Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ગાંધીગ્રામ ભારતીનગરમાં કલ્પનાબેન ત્રિવેદી પર પાડોશી પિતા-પુત્રનો હુમલો

શાકભાજી લેવા જવા માટે એપાર્ટમેન્ટના ગેઇટ પાસે ઉભા'તા ત્યારે વત્સલે એકટીવાની ટક્કર મારતાં ધ્યાન રાખવાનું કહેતાં પિતા સાથે મળી તૂટી પડ્યો

રાજકોટ તા. ૨૫: ગાંધીગ્રામ ભારતીનગરમાં મિલન કોમ્પલેક્ષમાં ત્રીજા માળે રહેતાં કલ્પનાબેન કિરીટભાઇ ત્રિવેદી (ઉ.વ.૫૨)ને કોમ્પલેક્ષના ગેઇટ પાસે હતાં ત્યારે પહેલા માળે રહેતાં વત્સલ ભાટીયા અને તેના પિતા વિનુભાઇ સહિતે મળી ઢીકાપાટુનો બેફામ માર મારી માથામાં પાણાથી ઇજા કરતાં લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. કલ્પનાબેનના કહેવા મુજબ ગત સાંજે વરસાદ બંધ થતાં પોતે શાકભાજી લેવા જવા માટે નીકળ્યા હતાં. આ વખતે એપાર્ટમેન્ટના ગેઇટ પાસે ઉભા હતાં તે વખતે વત્સલ એકટીવા લઇને આવ્યો હતો અને ટક્કર મારી દીધી હતી. આથી તેને ધ્યાન રાખવાનું કહેતાં તે જેમ તેમ બોલવા માંડ્યો હતો અને ઝઘડો કરી મારામારી શરૂ કરી દીધી હતી. એ પછી તેના પિતા પણ આવી ગયા હતાં અને બંનેએ મળી મારકુટ કરી પથ્થર ફટકારી ઇજા કરી હતી. પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:51 pm IST)