Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

મેટોડાના હસમુખભાઇ દાફડાનો સગીર વયના પુત્ર સાથે રાજકોટ એસપી ઓફિસ પાસે આત્‍મવિલોપનનો પ્રયાસ

પુત્રને ટોળકીએ ઉઠાવી જઇ સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય આચર્યુ છતાં પોલીસે ફરિયાદ ન નોંધ્‍યાનો આક્ષેપઃ પોલીસ કહે છે રજૂઆત કરનારના પુત્રનું મેડિકલ કરાવવાનું કહેતાં તેણે ફરિયાદ જ કરી નહોતી

રાજકોટઃ મેટોડા જીઆઇડીસી અંજલી પાર્ક ગેઇટ નં. ૧માં રહેતાં હસમુખભાઇ સોમાભાઇ દાફડા (ઉ.વ.૪૦) આજે પોતાના ૧૭ વયના સગીર પુત્રને લઇ રાજકોટ રૂરલ એસપી કચેરી ખાતે પેટ્રોલની બોટલ લઇને પહોંચ્‍યા હતાં અને પોતાના શરીરે પેટ્રોલ રેડી લઇ આત્‍મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઝપાઝપી કરી તેની પાસેથી બોટલ આંચકી લીધી હતી અને તે કોઇ પગલુ ભરે એ પહેલા પ્ર.નગર પોલીસે અટકાયતમાં લઇ ૧૫૧ હેઠળ કાર્યવાહી કરી હતી. હસમુખભાઇએ લેખિત રજૂઆત કરી હતી જેમાં મેટોડાના પરેશ કિશોરભાઇ માંડલીયા, રાજકોટના ધવલ વાણીયા, વડવાજડીના ભાવેશ રાઠોડ અને અન્‍ય આઠ અજાણ્‍યા વિરૂધ્‍ધ આક્ષેપો કર્યા હતાં. જેમાં જણાવ્‍યું હતું કે આ શખ્‍સો મારા દિકરાને ૩૧/૫ના રોજ દારૂ પીધેલી હાલતમાં દોરીથી બાંધીને મળતીયાઓની વાડીએ લઇ ગયા હતાં અને ત્‍યાં ત્રણ જણાએ સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય આચર્યુ હતું. આ બાબતે લોધીકા પોલીસને જાણ કરવા છતાં પોલીસે ગુનો નોંધ્‍યો નહોતો. ફરિયાદ  તો ન નોંધી માથે જતાં અમને મારકુટ કરી હતી. તેના ફૂટેજ પણ પોલીસ સ્‍ટેશનમાં હશે. મારા પુત્ર સાથે બળજબરી કરનારાઓમાં બે શખ્‍સો બુટલેગર છે અને મોટી રકમનું આ ગેરકાયદે ધંધામાં ટર્નઓવર ધરાવે છે.

હસમુખભાઇ દાફડાએ લેખિત રજૂઆતમાં આગળ આક્ષેપો સાથે જણાવ્‍યું છે કે આરોપીઓએ અમને પણ બોથડ પદાર્થ અને લાકડીથી માર માર્યો હતો અને બળજબરી કરી હતી. યુપી, બિહાર, આસામના મજૂરોને આ લોકો દારૂ પહોંચાડે છે અને મેટોડામાં આતંક મચાવે છે. અમને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરી ખૂનની ધમકી આપી હોઇ આ બાબતે યોગ્‍ય કાર્યવાહી કરી ગુનો નોંધવા અમારી માંગણી છે. હસમુખભાઇએ જણાવ્‍યું હતું કે પોલીસે અમારા પર થયેલા અત્‍યાચારમાં કાર્યવાહી ન કરતાં અમે બાપ-દિકરો રાજકોટ એસપી ઓફિસે આત્‍મવિલોપન કરવા આવ્‍યા હતાં. પ્ર.નગરના એએસઆઇ ચંદ્રસિંહ ઝાલા સહિતની ટીમે પિતા-પુત્રની ૧૫૧ હેઠળ અટકાયત કરી હતી.

દરમિયાન પોલીસ સુત્રોએ જણાવ્‍યું હતું કે આ ઘટનામાં જે પ્રમાણે આક્ષેપો થયા હોઇ તે મુજબ ફરિયાદ નોંધવા તજવીજ થઇ હતી. પરંતુ રજૂઆત કરનારને તેના સગીર પુત્રનું તબિબી પરિક્ષણ કરાવવું પડશે તેમ કહેવાતાં તેણે ફરિયાદ નોંધાવવાનું ટાળી દીધુ હતું. પોલીસ વિરૂધ્‍ધ પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:34 pm IST)