેલો ચેઇન મુથુટ ફિનકોપ ફાયનાન્સ કંપનીની પેડક રોડની બ્રાંચમાં ગીરવે મુકી લોન લઇ રોકડી કરી લીધાનું કબુલતાં આ મામલે પ્ર.નગર પોલીસે આ ફાયનાન્સ પેઢીના મેનેજર ઉસ્માનગની ગફારભાઇ મેતર (ઘાંચી) (ઉ.૩૪-રહે. નિલમ પાર્ક, દેવપરા રોડ) સામે ચોરાઉ મુદ્દામાલ વેંચાતો રાખવા સબબ ગુનો નોંધી ધરપકડ કરી છે. એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં ઇન્ચાર્જ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ કે. ડી. પટેલ, દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ, કુલદિપસિંહ, અક્ષયભાઇ, મહાવીરસિંહ, અશોકભાઇ સહિતે આ કામગીરી કરી હતી. આરોપીએ બીલ કે આધાર પુરાવા લીધા વગર ચેઇન રાખી લીધો હતો. આવી કોઇપણ કંપનીઓ આ રીતે ચોરાઉ ચીજવસ્તુ રાખી લોન આપશે તો તેની સામે કાર્યવાહી થશે. તેમ પોલીસે જણાવ્યું છે.

(10:47 am IST)