Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે પરપ્રાંતિય યુવાન તોલીસીંગને છરીના ઘા ઝીંકી લૂંટ

અજાણ્‍યા શખ્‍સોએ રૂપિયા માંગ્‍યા, તે ન હોઇ ૧૨ હજારનો મોબાઇલ ફોન લૂંટી ગયાઃ મુળ એમપીના યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૪: મોરબીમાં સાંજે આઠેક વાગ્‍યે પરપ્રાંતિય યુવાન પર છરીથી હુમલો કરી મોબાઇલ ફોનની લૂંટ ચલાવાઇ હતી. ગંભીર ઇજા થતાં યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.

મોરબી પીપળી રોડ પર સત્‍યમ્‌ પાર્કમાં રહેતાં અને કારખાનામાં ડ્રાઇવીંગ કામ કરતાં મુળ મધ્‍યપ્રદેશના તોલસીંગ મગનભાઇ ભુરીયા (ઉ.વ.૨૯)ને તે સાંજે લોજમાં જમ્‍યા બાદ ચાલીને નોકરીએ જઇ રહ્યો હતો ત્‍યારે માળીયા ફાટકથી ત્રાજપર ચોકડી વચ્‍ચે સર્વિસ રોડ પર પહોંચ્‍યો ત્‍યારે  અજાણ્‍યા ત્રણ શખ્‍સોએ તેને આંતર્યો હતો અને જે રોકડ હોય તે આપી દેવા કહેતાં તેણે દોઢસો બસ્‍સો રૂપિયા ખિસ્‍સામાં હતાં તે જમવાના બીલમાં આપી દીધા હોઇ હવે ખિસ્‍સામાં કંઇ નથી તેમ કહેતાં એ શખ્‍સોએ મોબાઇલ ફોન આપી દેવા કહેતાં તોલસીગે આનાકાની કરતાં મારકુટ ચાલુ કરી હતી.

તોલીસીંગે સામનો કરતાં તેને પેટ-સાથળમાં છરીના ઘા ઝીંકી રૂા. ૧૨ હજારનો મોબાઇલ ફોન લૂંટી ત્રણેય ભાગી ગયા હતાં. લોહીલુહાણ હાલતમાં તોલસીંગે દેકારો મચાવતાં લોકો ભેગા થઇ જત મોરબી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ ખસેડાયો હતો. તેના કહેવા મુજબ લૂંટ ચલાવનારા ગુજરાતી ભાષા બોલતાં હતાં. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ મોરબી બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(1:24 pm IST)