Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

મ.ન.પા.નાં મોટા પ્રોજેકટસનાં ઝડપી મોનિટરિંગ માટે દરેક સાઈટ પર સીસીટીવી કેમેરા

સ્માર્ટ સિટી ઈન્ફ્રાસ્ટ્રકચર, અટલ સરોવર અને (લાઈટહાઉસ) પ્રોજેકટની સ્થળ મુલાકાત કરતા મ્યુનિ. અમિત અરોરાઃ રાઉન્ડ ધ કલોક કામ આગળ ધપાવવા અધિકારીશ્રીઓને સૂચના : એક વાહન સીસીટીવી કેમેરાથી સજ્જ કરી અન્ય નાના પ્રોજેકટ્સનું મોનિટરિંગ થશે : કોઇ પણ પ્રોજેકટમાં કોઈ પ્રશ્નો હોય તો તેની તાત્કાલિક નિરાકરણ કરી કામગીરી ઝડપથી અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા એજન્સીઓના પ્રતિનિધિઓને સુચના આપતા મ્યુનિ. કમિશનર

રાજકોટ,તા. રપ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ચાલી રહેલા નાના મોટા તમામ મોટા વિકાસલક્ષી પ્રોજેકટ્સ નિશ્યિત સમયમર્યાદામાં પરિપૂર્ણ કરવાના હેતુસર મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આજે તા. ૨૫-૬-૨૦૨૧ ના રોજ વરિષ્ઠ અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી જુદીજુદી પ્રોજેકટ્સ સાઈટ્સની મુલાકાત લેવાનો પ્રારંભ કર્યો છે. જેમાં આજે તેઓએ સવારથી જ સ્માર્ટ સિટી એરિયા, અટલ સરોવર અને લાઈટહાઉસ આવાસ યોજનાની સીટ વિઝિટ કરી હતી.

સ્માર્ટ સિટી એરીયામાં હાલ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિવિધ કામો જેવા કે, રસ્તા, ભૂગર્ભ ગટર, પીવાના પાણીની લાઈનો, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, વગેરે ચાલી રહયા છે જેની મ્યુનિ. કમિશનરએ સ્થળ પર જ સમીક્ષા કરી હતી. સાથોસાથ આ કામો કેટલા સમયમાં પૂર્ણ થશે તેનો રોડમેપ પણ એજન્સીના પ્રતિનિધિઓ પાસેથી માંગ્યો હતો. મ્યુનિ. કમિશનરએ સ્માર્ટ સિટી એરીયામાં જ સ્થિત અટલ સરોવરની મુલાકાત લઈ તેના ડેવલપમેન્ટ પ્લાન, થયેલી કામગીરી અને હવે હાથ ધરવાની થતી કામગીરીની વિગતો મેળવી હતી. તેમજ ઝડપભેર આ પ્રોજેકટ આગળ ધપાવવા સૂચના આપી હતી.

ત્યારબાદ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ લાઈટહાઉસ આવાસ યોજનાની સાઈટની મુલાકાત લીધી હતી. આ પ્રોજેકટ લોકોની સુખાકારીમાં વધારો કરનાર પૂરવાર થનાર છે ત્યારે આ હાઉસિંગ પ્રોજેકટમાં કાર્યની ગુણવત્ત્।ા શ્રેષ્ઠ રહે તે સુનિશ્યિત કરવા પર ખાસ ભાર મુકયો હતો.

લોકોને વધુ સારી સુવિધાઓ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. આવા ચાલુ પ્રોજેકટમાં કોઇ પ્રશ્નો હોય તો તેની તાત્કાલિક તેનું નિરાકરણ કરી કામગીરી ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા એજન્સીના પ્રતિનિધિઓને મ્યુનિ. કમિશનરએ સુચના આપી હતી. તેમજ સરકારના કોઈ વિભાગ પાસેથી કશી અનુમતિ લેવાની થતી હોય તેની પ્રક્રિયા પણ ઝડપભેર પૂર્ણ કરવા અધિકારીઓને સુચના આપી હતી તેમજ અટલ સરોવર ખાતેની કયુબ કન્સ્ટ્રકશન એજન્સી અને રોબર્સ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર ખાતેની ક (અને) ઝ એજન્સીના પ્રતિનિધિઓને પાઈપલાઈનની કામગીરી કયારે પૂર્ણ કરશે તેની માહિતી આપવા જણાવ્યું હતું. આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ. આર. સિંહ, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, પી.એ. (ટેક.) ટુ રસિક રૈયાણી, સ્પેશિયલ સિટી એન્જી.  અલ્પના મિત્રા,  પરેશ પટેલ અને એજન્સીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.

(4:20 pm IST)