Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

પત્નિની અરજી અને પોલીસ સ્ટેશનના ધક્કાથી ત્રાસી થોરખાણના મોહિત રાંકે આજીડેમ બગીચામાં ઝેર પીધું

દોઢેક વર્ષ પહેલા મંદિરમાં લગ્ન કર્યા છેઃ બે મહિનાથી પત્નિ મિનાક્ષી રિસામણે છેઃ મોહિતના ભાઇએ કહ્યું-છુટુ કરવાના લાખો રૂપિયા માંગી ધમકી અપાતાં મોહિત ડરી ગયો

તસ્વીરમાં ઝેર પી લેનાર મોહિત, તેની પત્નિ સાથેનો ફાઇલ ફોટો અને વિગતો જણાવનાર તેના ભાઇ દિનેશભાઇ જોઇ શકાય છે.

રાજકોટ તા. ૨૫: બાબરાના થોરખાણ ગામે રહેતાં મોહિત મનસુખભાઇ રાંક (ઉ.વ.૨૯) નામના પટેલ યુવાને આજે સવારે પોતાના ગામેથી રાજકોટ આવી આજીડેમ બગીચામાં જઇ ઝેર પી લઇ તેના ભાઇને ફોન કરતાં કોઠારીયા ચોકડી પાસે  રહેતાં તેના ભાઇ દિનેશભાઇ રાંકે તુરત જ ત્યાં પહોંચી જઇ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. દિનેશભાઇએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે નાના ભાઇ મોહિતની પત્નિ મિનાક્ષી હાલ ઘંટેશ્વર તેના માવતરે રિસામણે છે. તેણે અરજી કરી હોઇ છેલ્લા આઠ દસ દિવસથી મારા ભાઇને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશને બોલાવવામાં આવતો હતો. પત્નિની કારણ વગરની કનડગત અને સતત રાજકોટના ધક્કાથી કંટાળી જઇ તેણે આ પગલુ ભર્યુ છે.

મોહિતે આજીડેમના બગીચામાં ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં એએસઆઇ વી. બી. સુખાનંદી નિવેદન લેવા રવાના થયા હતાં.  મોહિત બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને ખેતી કરી ગુજરાન ચલાવે છે. દિનેશભાઇએ વિગતો આપતાં કહ્યું હતું કે- મારા ભાઇ મોહિતે પ્રથમ લગ્ન લોધીકાની યુવતિ સાથે કર્યા હતાં. એ તેના લવમેરેજ હતાં. પરંતુ લગ્નના ત્રણ જ દિવસ બાદ બંનેને મનમેળ ન થતાં છુટા પડી ગયા હતાં.

એ પછી આજથી દોઢેક વર્ષ પહેલા મારા ભાઇ મોહિતનો પરિચય ચોટીલાના એક વ્યકિત મારફત ઘંટેશ્વરની મિનાક્ષી સાથે થયો હતો. બંને વચ્ચે ઓળખાણ બાદ પ્રેમ થતાં મંદિરમાં હારતોરા કરી લગ્ન કર્યા હતાં. પરંતુ એ પછી નાની નાની વાતે મોહિત સાથે તેના પત્નિ મિનાક્ષીએ માથાકુટ ચાલુ કરી હતી. મારા ભાઇ મોહિતે દાગીના વેંચીને તેને પૈસા આપ્યા હતાં. થોડો સમય બધુ ઠીક ચાલ્યું હતું. પરંતુ પછી ફરીથી માથાકુટ ચાલુ થઇ હતી.

છેલ્લા બે મહિનાથી મિનાક્ષી તેના માવતરે રાજકોટ આવી ગઇ છે અને તેણે મહિલા પોલીસમાં અરજી કરી છે. આ કારણે પોલીસ છેલ્લા બાર પંદર દિવસથી સતત મારા ભાઇ મોહિતને ફોન કરી બોલાવે છે અને એ દરરોજ રાજકોટના ધક્કા ખાય છે. આજે તેણે રાજકોટ આવી આજીડેમ બગીચામાં જઇ દવા પીધા બાદ મને ફોન કરી હવે મારી રાહ ન જોતાં હું દવા પી લઉ છું તેમ કહેતાં હું ત્યાં પહોંચ્યો હતો અને તેને હોસ્પિટલે ખસેડ્યો હતો.

પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે. મોહિતનો તેની પત્નિ સાથેનો ફોટો ભાઇ દિનેશભાઇ રાંકે આપ્યો હતો. તેના આક્ષેપો અંગે પોલીસ તપાસ કરી રહી છે. તેણે એમ પણ કહ્યું હતું કે મિનાક્ષીના આ ચોથા લગ્ન છે અને મારા ભાઇના બીજા લગ્ન છે. તેની પત્નિ કેસ કરી બધાને ફસાવી દેવાની ધમકી આપતી હોઇ તેનાથી પણ મોહિત કંટાળી ગયો હતો. તેમ દિનેશભાઇએ વધુમાં કહ્યું હતું.

દસ દિવસમાં મને પૈસા પહોંચાડી દેજો, નહિતર બધાય ઢીબાશે!

દિનેશભાઇએ મિનાક્ષી જે રીતે વાત કરે છે તેની ઓડિયો કલીપ પણ રજૂ કરી છે. જેમાં મિનાક્ષી કહે છે કે જો મેં કેસ કર્યો તો તમેય જાશો, તમારા બેન-બનેવી એમ બધાય જાશે. જેટલા લગ્નમાં આવ્યા છે એ બધા જાશે. મને કંઇ ફેર નહિ પડે. તમારાય જાશે અને મારાય જાશે. દસ દિવસમાં તમે ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી મને પહોંચાડી દેજો. નહિતર મેં કેસ કર્યો તો બધાય આમાં ઢીબાશે.

(3:31 pm IST)