Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

સતત બીજા દિવસે આવાસ યોજના વિભાગની કાર્યવાહી : રેલનગરમાં વધુ ર ફલેટને તાળા

ગઇકાલે પણ કવિકલાપી આવાસ યોજનામાં પાંચ ફલેટને સીલ કરાયેલ : ઝાંસીની રાણી ટાઉનશીપમાં એફ અને એચ વિંગમાં ભાડુઆત મળતા તંત્ર દ્વારા પગલા લેવાયા

રાજકોટ, તા. રપ :  મનપાના આવાસ યોજના વિભાગ દ્વારા સતત બીજા દિવસે આવાસ યોજનાની ટાઉનશીપમાં દરોડા પાડવામાં આવ્‍યા હતા. જેમાં બે ભાડે અપાયેલ આવાસોને સીલ કરવામાં આવ્‍યા હતા.

શહેરમાં રેલનગર વિસ્‍તારમાં આવેલ ઝાંસીની રાણી ટાઉનશીપમાં સવારમાં જ આવાસ યોજના વિભાગની ટીમ ત્રાટકી હતી અને ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હતું. રાજય અને કેન્‍દ્ર સરકારના સહયોગથી મનપા દ્વારા ગરીબ અને મધ્‍યમ વર્ગના લોકો માટે ઘરનું ઘર હોય તે સ્‍વપ્‍ન પુરૂ કરવા વિવિધ વિસ્‍તારોમાં ટાઉનશીપ બનાવી તેની ડ્રોના આધારે લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી છે.

આ આવાસ યોજનામાં લાભાર્થી પોતે જ રહી શકે છે કોઇને ૭ વર્ષ સુધી આવાસ ભાડે આપી નથી શકાતુ કે વેંચી પણ નથી શકાતુ તેમ છતાં ઘણા લાભાર્થીઓ દ્વારા ફલેટ કે આવાસને ભાડે દેવામાં આવતા હોવાની ફરીયાદો ઉઠતા તંત્ર દ્વારા ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્‍યમંત્રી આવાસ યોજના અંતર્ગત પોપટપરા, રેલનગર વિસ્‍તારમાં ઝાંસીની રાણી ટાઉનશીપ બનાવવામાં આવેલ છે. જેમાં ભાડુઆત અંગેનું ચેકિંગ કરવામાં આવતા F-22 અને H-32 નંબરના આવાસોમાં મૂળ લાભાર્થીના સ્‍થાને અન્‍ય વ્‍યક્‍તિઓ રહેતા માલુમ પડેલ હોવાથી નોટીસો આપવામાં આવેલ હતી. જેથી મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાની સુચના અન્‍વયે નાયબ કમિશનર એ. આર. સિંહના માર્ગદર્શન હેઠળ આજ તા. ૨૫ રોજ આ બંને આવાસો સીલ કરવામાં આવ્‍યા હતા. આ કામ આવાસ ટીમ દ્વારા વિજીલન્‍સ ટીમ સાથે રાખીને સીલ મારવામાં આવેલ છે.

(4:43 pm IST)