Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ધનંજય ક્રેડિટ સોસાયટીનું વધુ એક ૩૦ લાખનું કોૈભાંડ

યાર્ડમાં બકાલુ વેંચતા રાજેશભાઇ કુકડીયાએ પોતાના સંપર્કમાં આવેલા ધનંજય નાગરકિ ક્રેડિટ સોસાયટીના એજન્‍ટ મયુર પાંભરે રોકાણ પર વાર્ષિક ૬.૨૫ટકા વ્‍યાજની લાલચ આપતાં રાજેશભાઇએ રોજના ૧૧૦૦ લેખે ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી નાણા ભર્યાઃ પણ છેલ્લે પેઢી ઉઠી જતાં મરણ મુડી ગુમાવી દીધી : અગાઉ મુખ્‍ય સંચાલક ઘનશ્‍યામ પાંભરે ૩૦ લાખની સામે ત્રણ દૂકાનો આપશે તેવી ખાત્રી આપતાં ત્‍યારે ફરિયાદ ન નોંધાવાઇઃ એ પછી રાજેશભાઇનું અકસ્‍માતમાં મૃત્‍યુ થયા બાદ પણ એજન્‍ટ મયુર સહિતનાએ નાણા પરત ના આપ્‍યાઃ અંતે રાજેશભાઇના પત્‍નિએ બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી : અગાઉ ઘનશ્‍યામ પાંભર સહિતના વિરૂધ્‍ધ તાલુકા પોલીસમાં ૪ કરોડની ઠગાઇનો ગુનો નોંધાયો હતો

રાજકોટ તા. ૨૫: નાના મવા રોડ પર ચાલીસ ફુટ રોડ સાંકેત પાર્કમાં શ્રીરાજ રેસિડેન્‍સીના ગેઇટ સામે આવેલી શ્રીધનંજય નાગરિક ક્રેડિટ કો.ઓપ. સોસાયટી લી.ના સંચાલકો વિરૂધ્‍ધ અગાઉ તાલુકા પોલીસમાં ચારેક કરોડની છેતરપીંડીનો ગુનો નોંધાયા બાદ વધુ એક ૩૦ લાખની ઠગાઇનો મામલો સામે આવતાં બી-ડિવીઝન પોલીસે આ અંગે માર્કેટ યાર્ડ નજીક હુડકો ક્‍વાર્ટર ખોડિયાર મંદિર પાસે રહેતાં વિધવા મહિલા મંજુલાબેન રાજેશભાઇ કુકડીયા (ઉ.વ.૩૫)ની ફરિયાદ નોંધી છે. તેમના પતિને રોકાણ પર વાર્ષિક ૬.૨૫ ટકા વ્‍યાજની લાલચ અપાતાં તેમણે મરણ મુડી સમાન ૩૦ લાખનું રોકાણ કર્યુ હતું. પરંતુ બાદમાં પેઢી ઉઠી ગઇ હતી.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે મંજુલાબેન કુકડીયાની ફરિયાદને આધારે ધનંજય ક્રેડિટ સોસાયટીના એજન્‍ટ મયુર પાંભર, તેના ભાગીદાર ઘનશ્‍યામ પાંભર, મિલન, પરેશ અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૧૪, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્‍યો છે. મંજુલાબેને પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું સાસુ-સસરાની સાથે રહુ છું, મારે બે સંતાન છે. મારા પતિ ૯/૭/૨૨ના રોજ અકસ્‍માતમાં ગુજરી ગયા છે. અગામાઉ મારા પતિ માર્કેટ યાર્ડમાં વિજયભાઇ સોલંકી ભાગમાં બકાલાનો ધંધો કરતાં હતાં. તે વખતે ધનંજય ક્રેડિટનો એજન્‍ટ મયુર પાંભર મારા પતિના સંપર્કમાં આવ્‍યો હતો. મયુરે ત્‍યારે કહેલું કે નાના મવા રોડ પર બેસતી આ ક્રેડિટ સોસાયટીનો પોતે એજન્‍ટ છે અને દૈનિક બચ યોજનામાં રોકાણ કરવાથી દર વર્ષે ૬.૨૫ ટકા વ્‍યાજ મળે છે. મારા પતિને આ યોજનામાં વિશ્વાસ બેસતાં તેમણે રોજના રૂા. ૧૧૦૦ લેખે દૈનિક બચત યોજના ચાલુ કરાવી હતી. તેમની બચત યોજનાની ડાયરી તા. ૧/૧/૧૬થી શરૂ થઇ હતી. જેમાંમારા પતિએ ૨૦૨૦ સુધી બચત કરી હતી. ત્‍યારબાદ મયુર પાંભરે મારા પતિને ત્રણ ચેક આપ્‍યા હતાં. જેમાં એક ૧૬ લાખનો, બીજો ૯ લાખનો અને ત્રીજો ૩ લાખનો હતો.

આ ત્રણેય ચેક મયુરે મારા પતિને આપ્‍યા હતાં. તેમજ રોકડા ૨ લાખ પણ મારા પતિએ મયુરને આપ્‍યા હતાં. તેનું કોઇ લખાણ અમારી પાસે નથી. ૩૦ લાખના ચેક મારા પતિએ બેંક એકાઉન્‍ટમાં નાખતાં તે બાઉન્‍સ થઇ ગયા હતાં. એ પછી મારા પતિને મયુર પાંભર જ્‍યારે મળતો ત્‍યારે કહેતો હતો કે ધનંજય પેઢી ઉઠી ગઇ છે. તેમાં ગામના ઘણા લોકોના રૂપિયા બ્‍લોક થઇ ગયા છે. હું આ પેઢીમાંથી નીકળી ગયો છું. પેઢીના ઘનશ્‍યામ પાંભર અને તેના પાર્ટનરો ઉઠી ગયા છે અને તાલુકા પોલીસમાં ફરિયાદ પણ થઇ છે. જે તે વખતે આ પેઢીના મુખ્‍ય એવા ઘનશ્‍યામ પાંભરે મારા પતિને રૂપિયાના બદલામાં જસદણમાં ત્રણ દૂકાન આપશે તેવી ખાત્રી આપતાં અમે ફરિયાદ નોંધાવી નહોતી.

પરંતુ બાદમાં તા. ૯/૭/૨૨ના રોજ મારા પતિનું ધ્રોલના જાયવા ગામના પાટીયા પાસે વાહન અકસ્‍માતમાં મૃત્‍યુ થયું હતું.   એ પછી અમે ઘનશ્‍યામ પાંભરનો સતત સંપર્ક કર્યો હતો. પણ તે ફોન ઉપાડતાં નથી. મયુર પાંભર પણ અમારા રૂપિયા અમને અપાવી દેશે તેવું કહેતો રહે છે પણ રૂપિયા અમને મળ્‍યા નથી. પેઢીમાં મયુર, ઘનશ્‍યામ સાથે મિલન, પરેશ સહિતના પાર્ટનર છે. આ બધાએ મળી મારા પતિએ દૈનક બચત પેટે જમા કરાવેલી રકમના ૩૦ લાખ ડુબાડી દીધા છે. જે અમને પરત મળ્‍યા ન હોઇ ફરિયાદ નોંધાવવી પડી છે. તેમ વિધવા મહિલા મંજુલાબેને જણાવતાં બી-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ, હિતેષભાઇ ગઢવીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:23 pm IST)