Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

હાઉસીંગ બોર્ડના રહેવાસીઓને હવે તો ન્‍યાય કરો

લીઝ પર આપેલી જમીન ફ્રી હોલ્‍ડ કરી આપવામાં ધાંધીયા : રૂપાણી સરકાર સમયે આપેલ વચન હજુ પળાયુ નથી : ધનપતિઓને લીઝમાં પણ લ્‍હાણી અને ગરીબોને ઘોર અન્‍યાય : રાજકોટ ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસ ધારકો દ્વારા આક્રોશ વ્‍યકત : ગાંધી ચિંધ્‍યા માર્ગે આંદોલનની ચીમકી

રાજકોટ તા. ૨૪ : રાજયભરના હાઉસીંગ બોર્ડના આવાસધારકોને સરકાર ભારોભાર અન્‍યાય કરી રહી હોવાનો આક્રોશ વ્‍યકત થયો છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ અમીન માર્ગ હાઉસીંગ બોર્ડના આવસ ધારકોના પ્રતિનિધિઓએ જણાવ્‍યુ હતુ કે સરકારે ૫૦ વર્ષ પહેલા લીઝ પર આપેલી જમીન હવે ફ્રી હોલ્‍ડ કરી આપવામાં યેનકેન પ્રકારે જાણીજોઇને ધાંધીયા કરવામાં આવી રહ્યા છે.

આ જમીન ફ્રી હોલ્‍ડ કરી આપવા વિજયભાઇ રૂપાણીની સરકાર સમયે વચન અપાયુ હતુ. જે આજ સુધી પળાયુ ન હોવાનું આવાસધારકોએ જણાવ્‍યુ હતુ. આ બાબતે અનેક વખત ઉચ્‍ચ કક્ષાએ રજુઆતો થઇ ચુકી છે. હાલમાં જ ઓકટોબર  માસમાં મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને ગાંધીનગર ખાતે રૂબરૂ મળી આ બાબતે ત્‍વરીત ઉકેલ લાવવા રજુઆતો કરાઇ હતી. તેમ છતા આજ સુધી ન્‍યાયી કાર્યવાહી થઇ નથી.

જો અન્‍ય રાજયોમાં જંત્રીના પ થી ૧૫ % વસુલીને જમીન લીઝ હોલ્‍ડમાંથી ફ્રી હોલ્‍ડ કરી અપાતી હોય તો ગુજરાત રાજયમાં કેમ ન થઇ શકે? અહીં કેમ કાયદા જુદા અપનાવાય છે. જંત્રીના ૧૮૦% લેખે અસહ્ય ઉઘરાણી થઇ રહી છે. જે કોઇ રીતે કોઇને પરવડે તેમ નથી. વળી આ ૧૮૦% લેખે રકમ ભરપાઇ કર્યા પછી પણ માત્ર રેસીડેન્‍સીયલ પ્‍લાન જ મંજુર થશે, કોમર્શીયલ નહી. તેવો ફતવો પણ બહાર પાડવામાં આવ્‍યો છે. જે જીડીસીઆરના નિયમની વિરૂધ્‍ધ છે.

હાઉસીંગના આવાસધારકોએ આક્રોશ વ્‍યકત કરતા જણાવ્‍યુ હતુ કે આ સરકાર માત્ર ધનપતિઓની જ હોય તેમ કંડલા સહિત અનેક જગ્‍યાએ ઉદ્યોગપતિઓને જંત્રીના ૧૫% લેખને જમીન ફ્રી હોલ્‍ડ કરી અપાઇ છે. તો પછી ગરીબ આવાસ ધારકો પાસેથી જંત્રીના ૧૮૦% લેખે ભરવાનો આગ્રહ શા માટે? શું ગરીબ મધ્‍યમ વર્ગનું કોઇ નહીં?

જો સમયસર આ બાબતે ન્‍યાયી પ્રક્રિયા હાથ નહીં ધરાય તો ગાંધી ચિંધ્‍યા માર્ગે આંદોલનના મંડાણ કરાશે. તેમ રાજકોટ હાઉસીંગ બોર્ડ આવાસધારકોવતી પ્રતિનિધિ મંડળના અશોકભાઇ કામદાર (મો.૯૪૨૬૭ ૮૫૭૯૭)  અને સુરેશભાઇ વિઠ્ઠલાણી, વિનુભાઇ રૂઘાણી, મયુરભાઇ કોટકે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવ્‍યુ હતુ. તે સમયની તસ્‍વીર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:03 pm IST)