Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

લક્ષ્મીવાડીના અમિતે મહાપાલિકાના આવાસ ક્‍વાર્ટર અપાવી દેવાના નામે લોકોને છેતર્યા

મહાનગર પાલિકામાં સાહેબ ઓળખે છે, તમને ક્‍વાર્ટર લગાડી દઇશ...કહી નાણા મેળવી પહોંચ પણ આપી દીધી : એલઆઇસી એજન્‍ટ યુવાન રવિશંકર ગોૈતમ ઢેબર રોડ પર ચા પીવા ઉભો રહ્યો ત્‍યારે ઓળખાણ થઇ તેનો ગેરફાયદો ઉઠાવ્‍યોઃ ફોર્મ ભર્યાની પહોંચ આપી તેમાં મહાપાલિકોનો સિક્કો ખોટોઃ ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધી સકંજામાં લીધોઃ અનેકને છેતર્યાની શંકાએ તપાસ

રાજકોટ તા. ૨૫ : શહેરમાં મહાનગર પાલિકા દ્વારા સરકારી આવાસની યોજનાઓ સમયાંતરે બહાર પડતી હોય છે. ઘણીવાર આવી યોજનાઓના નામે ફોર્મ ભરાવી અમુક લેભાગુ ક્‍વાર્ટર મેળવવા ઇચ્‍છુકોને છેતરી લેતાં હોય છે. શહેરના એક એલઆઇસી એજન્‍ટ સાથે આવી જ છેતરપીંડી થઇ છે. લક્ષ્મીવાડીના શખ્‍સે એલઆઇસી એજન્‍ટને પોતાને આર.એમ.સી.માં સાહેબ ઓળખે છે, ક્‍વાર્ટર લગાડી દેશે તેમ કહી ફોર્મ ભરાવી તેના ત્રણ કટકે ૯૦ હજાર મેળવી લઇ પહોંચ પણ આપી દીધી હતી. પરંતુ બાદમાં ક્‍વાર્ટર અપાવવા કોઇ કાર્યવાહી ન કરતાં એલઆઇસી એજન્‍ટે તપાસ કરતાં પહોંચમાં રાજકોટ મહાનગરપાલિકાનો સિક્કો ખોટો હોઇ છેતરાઇ ગયાની જાણ થઇ હતી. પોલીસે આ ગઠીયાને સકંજામાં લઇ તપાસ શરૂ કરતાં અન્‍ય ત્રણ-ચાર લોકો પણ છેતરાયાનું સામે આવ્‍યું છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે ગોકુલધામ સોસાયટીના ગેઇટ નજીક ગીતાંજલી સોસાયટી-૩માં ભાડેથી રહેતાં  અને એલઆઇસી ઓફિસમાં ટેમ્‍પરરી વિમા એજન્‍ટ તરીકે બે વર્ષથી નોકરી કરતાં મુળ યુપીના આઝમગઢના ચોૈબાહા ગામના રવિશંકર સુરેશકુમાર ગોૈતમ (ઉ.વ.૨૭)ની ફરિયાદને આધારે લક્ષ્મીવાડીમાં રહેતાં અમિત ભાવસીંગભાઇ ચોૈહાણ વિરૂધ્‍ધ બોગસ દસ્‍તાવેજો ઉભા કરી ઠગાઇ કરવાનો ગુનો નોંધી તેને સકંજામાં લેવા તજવીજ આદરી છે.

રવિશંકર ગોૈતમે જણાવ્‍યું છે કે મારે રાજકોટમાં રહેવા માટે ઘરનું ઘર ન હોઇ સરકારી આવાસ ક્‍વાર્ટરમાં મકાન મળી જાય તે માટે તપાસ કરતો હતો. એ દરમિયાન અઢી મહિના પહેલા હું એલઆઇસી વિમાના કસ્‍ટમર શોધવા અલગ અલગ જગ્‍યાએ ફરતો હતો ત્‍યારે ઢેબર રોડ મધુરમ્‌ હોસ્‍પિટલના ખુણા પાસે ચાની લારીએ મને એક વ્‍યક્‍તિ મળેલ. વાતચીતમાં તેણે પોતાનું નામ અમિત ચોૈહાણ જણાવ્‍યું હતું. તે વખતે મેં થોડી ઓળખાણ કેળવી તેને કહેલું કે સસ્‍તામાં કોઇ સરકારી ક્‍વાર્ટર મળી જાય તો મને જાણ કરજો. આથી અમિતે કહેલું કે મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં મારે એક સાહેબ ઓળખીતા છે. તમને સોરઠીયાવાડી સર્કલથી આગળ બાલાજી પંપ પાછળ નવા આવાસ ક્‍વાર્ટર બને છે તેમાં એક ક્‍વાર્ટર લગાડી દઇશ. પણ આ માટે થોડો ખર્ચો થશે. મેં અમિતને કેટલો ખર્ચો થાય? તેમ પુછતાં તેણે ૪ાા લાખ ટોટલ થાય અને તેમાં ૯૦ હજાર પહેલા આપવા પડે બાકીના બેંકમાંથી લોન થઇ જાય.

આ વાતચીત બાદ મેં અમિતના ફોન નંબર લીધા હતાં અને મારા નંબર તેને આપ્‍યા હતાં. એ પછી ૩૦/૧૧/૨૨ના અમિતે મને ફોન કરી મધુરમ હોસ્‍પિટલ પાસે ચાની લારીએ જેટલા પૈસા હોય એટલા લઇને આવવાનું કહેતાં મારી પાસે ૩૦ હજાર હોય હું ત્‍યાં આ રકમ લઇને ગયો હતો. આ રકમ તેણે મારી પાસેથી લઇને રાજકોટ મહાનગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા લોકોને આપવાના થતાં ક્‍વાર્ટરનું ફોર્મ મારી પાસે ભરાવ્‍યું હતું અને તેની સામે મને રસીદ પણ આપી હતી. ફોર્મ સ્‍વીકારનાર તરીકે અમિતે પોતાની સહી કરી હતી. તેમજ બાકીના રૂપિયા જલ્‍દી પુરા કરવા પડશે તેમ મને કહ્યું હતું.

ત્‍યારબાદ મેં અમિતને ૩૦ હજાર તા. ૫/૧૨ના રોજ આપ્‍યા હતાં. તે વખતે તેણે પોતે ૫/૧/૨૩ના રોજ દસ્‍તાવેજ કરી આપશે તેમ કહ્યું હતું. ૫મીએ મેં તેને વધુ ૩૦ હજાર આપ્‍યા ત્‍યારે તેણે કહેલું કે તમારો છેલ્લો હપ્‍તો મળી કુલ ૯૦ હજાર જમા થઇ ગયા છે અને હવે બાકીની લોન પણ આગામી સમયમાં આવી જશે. પરંતુ દિવસો વિતી જવા છતાં અમિત દસ્‍તાવેજ બાબતે, ક્‍વાર્ટર બાબતે કે લોન માટે કંઇ કરતો ન હોઇ તેને વારંવાર પુછવા છતાં તે તમારો દસ્‍તાવેજ થઇ જશે તેવી વાતો કતો રહેતો હતો.

પરંતુ મને શંકા જતાં મેં મારી રીતે તપાસ કરતાં ખબર પડી હતી કે જે લોકો સરકારી ક્‍વાર્ટર માટે ફોર્મ ભરે છે તેને જે પહોંચ અપાય છે તેમાં આર.એમ.સી. તરફથી અપાતી પહોંચમાં રાઉન્‍ડ શીલ હોય છે. મને અમિતે આપેલી પહોંચમાં આવુ કોઇ રાઉન્‍ડ શીલ-સ્‍ટેમ્‍પ ન હોઇ મેં આર.એમ.સી.માં જઇને તપાસ કરાવતાં પહોંચ ખોટી હોવાનું જણાવાતાં હું છેતરાઇ ગયાની ખબર પડી હતી. એ પછી મેં અમિતને ફોન કર્યો હતો અને મારા પૈસા પાછા આપી દેવા તેમજ રૂબરૂ મળીને પણ મારી રકમ પાછી આપી દેવા કહ્યું હતું. પરંતુ તે રકમ આપતો ન હોઇ અંતે પોલીસને જાણ કરી હતી.

અમિતે ખોટુ ત્રાગુ રચી મારી પાસે ફોર્મ ભરાવડાવી ખોટી પહોંચ કોઇપણ રીતે બનાવી મને આપી દીધી હતી. તેમજ ફોર્મ સ્‍વીકારનાર તરીકે પણ પોતાની સહી કરી દઇ છેતરપીંડી કરી હતી. તેણે મને જે પહોંચ આપી તેમાં પણ રાજકોટ મહાનગર પાલિકાનો ખોટો સ્‍ક્કિો લગાડી દીધો હોઇ મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં ભોગ બનેલા રવિશંકર ગોૈતમે જણાવતાં પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં નિલેષભાઇ મકવાણા, ભગીરથસિંહ ચુડાસમાએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે. હાલ તો એક કિસ્‍સામાં ગુનો દાખલ થયો છે. પરંતુ આ શખ્‍સે ક્‍વાર્ટર અપાવી દેવાના નામે અનેક લોકોને છેતર્યા હોવાની શક્‍યતા હોઇ અને ત્રણ-ચાર લોકો બીજા પણ મળી આવ્‍યા હોઇ છેતરાયેલાનો આંક વધવાની શક્‍યતા છે. તેણે પહોંચમાં ‘રાજકોટ મહાનગર પાલિકા'નો અંગ્રેજીમાં સિક્કો લગાડયો હોઇ તે જાતે અક્ષરો ભેગા કરીને બનાવ્‍યાનું રટણ કર્યુ છે.

(3:16 pm IST)