Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

પેડક રોડ ખાદી ગ્રામોદ્યોગ કવાર્ટરમાં વૃધ્ધ ઉકાભાઇને દોહિત્ર ભાવેશે ફટકાર્યા

માતા-પિતાના મૃત્યુ બાદ બેંકમાં જમા થયેલા પૈસા બાબતે ઝઘડો

રાજકોટ તા. ૨૫: પેડક રોડ પર ખાદી ગ્રામોદ્યોગ મંદિર અંદર કવાર્ટરમાં રહેતાં ઉકાભાઇ દેવાભાઇ મકવાણા (ઉ.વ.૯૫) નામના વૃધ્ધને તેની દિકરીના દિકરા દોહિત્ર ભાવેશે આવી પ્લાસ્ટીકના પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

ઉકાભાઇ હાલમાં તેમના જમાઇ કાનજીભાઇ પરમાર અને દિકરી જયાબેન પરમાર સાથે રહે છે. ભાવેશ એ તેમની દિકરી સવિતાબેનનો દિકરો છે. ભાવેશના માતા સવિતાબેન સરકારી નોકરી કરતાં હતાં. તેમનું કોરોનાથી અવસાન થયા પછી પૈસા આવ્યા હોઇ એ રકમ હાલમાં બેંકમાં જમા છે. આ રકમ લેવા માટે ભાવેશ નાના ઉકાભાઇની ઘરે આવ્યો હતો અને ઝઘડો શરૂ કર્યો હતો. ત્યારે માસા કાનજીભાઇ અને માસી જયાબેને તને તારા પૈસા મળી જશે તેમ વાત કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને નાના ઉકાભાઇ સાથે મારા મારી કરી ભાગી ગયો હતો. તેમ કાનજીભાઇએ જણાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)