Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

નેટફિલક્‍સ રિચાર્જના નામે ઠગાઇઃ સાયબર ક્રાઇમ પોલીસે તબિબને રકમ પરત અપાવી

ઇ-મેઇલથી મળેલી લિંક ખોલતાં જ નાણા ઉપડી ગયા હતાં: એસીપી વિશાલ રબારી, પીઆઇ જે. એમ. વાઘેલા, પીએસઆઇ કે. જે. રાણા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૫: ઓનલાઇન છેતરપીંડી કરી લોકોને છેતરવાના બનાવો સતત બનતાં રહે છે. સાયબર ક્રાઇમ પોલીસ આવા અનેક કિસ્‍સામાં છેતરાયેલા લોકોને નાણા પરત પણ અપાવે છે. વધુ એક વ્‍યક્‍તિને રૂા. ૧,૨૦,૩૬૪ પરત અપાવ્‍યા છે. નેટફિલક્‍સના રિચાર્જના ઓઠા તળે ગઠીયાએ ઠગાઇ કરી હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ નિર્મલા રોડ પર  પ્રકાશ સોસાયટી-૨માં રહેતાં ડો. ટી. કે.એમ. ઇશ્વર (ઉ.વ.૬૦)ને અજાણ્‍યા શખ્‍સે નેટફિલક્‍સમાં રિચાર્જ કરાવવા માટે ઇ-મેઇલથી લિંક મોકલી હતી. તબિબે આ લિંક ઓપન કરતાં તેમાં વિગતો ભરવાની સુચના મળતાં તે મુજબ વિગત ભરીને મોકલી હતી. એ પછી તેમના ક્રેડિટ કાર્ડમાંથી રૂા. ૧,૨૦,૩૬૪ ઉપડી ગયા હતાં.

આ અંગે સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરવામાં આવતાં ટેકનીકલ એનાલિસિસથી તપાસ શરૂ કરવામાં આવી હતી અને તબિબને તેમના રૂા. ૧,૨૦,૩૬૪ પરત અપાવી દેવામાં આવ્‍યા હતાં. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની રાહબરીમાં એસીપી સાયબર ક્રાઇમ વિશાલ એમ. રબારીની રાહબરીમાં પીઆઇ જે. એમ. વાઘેલા, પીએસઆઇ કે. જે. રાણા, હેડકોન્‍સ. પ્રદિપભાઇ કોટડ, સંજયભાઇ ઠાકરે આ કામગીરી કરી હતી.

(3:38 pm IST)