Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ભાજપ-કોîગ્રેસ-આપની સોશ્યલ મીડીયા વોર

વોર રૂમમાં સોશ્‍યલ મીડીયાની ટીમ અને ટીમ લીડર સિવાય કોઇને એન્‍ટ્રી : નહીં : રાજકીય પક્ષો લાખો લોકો સુધી દરરોજ અલગ-અલગ માધ્‍યમો થકી પહોંચવાનો થતો પ્રયાસ : હજારો કાર્યકરો આંગળીના ટેરવે કરે છે પ્રચાર : રાજકીય પક્ષો મીટીંગો - બેઠકો - સભામાં શું જમાડે છે ? ક્‍યો પક્ષ સોશ્‍યલ મિડીયાનો કેવો અને કેટલો ઉપયોગ કરે છે ? : પ્રથમ તબક્કા માટે કેટલાક ઉમેદવારીપત્રો રહ્યા માન્‍ય, કેટલા થયા રદ્દ સહિતની માહિતી

સોશિયલ મીડિયાનો જમાનો છે ત્‍યારે હવે ચૂંટણીમાં પ્રચારની પણ રીત બદલાઈ છે. હવે સભાઓ અને રેલીની સાથે સોશિયલ મીડિયા થકી પણ પ્રચાર માટે એડીચોટીનું જોર રાજકીય પાર્ટીઓ લગાવે છે. ભાજપ, કોંગ્રેસ અને AAP દ્વારા સોશિયલ મીડિયાની આખી ટીમ ઊભી કરવામાં આવી છે. ભાજપ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે પાર્ટીનો સોશિયલ મીડિયા રૂમ કાર્યરત છે, જેને ભાજપે એને વોર રૂમ નામ આપ્‍યું છે. તો કોંગ્રેસનો સોશિયલ મીડિયા રૂમ અમદાવાદમાં પાર્ટીના કાર્યાલય ખાતે કાર્યરત છે, જયાંથી તમામ ગતિવિધિઓ થાય છે. તો બીજી તરફ AAP દ્વારા તેમની સોશિયલ મીડિયા ટીમ અને ઓફિસને લઈ સંપૂર્ણ માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. તમામ પાર્ટીઓ દ્વારા સોશિયલ મીડિયા ઓફિસમાં ઝેડ પ્‍લસ સિક્‍યોરિટી જેવી વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી છે, જયાં સોશિયલ મીડિયા ટીમ અને ટીમ લીડર સિવાય કોઈને એન્‍ટ્રી આપવામાં આવતી નથી.

ભાજપ, કોંગ્રેસ અને AAP લાખો લોકો સુધી દરરોજ સોશિયલ મીડિયાનાં અલગ અલગ માધ્‍યમો થકી પહોંચે છે. સોશિયલ મીડિયા એક મૂડ બનાવમાં મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. ચૂંટણી દરમિયાન એક પક્ષ બીજા પક્ષ સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા હોય છે. ત્‍યારે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ  રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવા સોશ્‍યલ મીડિયાનો ઉપયોગ ભાજપ-કોંગ્રેસ કરે છે.

ગુજરાત ભાજપ દ્વારા સોશિયલ મીડિયામાં પાર્ટીના પ્રચાર પ્રસાર માટે એક અલગ ટીમ બનાવી છે. સોશિયલ મીડિયાની ટીમમાં ૧૦ હજાર એક્‍ટિવ લોકો છે, સાથે જ આખા ગુજરાતમાં ૬૦ હજાર જેટલા વોલન્‍ટિયર દ્વારા પણ દરોજ ભાજપ પક્ષના પ્રચાર પ્રસારનું કામ કરાય છે અને સોશિયલ મીડિયાના અલગ માધ્‍યમ જેવા કે વોટ્‍સએપ, ટ્‍વીટર, ફેસબુક દ્વારા દરોજ ૫૦ લાખ લોકો સુધી પહોંચીને પક્ષની વિચારધાર પહોંચાડાય છે. સામન્‍ય સંગઠનની જેમ સોશિયલ ડિપાર્ટમેન્‍ટમાં પણ પ્રદેશ, જિલ્લા, શહેર, તાલુકા, વિધાનસભા દીઠ હોદ્દેદારોની નિમણુંક કરાય છે. જે બુથ લેવલ સુધી સોશિયલ મીડિયાના માધ્‍યમથી પાર્ટીનો પ્રચાર કરે છે. ગાંધીનગર કામલમ ખાતે પાર્ટીનો સોશિયલ મીડિયા રૂમ કાર્યરત છે જેને ભાજપે તેને વોર રૂમ નામ આપ્‍યું છે.

કોંગ્રેસની ટીમ અત્‍યારે ભલે બહાર સભાઓ કે રેલીઓમાં ઓછી દેખાતી હોય પણ સોશિયલ મીડિયામાં એક્‍ટિવ છે. ૧૦ હજારથી વધુ કાર્યકર્તાઓનો પ્રદેશની ટીમ બનાવમાં આવી છે. તેની નીચે ૫૦ હજાર વોલઈન્‍ટરની ટીમ બનાવમાં આવી છે. સોશિયલ મીડિયાના અલગ અલગ માધ્‍યમો થકી દરોજ સરેરાશ ૨૦ લાખ લોકો કોંગ્રેસ સુધી પહોંચે છે. સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્‍ટમાં પ્રદેશ જિલ્લા, શહેર, તાલુકા વિધાનસભા દીઠ ટીમ છે. સાથે જ ૭૦૦ લોકોની પેડ ટીમ પણ કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસનો સોશિયલ મીડિયા રૂમ અમદાવાદ પાર્ટીના કાર્યાલય ખાતે કાર્યરત છે. જયાંથી તમામ ગતિવિધિઓ થાય છે.

કોંગ્રેસમાં ઉમેદવારોને પ્રદેશ કક્ષાએથી મુદાઓ તૈયાર કરીને આપવામાં આવે છે. ફેસબુક, ટ્‍વીટર, વોટ્‍સએપની સાથે કોંગ્રેસ દ્વારા કોમ્‍યુનિટી આધારિત ફેસબુક અને વોટ્‍સએપ ગ્રુપ બનાવમાં આવ્‍યા છે. જેમાં જે તે સમાજના સંબધિત મુદ્દાઓ મુકવામાં આવે છે. કોંગ્રેસ દ્વારા ૫૦ હજાર વોટ્‍સએપ ગ્રુપ બનાવમાં આવ્‍યા છે. સાથે જ પ્રદેશ દ્વારા મુદાઓ તૈયાર કરીને જેતે ઉમેદવારોને મોકલાય છે. જે તે ઉમેદવાર સોશિયલ મીડિયામાં પ્રદેશ કક્ષાએથી આપવામાં આવેલ મુદા સીધી રીતે ઉઠાવી શકે છે.

ગુજરાતમાં નવી આવેલી આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયામાં જોરશોરથી પ્રચાર કરી રહી છે અને જમીની યુદ્ધ કરતા સોશિયલ મીડિયામાં રચી પચી વધારે રહે છે. આપ પાર્ટીના સોશિયલ મીડિયા રૂમમાં આમ આદમી તો ઠીક પણ ગણ્‍યા ગાઢયા લોકો સિવાય આ વોર રૂમમાં આપ પાર્ટીના નેતાઓને પણ પ્રવેશ નથી અપાતો. આમ આદમી પાર્ટી જમીન પર જીતે કે ના જીતે પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્‍ટિવ છે. સોશિયલ મીડિયામાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં આવે છે અને એક માહોલ બનાવવાનો પ્રયત્‍ન કરે છે અને દિલ્‍હીથી આવતી સૂચના મુજબ કામગીરી થાય છે.

મતદારોને રીઝવવા મીટીંગો - સભાઓમાં

ભાજપ - કોંગ્રેસ દ્વારા જમણવારોનો જમાવડોઃ ‘આપ'માં ભોજન બાકાત

રાજકોટ, તા.૨૪: ચૂંટણી કોઇપણ હોય રાજકીય પક્ષોના તાવડા - જમણવાર - તાવા પાર્ટી શરૂ થઇ જાય છે. એક - દોઢ દાયકા પહેલા પક્ષના કાર્યલયે તાવડા મંડાતા જેમાં આવનાર કાર્યકરો, શુભેચ્‍છકો ગાંઠીયા - ભજીયા આરોગતા ત્‍યારબાદ તાવા (ચાપડી - ઉંધીયા)નો ટ્રેન્‍ડ શરૂ થયો અને હવે કાઠીયાવાડી જમણવાર દ્વારા મતદારોને રીઝવવા પ્રયાસ થાય છે.

રાજયમાં તા.૩ના રોજ વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થવાની સાથે જ રાજકીય પક્ષોની જુથ બેઠકો, સભાઓ, નાસ્‍તો કે ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે.

સૌપ્રથમ સત્તાધારી પક્ષ ભાજપની વાત કરીએ તો વોર્ડવાઇઝ બુથ સ્‍તરેથી શરૂ કરીને સમગ્ર ધારાસભા વિસ્‍તારોમાં નાની - મોટી મીટીંગો, સભાઓનું આયોજન  ૭૦ ટકા જેટલુ પૂર્ણ થઇ ગયુ છે. જેમાં વિસ્‍તાર પ્રમાણે તાવો કે કાઠીયાવાડી ભોજન પણ રાખવામાં આવે છે. આ વખતે ભાજપે છોલે-પુરી, બીરીયાની, દહીંનું મેનુ પણ સામેલ કર્યા છે. જેમાં મેનુ મુજબ ૧૦૦ થી ૧૬૦ સુધીની ડિશ પીરસવામાં આવે છે.

જયારે કોંગ્રેસ દ્વારા પણ શહેરની ચારેય ધારાસભાઓના વિસ્‍તારોમાં નાની - મોટી મીટીંગોના અંતે તાવા - ફુલ ડીશ ભોજન રાખવામાં આવે છે. ઘણી જગ્‍યાએ ભજીયા અને લાડવા પણ જમાડવામાં આવે છે. આમ કોંગ્રેસ દ્વારા પણ રૂા.૧૦૦ થી લઇને રૂા.૧૫૦ સુધીના ભાણા જમાડી મતદારોને આકર્ષવા ભરપુર પ્રયાસ કરી રહી છે. પાઉંભાજી અને તાવાની સૌથી વધુ ડીમાન્‍ડ જે-તે લતાવાસીઓ દ્વારા કરાઇ છે તેવુ રાજકીય પક્ષોના કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યું છે.

જયારે આમ આદમી પાર્ટીને મતદારોને હજી ભોજન કરાવવાની ઘડ નથી પડી. જો કે પાર્ટીના મુખ્‍ય કાર્યલયોમાં કાર્યકરો માટે નાસ્‍તા - ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રથમ તબકકાની ચૂંટણી માટે ૯૯૯ ઉમેદવારીપત્રો માન્‍યઃ ૩૬૩ રદ્દ થયા

રાજકોટ તા. ર૪: ગુજરાતમાં, વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકા માટેના ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ચૂંટણી પંચે ૩૬૩ ઉમેદવારીપત્રો રદ્દ કર્યા છે અને ૯૯૯ ઉમેદવારી પત્રો માન્‍ય રાખ્‍યા છે. પ્રથમ તબકકાનું ૮૭ બેઠકોનું મતદાન તા. ૧ ડિસેમ્‍બરના થશે. જેમાં મુખ્‍યત્‍વે ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્‍ચે ખરાખરીનાં જંગ જોવા મળશે.

ભાજપ દ્વારા સોશ્‍યલ મિડીયા રૂપી શષાનો ધારદાર ઉપયોગ

સ્‍ટુડિયો રૂમ - એપ્‍લીકેશન - લીંક દ્વારા પ્રચાર

રાજકોટ,તા.૨૪: આજના યુગમાં દરેક ખબર-સમાચારો માટે સોશ્‍યલ મિડીયાનો   વ્‍યાપક ઉપયોગ થઇ રહ્યો છે. ત્‍યારે રાજકીય પક્ષો પણ તેનો મહત્તમ ઉપયોગ કરે છે. સોશ્‍યલ મિડીયા માટે ખાસ ટીમ પણ બનાવવામાં આવે છે. જે ઉમેદવારનો પ્રચાર-પ્રસાર પણ કરે છે. સોશ્‍યલ મિડીયામાં પણ રાજકીય પક્ષો વૈવીધ્‍ય લાવવાનો પ્રયાસ કરે છે.

સોશ્‍યલ મિડીયાનો સૌથી વધુ ઉપયોગ ભાજપ દ્વારા કરવામાં આવે છે. જેમા શહેરની ચારેય વિધાનસભા દીઢ ૨૫ થી ૩૦ લોકોની ટીમ દિવસ-રાત  પ્રચાર-પ્રસાર કરે છે. સોશ્‍યલ મિડીયા પ્‍લેટ ફોર્મ જેવા કે ફેસબુક, ટવીટર, ઇન્‍ટ્રાગ્રામ, ટેલીગ્રામમાં સ્‍ટેટસ, પોસ્‍ટ,રીલ, સ્‍ટોરી માટે અલગ-અલગ ઇમેજ-વીડીયો તૈયાર કરી કાર્યકરો-શુભેચ્‍છકોને મોકલવામાં આવે છે.

ભાજપ દ્વારા આ વખતે ટેકનોલોજીના માધ્‍યમમાં ‘‘સ્‍ટુડીયો રૂમ'' ચારેય વિધાનસભા બેઠકોમાં ઉભા કરવામાં આવ્‍યા છે. જેમાં કોઇ પણ વ્‍યકતી જે-તે ઉમેદવારના બેનર પાસે ઉભા રહી વિડીયો શુટ કરી મતની અપીલ કરે છે. મુખ્‍યત્‍વે આ વિડીયોનું ફેસબુક ઉપર સૌથી વધુ પોસ્‍ટીંગ કરવામાં આવી રહ્યું છે.

ઉપરાંત ભાજપ દ્વારા મતદાર યાદી અને સ્‍લીપ વિતરણ માટેની ખાસ એપ્‍લીકેશન બનાવવામાં આવી છે. જેમાં સમગ્ર રાજકોટની મતદાર યાદીનો સમાવેશ થાય છે. સાથો-સાથ ‘‘સેલ્‍ફી જનરેટર''નામની લીંકમાં પણ કાર્યકર-શુભેચ્‍છક પોતાના વિસ્‍તારના ઉમેદવારના ફોટા અને લખાણની નીચે પોતાનું નામ અને ફોટો મુકી શકે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. મતદાન પહેલાના ૨૪-૪૮ કલાક દરમ્‍યાન ભાજપના આઇટી-સોશ્‍યલ મિડીયા વિભાગ દ્વારા મોટા કન્‍ટેન્‍ટનો મારો ચલાવાશે.

(3:48 pm IST)