Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સીન્ડીકેટ કે સમરાગણઃ કાલરીયા - ભીમાણી વચ્ચે બઘડાટી

છેલ્લા ૨૧ વર્ષથી સીન્ડીકેટમાં કાર્યરત ભીમાણીને પ્રથમવાર સીન્ડીકેટમાં આવેલા કાલરીયાએ લલકાર્યા : કાલરીયાને કોનું પીઠબળ?... ઓમ કોલેજના સ્થળ ટ્રાન્સફરનો વિવાદ વકરતા હાલ પુરતો મોકૂફ : કુલપતિ - કુલનાયક કરતા અધિકારીઓ સર્વોચ્ચ સત્તાધીશ થયા : પ્રથમ સીન્ડીકેટમાં જ અનેક સભ્યોએ પરસ્પર દાવ લઈ લીધો

રાજકોટ, તા. ૨૫ : અગાઉ એ ગ્રેડથી પ્રકાશિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ બી ગ્રેડથી સંતોષ માની રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સર્વોચ્ચ સત્તામંડળ ધંધાદારી  શિક્ષણકારોના હાથમાં આવી ગયુ હોય તેમ શિક્ષણ અને પદવીની વિશ્વસનીયતા વધારવાને બદલે પોતાની ખાનગી કોલેજ અને પોતાનું ગ્રુપ જળવાય રહે તેવા એજન્ડાથી ચાલતી હોય છે. ગઈકાલે આગામી ૩ વર્ષની મુદતવાળી સીન્ડીકેટની પ્રથમ બેઠકમાં જ કોઈ હકારાત્મક વિચારધારાને અનુસરવાને બદલે પરસ્પર બદલો લીધાની વાતે પૂર્ણ થઈ હતી.

ગઈકાલે મળેલી સીન્ડીકેટની પ્રથમ બેઠકમાં નેક કમીટીએ લાખો રૂપિયાનું આંધણ છતાં બી ગ્રેડ મળવા પાછળ કોઈ ગંભીર ચર્ચા કરવાને બદલે દોષારોપણ થયુ હતું. કુલપતિ નીતિન પેથાણી અને કુલનાયક વિજય દેસાણી વચ્ચે ચાલતા આંતરયુદ્ધમાં સમગ્ર યુનિવર્સિટીની કમાન અધિકારીઓએ સંભાળી હોય તેવું ચિત્ર ઉપસ્યુ છે. કેટલાક સીન્ડીકેટ સભ્યોએ કુલપતિ પેથાણી અને કુલનાયક દેસાણીનો અધિકારી અને વહીવટી - કર્મચારી ઉપર કોઈ અંકુશ ન હોવાનું ખુલ્લેઆમ જણાવ્યુ હતું.

રાજકોટની ઓમ કોલેજને સ્થળ ટ્રાન્સફર કરવાના ભાજપ અગ્રણીઓની અને યુનિવર્સિટીના એક સત્તાધીશની અંગત દરખાસ્તને ભારે વિવાદ થતાં હાલ પુરતુ મુલત્વી રાખવામાં આવ્યુ છે. રાજકોટની ઓમ કોલેજને ટ્રાન્સફર કરવા મુદ્દે ભાજપમાં જ ભારે નારાજગી હતી. ઉચ્ચ કક્ષાએ પણ આ દરખાસ્તના ઘેરા પ્રત્યાઘાત પડે તેમ હોય વિવાદ ટાઢો પાડવા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત કોલેજ ખરીદ - વેચાણ સંઘ ચાલુ ન થાય તે માટે હાલ પુરતુ મુલત્વી રાખ્યુ છે. ઓમ કોલેજની સ્થળ ટ્રાન્સફરની અરજી મંજૂર કે નામંજુર પણ થઈ નથી. તે મુદ્દો પણ ખૂબ સુચક ગણાય છે. જે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.

એકેડેમીક ઓફીસર ચંદ્રેશ કાનાબારની કામગીરી સામે અને તેના પ્રોબેશન મુદ્દે તમામ અધિકારીઓ એક થઈ જતાં અને માટી અને બાંધકામમાં કહેવાતી ગેરરીતિમાં પણ અધિકારીઓએ તેમનું ધાર્યુ કરાવ્યુ હોવાનું સાબિત કરી કુલપતિ અને કુલનાયકને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા હતા.

૨૦૨૧થી ૨૦૨૪ની મુદ્દતવાળી સીન્ડીકેટમાં આ વખતે ભાજપ - કોંગ્રેસે કોરોનાની તીવ્ર મહામારીના સમયમાં ભાગબટાઈ કરીને બે સીટ કોંગ્રેસને અને અન્ય ૭ સીટ ભાજપને ફાળે આવી હતી. આ વખતે તમામ બેઠકો બીનહરીફ થઈ છે.

પ્રિન્સીપાલ વિભાગની બેઠકમાં ૧૮ વર્ષથી વિજેતા થતાં કડવા પાટીદાર વિજય ભટાસણાની વર્ચસ્વવાળી બેઠક ઉપર ભાજપે તે જ જૂથના કડવા પાટીદાર રાજેશ કાલરીયાની પસંદગી કરીને વિજય બનાવ્યા છે.

ગઈકાલે સીન્ડીકેટમાં જાણે શ્રી રાજેશ કાલરીયા પહેલેથી જ ખૂબ આગબબુલા બનીને આવ્યા હોય જે તેના મુળભૂત સ્વભાવની વિરૂદ્ધ હતા. સામાન્ય રીતે વ્યવહારૂ - નીતિ અને મૂલ્યોની વાતો કરતાં  શ્રી રાજેશ કાલરીયાએ તેની કારકિર્દીની પ્રથમ સીન્ડીકેટના પ્રથમ કલાકમાં જ ૨૧ વર્ષ જૂના પીઢ અનુભવી સીન્ડીકેટ સભ્ય ગીરીશ ભીમાણીને બરોબરના લલકાર્યા હતા. લગભગ ૭ મિનિટ સુધીની બઘડાટીમાં બંનેએ એકબીજા ઉપર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરવાનું બાકી રાખ્યુ ન હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા, આઈકયુએસી, સીન્ડીકેટ, એકેડેમીક કાઉન્સીલ સહિતની બાબતોમાં દરરોજ કલાકો સુધી કાર્ય કરનાર ગીરીશ ભીમાણીને તેની વાણી ઉપર કાબુ રાખવાનું કાલરીયાએ તેની આગવી સ્ટાઈલથી કહેતા જ ભીમાણીએ પણ તેને તેની જ સ્ટાઈલમાં જોરદાર ઉત્તર વાળતા રાજેશ કાલરીયા સમસમી ગયા હતા અને ઉભા થઈ ઉગ્ર થઈ ગયા હતા. એક તબક્કે રાજેશ કાલરીયાને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતા અન્ય સીન્ડીકેટ સભ્યો જે મનોરંજન માણતા હતા તેઓએ શાંત પાડ્યા હતા.

રાજેશ કાલરીયા અગાઉ સીન્ડીકેટમાં નહિં જ આવે તેવી દોઢ દાયકાથી કરેલા ઉચ્ચારણો પણ આ સીન્ડીકેટમાં ચર્ચાયા હતા. શાંત અને હસમુખા સ્વભાવના રાજેશ કાલરીયાનું ગઈકાલે ઉગ્ર સ્વરૂપ પાછળ કોનું પીઠબળ? કોને વધુ હવા ભરી ? બેઠક બાદ શ્રી કાલરીયા કેમ ઢીલા પડ્યા? કાલરીયાએ શાંત કુકડી કેમ ગાંડી કરી? કાનાબારના પ્રશ્ને કે પછી અગાઉનો જૂનો હિસાબ કાલરીયાએ પૂરો કર્યો? સહિતના મુદ્દે અનેકવિધ ચર્ચા ચાલે છે.

(3:20 pm IST)