Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

સરપદડના પ્રજ્ઞાચક્ષુ પ્રહલાદે નર્સિંગની નોકરીની લાલચ આપી રાજકોટની બે યુવતિને ૧.૫૯ લાખનો ‘ધૂંબો' માર્યો

મેં કેટલાયને નોકરી અપાવી છે, એના નામ ન અપાય...છેલ્લી બે જગ્‍યા છે તમને નોકરી ન મળે તો પૈસા પાછા... :એ-ડિવીઝનપોલીસે લેબોરેટરીમાં કામ કરતી યુવતિની ફરિયાદ પરથી પ્રહલાદ ઝાલાને સકંજામાં લીધો :પહેલા ફોર્મના નામે ૧૧-૧૧ હજાર ગૂગલ પેથી મેળવ્‍યાઃ બાદમાં ડોક્‍યુમેન્‍ટ બ્‍લોક છે તે ખોલવાના, ઉંચી પોસ્‍ટ મેળવવાના, નોકરી સાથે એક્‍ટીવા મળશે તેના, અગાઉ નોકરીના ફોર્મ ભર્યા હોય તે રદ કરાવવાના, રસીદ લેવા ગાંધીનગર જવાના, ગાડીમાં ગેસ ભરાવવાના, એજન્‍ટને ફોડવાના...એવા જુદા-જુદા બહાને રકમ મેળવી લીધી'તી! : મુળ જસદણ સાણથલીની દિવ્‍યાને બહેનપણી લક્ષ્મીએ કહ્યું-હું એક ગોલ્‍ડ મેડાલિસ્‍ટ માણસને ઓળખુ છું, તેની ગાંધીનગરમાં મોટી વગ છે, એ નોકરી અપાવે છેઃ લાલચમાં આવી દિવ્‍યા અને તેની બહેનપણી : નિધીએ નાણા આપ્‍યા પણ છેલ્લે નોકરી ન મળી

રાજકોટ તા. ૨૫: બીજાને છેતરવા માટે લોકો નીતનવા નુસ્‍ખા અજમવાતાં હોય છે. છેતરપીૈડીના વધુ એક કિસ્‍સામાં  મુળ જસદણ સાણથલીની વતની અને હાલ રાજકોટ રહી લેબોરેટરીમાં રિસેપ્‍શનીસ્‍ટ તરીકે નોકરી કરતી પટેલ યુવતિ અને તેની બહેનપણીની સરપદડના અંધ વ્‍યક્‍તિએ પોતે ગાંધીનગર સુધી ઓળખાણ ધરાવે છે અને સો ટકા સરકારી નોકરી અપાવે છે તેવી લાલચ આપી ઓનલાઇન નાણા ટ્રાન્‍સફર કરાવડાવી રૂા. ૧,૫૯,૦૨૦ની ઠગાઇ કરતાં પોલીસે આ પ્રજ્ઞાચક્ષુ શખ્‍સને સકંજામાં લીધો છે.  આ શખ્‍સ અંધશાળાની સંસ્‍થા માટે ડોનેશન ઉઘરાવવાનું કામ કરે છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે મુળ જસદણના સાણથલીની વતની અને  હાલ પંચનાથ પ્‍લોટ પાસે કાશી વિશ્વનાથ પ્‍લોટ-૧૦માં રહેતી તથા મોટી ટાંકી રોડ પર ન્‍યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીમાં રિસેપ્‍શનીસ્‍ટ તરીકે નોકરી કરતી દિવ્‍યા મનુભાઇ વેકરીયા (પટેલ) (ઉ.૨૩)ની   ફરિયાદ પરથી પડધરીના સરપદડના પ્રહલાદ હીરાલાલ ઝાલા વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૬, ૪૨૦ રૂા. ૧,૫૯,૦૨૦ની ઠગાઇ કરવાનો ગુનો નોંધ્‍યો છે.

દિવ્‍યા વેકરીયાએ પોલીસને જણાવ્‍યું છે કે મારી બહેનપણ લક્ષ્મી મકવાણા મારફત મરો સંપર્ક પ્રહલાદ ઝાલા સાથે થઇ હતી. તેણે મને વાત કરી હતી કે  ‘હું હું એક ભાઇને ઓળખુ છું અને તે ગાંધીનગરમાં મોટી વગ ધરાવે છે, ગોલ્‍ડ મેડાલિસ્‍ટ  માણસ છે જે તમારી નર્સ્‍ંિગમાં સરકારી નોકરી કરાવી આપે તેમ છે. મેં ઘણાને નોકરી કરાવી આપી છે, પણ આ ખાનગી વાત કહેવાય એટલે હું જેને નોકરી અપાવી છે તેના નામ આપી શકુ નહિ' તેમ કહેતાં મને તેના પર વિશ્વાસ બેઠો હતો.

આ પછી પ્રહલાદ સાથે મારે વાતચીત ચાલુ થઇ હોઇ તેણે ૧૦/૧/૨૨ના રોજ મને કહેલું કે છેલ્લી બે જગ્‍યા ખાલી છે તમારે ગોઠવવું હોય તો બોલો નહિતર બીજાને આપવાની થાય છે. ઘણા લોકો મારી પાસે આવે છે, પરંતુ તમને પહેલા વાત કરી છે એથી તમારો ચાન્‍સ પહેલો છે. તમારી નોકરી સો એ સો ટકા થઇ જશે, ન થાય તો પૈસા પાછા, તમારે રોકડા પૈસા નથી આપવાના ઓનલાઇન જમા કરાવવાના છે તેમ કહ્યું હતું.

મને તેન વાત પર ભરોસો બેસતાં મેં મારા અને મારી બહેનપણી નીધી અરવિંદભાઇ ખેંગારના એમ બંનેના ૧૧-૧૧ હજાર લેખે ૨૨ હજાર રૂપિયા તા.૧૭/૧ના રોજ ગૂગલ પે દ્વારા અજય બોખાણી નામના એકાઉન્‍ટમાં પ્રહલાદના કહેવાથી ટ્રાન્‍સફર કર્યા હતાં. એ પછી તેણે તમારા ડોક્‍યુમેન્‍ટ બ્‍લોક છે, ઓનલાઇન નથી બતાવતાં આ ફોલ્‍ટ સરખો કરવા બીજા ૩૦-૩૦ હજાર લેખે ૬૦ હજાર ભરવાનું કહેતાં આ રકમ તા. ૧૨/૨ના રોજ ફરીથી અજય બોખાણીના ગૂગલ પેમાં ટ્રાનસફર કર્યા હતાં.

એ પછી પ્રહલાદે થોડી ઉંચી પોસ્‍ટ પર નોકરી મેળવવી હોય તો રૂા. ૫૪૪૦ તેમજ નોકરીનીસાથે એક્‍ટીવા પણ મળશે તેના માટે રૂા. ૩૫૦૦-૩૫૦૦ અને રહેઠાણનો દાખલો બનાવવા વ્‍યક્‍ત દિઠ રૂા. ૬૦૦૦ તેમજ અગાઉ નોકરીના ફોર્મ ભર્યા હોય તો તે રદ કરાવવાથી જ આ નોકરી મળે તેના માટેની ફી રૂા. ૩૦ હજાર તેમજ ડ્રાઇવીંગ લાયસન્‍સ માટે રૂા. ૨૪૫૦ તેમજ પ્રહલાદ પોતે ગાંધીનગર રસીદ લેવા જશે તેના રૂા. ૪૯૦, ગાડીના ગેસના રૂા. ૧૩ હજાર, એજન્‍ટને ફોડવા માટેના વ્‍યક્‍તિ દિઠ રૂા. ૫૬૦૦ સહિત કુલ રૂા. ૧,૫૯,૦૨૦ અમારી બંને બહેનપણી પાસેથી પ્રહલાદે નોકરી અપાવવાના બહાને ઓનલાઇન ટ્રાન્‍સફર કરાવ મેળવી લીધા હતાં.

આ બધા ટ્રાન્‍જેક્‍શન તા. ૧/૧ થી ૮/૩/૨૨ સુધી થયા હતાં. એ પછી પ્રહલાદે નોકરી માટેની કોઇ વાત ન કરતાં અમે તેને ફોન કરીને પુછતાં તેણે કહ્યું હતું કે તમારું હજુ ગોઠવાયું નથી, તમને છત્રીસ દિવસમાં પૈસા પરત મળશે તેમ કહી બહાના બતાવ્‍યા હતાં અને છેલ્લે કહ્યું હતું કે પૈસા આવી ગયા છે અને મારાથી વપરાઇ ગયા છે, હવે ભેગા થશે ત્‍યારે આપીશ તેમ કહી રૂા. ૧,૫૯,૦૨૦ ખાઇ જતાં અંતે અમે ફરિયાદ નોંધાવી હતી. તેમ દિવ્‍યા વેકરીયાએ વધુમાં જણાવતાં પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં પીએસઆઇ એચ. એસ. નિમાવતે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે. આ શખ્‍સે ભાવનગરની અંધશાળામાં ધોરણ-૧૦ સુધી અભ્‍યાસ કર્યો છે અને હાલ સરપદડ રહી સંસ્‍થા માટે ડોનેશન ઉઘરાવવાનું કામ કરે છે.

(1:37 pm IST)