Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

સિવિલની ૭ નંબરની ઓપીડીનું એકસ રે મશીન બંધ થતાં અંધાધુંધીઃ દર્દીઓને કલાકો સુધી હેરાન પરેશાન થવું પડ્યું

સાત નંબરની ઓપીડીના દર્દીઓને ૨૧ નંબર અને ટ્રોમાના એકસ રે રૂમમાં મોકલવા પડ્યા

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં ૭ નંબરની ઓપીડીનું એકસ રે મશીન આજે સવારે એકાએક બંધ પડી જતાં અહિથી મોટી સંખ્યામાં એકસ રે પડાવવા માટે દર્દીઓને હોસ્પિટલ પોલીસ ચોકી પાસેના ૨૧ નંબરમાં આવેલા એકસ રે રૂમમાં તથા ટ્રોમા કેર સેન્ટરના એકસ રે રૂમમાં ખસેડવા પડ્યા હતાં. બંને એકસ રે રૂમમાં દર્દીઓની લાંબી કતારો જામી ગઇ હતી. એક એક કલાકે વારો આવ્યો હતો. દર્દીઓ અને તેના સગાને આ કારણે હેરાન થવું પડ્યું હતું. નવું એકસ રે મશીન કે જે ૭ નંબરની ઓપીડીમાં મુકવાનું છે તે આવી ગયેલું છે. પરંતુ હાલમાં અહિ જગ્યાનો અભાવ હોઇ મશીન મુકી શકાય તેમ નથી. વળી જે મશીન ખરાબ થઇ ગયું છે તેના ટેકનીશીયનને અમદાવાદથી બોલાવવા પડે તેમ છે. તસ્વીરમાં એકસ રે માટે કતારમાં ઉભેલા દર્દીઓ અને તેમના સગા જોઇ શકાય છે.

(3:17 pm IST)