Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સતત ૬ વખત પ્લાઝમા ડોનેટ કરી વિક્રમ સ્થાપતા વિજયભાઇ

કોરોનાથી મુકત થયેલા લોકોએ આપમેળે પ્લાઝમા દાન કરવું જોઇએઃ ડો. કૃપાલ પુજારા

રાજકોટ તા. ૨૪ : તબીબક્ષેત્ર કોરોના દર્દીઓને સ્વસ્થ કરવા માટે છેલ્લા ઘણાં મહિનાઓથી અડીખમ હિમાલયની જેમ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ અને આરોગ્ય કર્મીઓનું ઋણઅદા કરવા માટે આમજનો પણ તેમને મદદરૂપ થવા માટે આગળ આવી રહ્યા છે. કોરોનાથી સ્વસ્થ થઈને માનવતાની સુવાસ ફેલવતા પ્લાઝમા ડોનરો પ્લાઝમા ડોનેટ કરીને અન્ય કોરોના દર્દીઓને નવજીવન બક્ષી રહ્યા છે. આવી જ સુવાસ ફેલાવી છે રાજકોટના રહેવાસી વિજયભાઈ મોલીયાએ.

૯ જુલાઈના રોજ કોરોનાથી સંક્રમિત થઈને સ્વસ્થ થયેલા વિજયભાઈએ ૬ વખત પ્લાઝમા ડોનેટ કરીને આપણા સૌ માટે પ્રેરણારૂપ ઉદાહરણ બન્યા છે.

તે જાહેરજનતાને અપીલ કરે છે કે, જો તમે કોરોના મુકત થઈને એકદમ સ્વસ્થ હોય તો વિના સંકોચે પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવો. આજે ૬ વખત લગાતાર પ્લાઝમા ડોનેટ કરીને હું તમને એ જ પ્રેરણા આપવા માંગુ છું કે, આપણો એક નિર્ણય અન્યજીવનને સુખમય બનાવી શકે છે. હું આગળ પણ પ્લાઝમા ડોનેટ કરવા તૈયાર છું તેમ વિજયભાઈએ કહ્યું હતું.

રાજકોટવાસીઓને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરતાં પ્લાઝમા વિભાગના ડો. કૃપાલ પુજારાએ કહ્યું હતું કે, 'બહુ સારી વાત છે કે અમુક પ્લાઝમા ડોનરોનો સામેથી ફોન આવે છે કે સર અમારે ૧૫ દિવસ થઈ ગયા છે. અમારે પ્લાઝમા ડોનેટ કરવું છે. વિજયભાઈ મોલીયાએ ૬ વખત પ્લાઝમા ડોનેટ કરીને સૌને પ્રેરણા પૂરી પાડી છે. આ ઉપરાંત સંજયભાઈ લાખાણી અને નિશિતભાઈ રાડીયાએ પણ ત્રણ-ચાર વખત પ્લાઝમા ડોનેટ કર્યું છે. હું નમ્ર અપીલ કરું છું કે લોકો સ્વૈચ્છાએ પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવે. કોરોનાને કાબુમાં લેવા અને દર્દીઓને સ્વસ્થ કરવા માટે આગમચેતીના ભાગરૂપે પ્લાઝમા ડોનેટ કરીને અમને સહકારરૂપ બને.'

(2:38 pm IST)