Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

રાજકોટ સહિત સમગ્ર દેશમાં આજે રાષ્‍ટ્રીય મતદાતા દિવસની ઉજવણી : ચૂંટણી પંચ દ્વારા ‘મે ભારત હું' ગીત લોન્‍ચ

સ્‍વીપ દ્વારા ૧૬૦૦ સ્‍કૂલ અને ૯૦ કોલેજોમાં ચૂંટણી સાક્ષરતા કલબની સ્‍થાપના

રાજકોટ તા. ૨૫ : ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્‍હીની સ્‍થાપના વર્ષ ૧૯૫૦ માં ૨૫ જાન્‍યુઆરીના રોજ કરવામાં આવી હતી. ચૂંટણી પંચના સ્‍થાપના દિવસ નિમિત્તે ૨૫ જાન્‍યુઆરી, ૨૦૧૧ના રોજ તત્‍કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ'ની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ‘મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્‍ય મતદાન કરીશ' આ થીમ સાથે સમગ્ર ભારતમાં તેરમા (૧૩)માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી થશે. આ ઉજવણીના ભાગરૂપે ભારતીય ચૂંટણી પંચ દ્વારા ‘મેં ભારત હું' ગીત પણ લોંચ કરવામાં આવશે.

આ ઉજવણીનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો છે. આ ઉજવણી થકી નવા મતદારોને પ્રોત્‍સાહિત કરવાની સાથે જરૂરી સુવિધાઓ આપી મહત્તમ નોંધણી કરાવવામાં આવશે. કોઈ પણ લોકશાહી દેશમાં સરકાર રચવામાં મતદારો સૌથી મોટી અને સૌથી મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવતાં હોય છે. મતદારો અનન્‍ય લોકશાહીનો પાયો છે. પોતાના અમૂલ્‍ય મતથી કોઈ પણ પક્ષને પાંચ વર્ષ માટે સત્તા પર લાવતા મતદારો ભારતીય બંધારણ મુજબ દેશ અને રાજયના વિકાસ માટે જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવે છે.

મતદાર યાદીમાં નોંધણી એ એક સ્‍વૈચ્‍છિક પ્રક્રિયા છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર દેશ એવા ભારતમાં મતદાન કરવા પરત્‍વે લોકો જાગૃત થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્‍પલાઈન એપ સહિતની વિવિધ એપ્‍લીકેશન, મતદાર હેલ્‍પ લાઇન ૧૯૫૦ ની સેવાઓ શરૂ કરવામાં આવી છે. મતદારયાદીને સ્‍વચ્‍છ અને પારદર્શી બનાવવા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારોના ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવે તે જરૂરી છે. મતદાન બુથ, મોબાઈલ ફોન, એસ.એમ.એસ. ચૂંટણી પંચના પોર્ટલ દ્વારા પણ આધારકાર્ડ લિંક કરી શકાય છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ ‘સ્‍વીપ' દ્વારા મતદારો માટે મતદાન જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમો થકી જાગૃતતા લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. સ્‍વીપ નોડલ અધિકારી બી. એસ. કૈલાના જણાવ્‍યાનુસાર, રાજકોટ જિલ્લામાં ‘સ્‍વીપ' અંતર્ગત ૧૬૦૦ થી વધુ શાળાઓ અને ૯૦થી વધુ કોલેજોમાં ચૂંટણીલક્ષી સાક્ષરતા ક્‍લબ (ELC)ની સ્‍થાપના દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો, કોલેજોમાં નવા મતદારોને જાગૃત કરી નોધણી કરાવવી, બાળકો માટે ચિત્ર, રંગોળી, પોસ્‍ટર સહીતની વિવિધ સ્‍પર્ધાઓ, બાળકોની મદદથી મોકપોલની પ્રવૃતિ, વાલીઓ દ્વારા મતદાન કરવા માટેના સંકલ્‍પ પત્રો, સામાજિક સંસ્‍થાઓની મદદથી મતદાન જાગૃતિ અંતર્ગત રેલીઓ અને સભાઓના આયોજન સહિતની મુખ્‍યત્‍વે કામગીરી કરવામાં આવે છે.

(1:23 pm IST)