Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

જેએમસી નગરની રિધ્‍ધીબેન દવે પર ઓસ્‍ટ્રેલિયામાં ત્રાસ ગુજારાયોઃ સસરા રાજકોટ મુકીને જતાં રહ્યાં

તું કરિયાવર લાવી નથી, તને તારી માતાએ રસોઇ નથી શીખવી, તું ઓસ્‍ટ્રેલિયા સ્‍થાયી નહિ થઇ શકે... : ઓસ્‍ટ્રેલિયા સ્‍થિત પતિ દર્શીત, સસરા દિપકભાઇ વીંછી, સાસુ સોનાલીબેન, દિયર ચિરાગ અને રાજકોટ રહેતાં મામીજી પાયલબેન તથા મામાજી તેજસભાઇ રત્‍નેશ્વર વિરૂધ્‍ધ ગુનોઃ પીઆઇ ભાર્ગવ ઝણકાતે તપાસ આરંભી

રાજકોટ તા. ૨૪: શહેરની બ્રાહ્મણ યુવતિને ઓસ્‍ટ્રેલિયામાં પતિ, સાસુ, સસરા અને દિયરે ‘તારા બાપે કરિયાવરમાં કંઇ આપ્‍યું નથી, તારી માએ તને રસોઇ શીખવી નથી, તું ઓસ્‍ટ્રેલિયામાં સ્‍થાયી થઇ શકે તેમ નથી, તને પાછી પિયર મોકલી દેવી છે' તેવા મેણાટોણા મારી ત્રાસ ગુજારતાં અને છેલ્લે તેણી સસરા સાથે રાજકોટ દાદીજીની શ્રાધ્‍ધ વિધીમાં આવી ત્‍યારે રાજકોટ રહેતાં મામાજી અને મામીજીએ પણ તારે ઘરકામ શીખવા પડશે પછી જ ઓસ્‍ટ્રેલિયા જવા મળશે તેમ કહી મારી નાખવાની ધમકી આપતાં અને સસરા તેણીને મુકીને ઓસ્‍ટ્રેલિયા જતાં રહેતાં અને પતિએ હવે ફોન રિસીવ કરવાનું પણ બંધ કરી દેતાં અંતે આ યુવતિએ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

મહિલા પોલીસ સ્‍ટેશનમાં આ બનાવમાં હાલ રૈયા ચોકડી પાસે જેએમસીનગર-૧૨માં રહેતાં રિધ્‍ધીબેન વિપુલકુમાર દવે (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી ઓસ્‍ટ્રેલિયા રહેતાં તેના પતિ દર્શિત દિપકભાઇ વીંછી, સસરા દિપકભાઇ પ્રવિણચંદ્ર વીંછી, સાસુ સોનાલીબેન દિપકભાઇ વીંછી, દિયર ચિરાગ દિપકભાઇ વીંછી તથા રાજકોટ મોટા મવા સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે કોઝી કોટયાર્ડ ઇ-૧૦૧માં રહેતાં મામાજી સસરા તેજસભાઇ દિનેશભાઇ રત્‍નેશ્વર અને મામીજી સાસુ પાયલબેન તેજસભાઇ રત્‍નેશ્વર વિરૂધ્‍ધ ૪૯૮ (ક), ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્‍યો છે.  રિધ્‍ધીબેને પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું હાલ મારા માતા-પિતા-બહેન અને કાકા સાથે રહુ છું અને ઘરકામ કરુ છું.

મારા લગ્ન તા. ૩/૧૦/૧૯ના રોજ ઓસ્‍ટ્રેલિયા રહેતાં દર્શિત વીંછી સાથે જ્ઞાતિના રિવાજ મુજબ થયા છે. આ સગપણ રાજકોટ કોઝી કોટયાર્ડમાં રહેતાં મામીજી પાયલબેન તેજસભાઇ રત્‍નેશ્વર અને મામાજી તેજસભાઇ દિનેશભાઇ રત્‍નેશ્વર મારફત થયા હતાં. તા. ૯/૧૦ના રોજ લગ્ન બાદ મને ઓસ્‍ટ્રેલિયા લઇ ગયા હતાં. ત્‍યાં હું પતિ, સાસુ સોનાલીબેન, સસરા દિપકભાઇ તથા દિયર ીચરાગ વીછીં સાથે સંયુક્‍ત પરિવારમાં રહેતી હતી.

લગ્ન બાદ મને પતિ, સાસુ, સસરા અને દિયર કહેતાં કે તું કરિયાવરમાં કંઇ લાવી નથી, તારા બાપે કરિયાવરમાં કંઇ આપ્‍યું નથી. તારી માએ તને રસોઇ શીખડાવી નથી, ઘરકામ આવડતું નથી એ સહિતના મેણાટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપવા માંડયા હતાં. તેમજ તું અહિ ઓસ્‍ટ્રેલિયા સ્‍થાયી થઇ શકે તેમ નથી, તને પાછી માવતરે મોકલી દેવી છે તેમ કહી ત્રાસ આપવાનું ચાલુ કર્યુ હતું. મારી સાથે ઘરમાં કોઇ વાતચીત પણ કરતાં નહિ. હું ઓસ્‍ટ્રેલિયામાં નોકરીમાં જોડાઇ હતી. મારા પગારમાંથી પતિએ રૂા. ૧૦,૮૨,૨૯૧ લઇ લીધા હતાં.

ત્‍યારપછી તા. ૧૦/૯/૨૨ના રોજ ઓસ્‍ટ્રેલિયાથી મારા દાદજી સાસુના શ્રાધ્‍ધની વિધીમાં મારા સસરા સાથે રાજકોટ આવી હતી. વિધી મારા મામાજી પાયલબેન અને મામાજી તેજસભાઇ રત્‍નેશ્વરના ઘરે રાખી હતી. અહિ મામાજી અને મામીજીએ પણ  તને ઘરનું કોઇ કામકાજ આવડતું નથી, તું બે મહિના પીયર રહી જા, કામકાજ શીખીને પછી ઓસ્‍ેટ્રેલિયા જજે તેમ કહેતાં મેં તેમને કહેલુ કે મને ઘરનું બધુ જ કામ આવડે છે અને રસોઇ પણ આવડે છે. આ લોકો ખોટી રીતે મને ત્રાસ આપે છે. આમ કહેતાં મામજી અને મામીજીએ ધમકી આપી હતી કે હવે તારે પિયરમાં જ રોકાવું પડશે, નહિ રોકાય તો જાનથી મારી નાખશું.

મામીજીએ મારા સસરાને ચઢામણી કરી બે દિવસ ુધી તેના ઘરે જ રાખી હતી અને મારો મોબાઇલ ફોન પણ છીનવી લીધો હતો. મારા પરિવારજનો સાથે વાત પણ કરવા દીધી નહોતી. એ પછી મારા સસરા મને મુકીને ઓસ્‍ટ્રેલિયા જતાં રહ્યા હતાં. ત્‍યારથી એટલે કે છેલ્લા બે મહિનાથી હું પિયરમાં રહુ છું. પતિને ફોન કરુ તો ઉપાડતાં નથી અને મારા મેસેજનો જવાબ પણ આપતા નથી. મને ત્રાસ આપી તરછોડી દેવામાં આવી હોઇ જેથી ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં રિધ્‍ધીબેને જણાવતાં પીઆઇ બી. એમ. ઝણકાતે ગુનો દાખલ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:11 pm IST)