Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

કોર્પોરેશન ચૂંટણીમા ઉમેદવારોને ૧ મહિનામાં ખર્ચના હિસાબો રજૂ કરવાના રહેશેઃ તમામને નોટીસ ફટકારાશે

સભા-સરઘસ સહિત તમામ બાબતોનું વિડીયો શૂટીંગ થયું છે...હિસાબમાં બધુ આવરી લેવાશે

રાજકોટ, તા. ૨૫ :. કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવારો અને અન્ય પક્ષના ઉમેદવારોએ માત્ર ૧ વખત જ પોતે કરેલા ખર્ચના હિસાબો રજૂ કર્યા છે. આ બાબતે કલેકટરશ્રી રેમ્યા મોહને ઉમેર્યુ હતુ કે ચૂંટણી-મતગણતરી પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારોએ ૧ મહિનામાં હિસાબો રજૂ કરવાના હોય છે.

રાજ્ય ચૂંટણી પંચે આ માટે ખર્ચના ઓબ્ઝર્વર તરીકે શ્રી આર.આઈ. પટેલની નિમણૂંક કરી છે. તેઓ દ્વારા કાર્યવાહી થશે. ખર્ચના હિસાબો રજૂ કરવા અંગે તમામને નોટીસો આપી બોલાવાશે. દરેક પક્ષને મંડપ, સ્ટેજ, ભોજન, ખુરશી વિગેરે તમામ બાબતોના ભાવો ફાઈનલ કરી આપી દેવાયા છે. કલેકટરે જણાવેલ કે રાજકોટમાં પ્રચાર દરમિયાન દરેક પક્ષોની સભા-સરઘસ સહિત તમામ બાબતોનું વિડીયો શૂટીંગ પણ થયું છે, હિસાબોમાં બધુ આવરી લેવાશે. ઓબ્ઝર્વરથી મદદ માટે દરેક આર.ઓ.માં એક એક ટ્રેઝરી અધિકારી ઉપરાંત ઈન્કમટેક્ષ-જીએસટીમાંથી પણ અધિકારીની નિમણૂંક કરાઈ છે.

(3:09 pm IST)