Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

રાજકોટમાં વેકસીનના ડોઝની અછત : સાંજે નવો જથ્થો નહી આવે તો કટોકટી

નવા કેમ્પોની મંજુરીને હાલ તુરંત બ્રેક : રસીકરણ કેન્દ્રો વધારાયા પરંતુ અપૂરતા ડોઝને કારણે આજે બપોર પછી રસીકરણની ના પાડવી પડે તેવી સ્થિતિ : હજુ ૩૦મી સુધી કેમ્પના આયોજન છે ઉપરાંત કેન્દ્રમાં આવનારા લોકોની સંખ્યા વધે છે એ હિસાબે દરરોજ ૨૦ હજાર ડોઝની જરૂરત છે : સરકારમાંથી નવા ડોઝ મંગાવવા મેયરના અથાગ પ્રયાસો

રાજકોટ તા. ૨૫ : શહેરમાં કોરોના રસીકરણ ઝડપી બનાવવા તંત્ર વાહકો જબરા પ્રયાસો કરી રહ્યા છે અને હવે સંસ્થાઓ - જ્ઞાતિ મંડળો મારફત કેમ્પ યોજી રહ્યા છે ત્યારે બીજી તરફ આજે એકાએક વેકસીનની જબરી અછત સર્જાતા રસીકરણ કેન્દ્રોમાં ભારે દેકારો બોલી ગયો હતો અને બપોર પછી રસીકરણ કેન્દ્ર બંધ કરવા પડે તેવી સ્ફોટક સ્થિતિ સર્જાતા મેયર સહિતના પદાધિકારીઓ આજે સાંજે જ રાજકોટને વેકસીનનો નવો પુરતો જથ્થો મળી જાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા હતા.

આ અંગેની વિગતો મુજબ રસીકરણ અત્યંત ધીમુ પડી જતા મ.ન.પા.ના તંત્ર વાહકોએ કેમ્પ યોજવાનું શરૂ કર્યું છે પરંતુ હવે આવા કેમ્પ ધડાધડ યોજવા માંડયા. ઉપરાંત સ્પોટ રજીસ્ટ્રેશન વગેરે સુવિધા ઉપલબ્ધ બનતા રસી મુકાવા માટે લોકોની ભીડ જામવા લાગી છેલ્લા બે-ત્રણ દિવસથી ૧૦ હજારથી વધુ લોકોનું વેકસીન થઇ રહ્યું છે.

એટલું જ નહીં રાજ્ય સરકારે પણ વેપારીઓ - ફેરિયાઓ માટે રસીકરણ ફરજીયાતનો નિયમ અમલી બનાવતા તેના હિસાબે પણ રસીકરણ કેન્દ્રો પર લાઇનો લાગી રહી છે તેની સામે છેલ્લા ૭ દિવસથી વેકસીનના ડોઝની અછત વર્તાવા લાગી હતી અને આજે તો સરકારની સુચના મુજબ રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારી ૬૨ કરી દેવાતા દરેક કેન્દ્રમાં ફરી ટોકન સીસ્ટમ અપનાવવી પડી અને ૧ કેન્દ્રમાં માત્ર ૩૫ વ્યકિતનું જ રસીકરણ કરવાનો નિર્ણય લેવો પડયો તેમજ અનેક કેન્દ્રોમાં બપોર પછી રસીકરણ બંધ કરવાની સ્ફોટક સ્થિતિ સર્જાઇ હતી.

આ બધી ધમાલ મેયર પ્રદિપ ડવના ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક સરકારના આરોગ્ય વિભાગના વડા અધિકારીનો સંપર્ક સાધી રાજકોટને આજ સુધીમાં જરૂરીયાત પૂરતી વેકસીનનો જથ્થો ઇમરજન્સીમાં મોકલી આપવા અનુરોધ કર્યો હતો.

આમ, જો સાંજ કે રાત સુધીમાં વેકસીનનો પૂરતો જથ્થો મ.ન.પા.ને નહી ફાળવવામાં આવે તો અનેક રસીકરણ કેન્દ્રોને તાળા લાગી જાય તેવી સ્થિતિ આજે સર્જાઇ હતી.

દરમિયાન ૩૦મી તારીખ સુધી વિવિધ સંસ્થાઓના કેમ્પનું બુકીંગ પણ થઇ ગયું છે તેનો પણ ફિયાસ્કો થાય તેવી સ્થિતિ છે. આથી હવે નવા કેમ્પોની મંજુરીને હાલ તુરંત બ્રેક લગાવી દેવાઇ છે.

વેપારીઓને વેકસીન સર્ટી અથવા નેગેટીવ રીપોર્ટ બતાવવા ચિમકીઓ

સામાકાંઠા વિસ્તારમાં આરોગ્યની ટીમે ચેકીંગ કરી દુકાન સીલ કરવા ચેતવણીઓ આપતા હોબાળો

રાજકોટ : વેપારીઓનું ૧૦૦% વેકસીનેશન થાય તે માટે મ.ન.પા.ના આરોગ્ય વિભાગે વેપારીઓનું ચેકીંગ શરૂ કર્યું છે જે અંતર્ગત સામાકાંઠાના કેટલાક વેપારીઓને વેકસીન મુકાવ્યાનું સર્ટી અથવા નેગેટીવ આર.ટી.પી.સી.આર. રીપોર્ટ બતાવવાનું કહી જો એમ નહી થાય તો દુકાન સીલ કરવા મૌખિક ચેતવણી અપાતા કેટલાક દુકાનદારોમાં આ બાબતે હોબાળો મચી ગયાનું જાણવા મળ્યું છે.

(4:06 pm IST)