Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ઇ-મેમાની ઉઘરાણીમાં રાહત મળશે ? સરકારમાં ગોવિંદભાઇની રજુઆત

પત્રકારોએ પોલીસની સખ્તાઇનો મુદો ઉઠાવતા ધારાસભ્યએ કહ્યુ ગૃહમંત્રી અને કમિશનરને રજુઆત કરી છે, યોગ્ય નિરાકરણ આવશે

રાજકોટ, તા.૨૫: શહેર પોલીસ દ્વારા સી.સી.ટીવી કેમેરાના આધારે થયેલા ટ્રાફિક નિયમ ભંગના કેસના નાણા વસુલવા ઝુંબેશ શરૂ થઇ છે. વાહન ચાલકો તા.૨૬ સુધીમાં ઇ-મેમા મુજબ નાણા ન ભરે તો કોર્ટે કેસ કરવાની ચીમકીના પગલે સંબંધિત વાહન ચાલકોએ દંડની રકમ ભરવા દોટ મૂકી છે. વર્તમાન મંદીના માહોલમાં દંડ વસુલવાની પોલીસની સખ્તાઇનો આજે પત્રકાર પરિષદમાં પત્રકારોએ પડઘો પાડતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ એ આ અંગે  સરકારમાં રજુઆત કરાયાનુ જણાવી યોગ્ય નિરાકરણનું આશ્વાસન આપ્યુ છે. ઇ-મેમાની ઉઘરાણી બંધ થાય અથવા રાહત આપવામાં આવે તેવી આશા બંધાયેલ છે.

આજે કટોકટી દિવસ સંદર્ભે યોજાયેલ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ગોવિંદભાઇ  પટેલના સંબોધન બાદ પત્રકારોએ ઇ-મેમાના નાણાની તાબડતોડ ઉઘરાણીથી સામાન્ય માણસોને પડતી આર્થિક મુશ્કેલી અંગે પ્રશ્નો ઉઠાવતા ગોવિંદભાઇએ જણાવેલ કે આ અંગે કમિશનર અને ગૃહમંત્રીને રજુઆત કરી છે.

ગૃહમંત્રીએ તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરાવવાની હૈયાધારણા આપી  છે. ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાંબાગાળાની પ્રક્રિયા છે. સરકાર તે દિશામાં કાર્યરત છે.

શહેર ક્રાઇમ બ્રાંચમાં નિમણૂકમાં જ્ઞાતિના સમીકરણના સવાલ અંગેના જવાબમાં ધારાસભ્ય એ જણાવેલ કે પોલીસ તંત્રમાં કાબેલિયતના આધારે નિમણૂક થતી હોય છે. હું શાંત જ છુ, એટલે મને શાંત પાડવા કોઇની નિમણૂક કરાયાનો પ્રશ્ન જ નથી.

(1:39 pm IST)