Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

બે મહિના સુધી સગીરાને હોટેલમાં રાખી ૪૪ વર્ષનો ઢગો સંતોષ યુપીથી ઝડપાયો

સદરની હોટેલ પાર્ક ઇનના રૂમમાંથી મળેલી સગીરાના શોષણના બનાવમાં કાર્યવાહી : ૧૦મી એપ્રિલે હુડકો ચોકડી નજીકના કારખાનેથી સગીરા દૂધ લેવા નીકળી ત્યારે સંતોષે તેણીને ભગાડીને હોટેલમાં રાખી હતીઃ સાંજે ડીસીપી મનોહરસિંહ જાડેજા-પીઆઇ એસ. આર. પટેલ વિસ્તૃત વિગતો આપશે

રાજકોટ તા. ૨૫૩: સદર બજારમાં આવેલી હોટેલ પાર્ક ઇનમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ થવા ઉપરાંત એક રૂમમાંથી પરપ્રાંતિય સગીરા પણ મળી આવી હતી. કાઉન્સેલીંગ દરમિયાન સગીરાને અલીગઢના સંતોષ કુશવાહાએ બે મહિના પહેલા ભગાડી હોટેલના રૂમમાં રાખી હોવાનું અને બે મહિનામાં અવાર-નવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યાનું સામે આવતાં સગીરાની માતાની ફરિયાદ પરથી મુળ યુપીના અલીગઢના હાલ ગોંડલ રોડ ઓવર બ્રિજ નીચે સ્વાતિ પાર્ક પાસ રહેતાં સંતોષ હરિસિંહ કુશવાહા સામે મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આ શખ્સને પોલીસની ટીમ યુપીથી પકડી લાવી છે.

પોલીસે સગીરાના માતાની ફરિયાદ પરથી સંતોષ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨) (એન) તથા પોકસો હેઠળ ગુનો દાખલ કરાયો છે. ફરિયાદમાં  મહિલાએ જણાવ્યું છે કે હું ત્રણેક માસથી બે પુત્રીઓ અને પુત્ર સાથે રાજકોટ રહુ છું.  અહિ કામ કરવા માટે પોતે વતનમાંથી આવ્યા હતાં. પુત્ર અગાઉથી રાજકોટ રહી  કારખાનામાં કામ કરતો હતો. પણ મને અને દિકરીને રાખવા માટે તેની પાસે જગ્યા ન હોઇ અમારા વતનના સંતોષ કુશવાહાએ અમને સ્વાતિ પાર્ક નજીક તેનું કારખાનું છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.

એ પછી સંતોષે મારી દિકરીને તેની પ્રેમજાળમાં ફસાવી હતી. તા. ૧૦/૪ના રોજ મારી દિકરી દૂધ લેવા માટે સવારે છએક વાગ્યે નીકળ્યા બાદ ગાયબ થઇ ગઇ હતી. તે પાછી ન આવતાં અમે અમારી રીતે જ તેની શોધખોળ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. અમને પોલીસને જાણ કરવી પડે તેની પણ ખબર ન હોઇ અમારી રીતે જ અમારી દિકરીની શોધખોળ ચાલુ રાખી હતી. એ પછી સદર બજારની હોટેલના રૂમમાંથી અમારી દિકરી મળ્યાની જાણ અમને પોલીસ મારફત થઇ હતી. કાઉન્સેલીંગ દરમિયાન દિકરીએ જે વિગતો જણાવી છે તેના આધારે હવે ફરિયાદ નોંધાવી હતી.

સંતોષે જ સગીરાને ભગાડીને હોટેલના રૂમમાં બે મહિના સુધી રાખી હોવાનું અને તે અવાર-નવાર અહિ રૂમમાં આવી તેણી સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધી લઇ હવસ સંતોષતો હોવાનું ખુલતાં તેની સામે અપહરણ, બળાત્કાર, પોકસોનો ગુનો દાખલ થયો છે. સંતોષ પોતે પરણેલો છે અને તેને સંતાનો પણ છે. સગીરા હોટેલમાંથી મળી એ પહેલા જ તે મથુરા ગયો હોવાનું સગીરાની પુછતાછમાં ખુલ્યું હતું. પીઆઇ એસ. આર. પટેલ, પીએસઆઇ કે. જી. જલવાણી, ઇકબાલભાઇ શેખ, હિતેષભાઇ ગઢવી સહિતે વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે અગાઉ સગીરાનું કાઉન્સેલીંગ થયું ત્યારે તેના માતા-ભાઇઓના નિવેદન પણ નોંધાયા હતાં. જે તે વખતે તેમણે પોતાને સંતોષ વિરૂધ્ધ કોઇ ફરિયાદ કરવી નહિ હોવાનું કહ્યું હતું. એ પછી સગીરાનું વધુ કાઉન્સેલીંગ થતાં વધુ વિગતો બહાર આવતાં તેણીની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધાયો હતો.  પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે. એસ. ગેડમની સુચના હેઠળ એક ટીમ યુપીના અલીગઢ પહોંચી હતી અને ત્યાંથી સંતોષને ઉઠાવી લાવી છે. તેની વિશેષ વિગતો સાંજે જાહેર કરવામાં આવશે.

સંતોષે કહ્યું સગીરાને પોતે પ્રેમ કરે છે, તેની સાથે લગ્ન કરવાનો હતોઃ હોટેલનું ૨૫ હજાર બીલ ભર્યુ

ડીસીપી મનોહરસિંહ જાડેજાની પ્રાથમિક તપાસમાં ખુલ્યું

. સંતોષે પ્રાથમિક પુછતાછમાં એવું રટણ કર્યુ છે કે પોતે સગીરાને પ્રેમ કરતો હતો. પોતે તેની સાથે લગ્ન કરવાનો હતો. પરંતુ તેણીની ઉમર પુખ્ત ન હોઇ જેથી હોટેલમાં રાખી હતી. હોટેલમાં બીજી ઓગણીસ વર્ષની યુવતિનું આઇકાર્ડ રજૂ કર્યુ હતું. જેની હોટેલ મેનેજરે ખાત્રી કરી ન હોઇ આ અંગે અલગથી ગુનો નોંધવા કાર્યવાહી થશે. હોટેલનું ૨૫ હજાર જેટલુ બીલ પણ સંતોષે ચુકવ્યું હતું. તે પોતે કારખાનુ ચલાવે છે. તેમ ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

(4:12 pm IST)